09/04/2024
ટીમ અતુલ્ય વારસો દ્વારા ગત્ત રોજ તા. ૦૭/૦૪/૨૦૨૪ એ ગુજરાતભરમાંથી ૧૩૧ વિશેષ હેરીટેજ સાધકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ૨૧ બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, ગુજરાતમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં કલા સાધકોને સન્માનિત કરવાની આ પ્રથમ ઘટના હતી જે અમારા માટે ગૌરવની વાત બની રહી. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે શ્રી પ્રદીપસિંહ રાઠોડ, અતિથી વિશેષ અને વિષય નિષ્ણાંત તરીકે આંબેડકર યુનિ. વાઈસ ચાન્સેલરશ્રી અમિબેન ઉપાધ્યાય, જાણીતા કલાકારશ્રી મકરંદ શુકલા, ઇતિહાસવિદ્દ ડૉ. વિશાલ જોશી, કલાતીર્થનાં અધ્યક્ષશ્રી રમણિકભાઈ ઝાપડિયા, જાણીતા સામાજીક કાર્યકર્તાશ્રી મિત્તલબેન પટેલ જોડાયા હતા અને આ મહાનુભાવોનાં વરદ્દહસ્તે વિવિધ વિષયનાં સાધકો/સંવર્ધકોને સન્માનીત્ત કરવામાં આવ્યા હતા. ૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ, ૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ, ૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે), ૪) લેખન અને પ્રકાશન, ૫) હેરીટેજ પ્રવાસન આ પાંચ ક્ષેત્રમાં સારી કામગીરી, ફરજ નિભાવી રહેલ વ્યક્તિ, સંસ્થા, સમુદાયને સન્માનિત કરવામાં આવે છે. જેમાં ડૉ. ગિરીશ ઠાકર, શ્રી સવજીભાઈ છાયા, તાજેતરમાં આવેલ કસુંબો ફિલ્મનાં વિજયગીરી બાવા. આંતરરાષ્ટ્રીય કલાકાર શ્રી ભરત બારીયા અને શ્રી અક્ષય પટેલ, ડૉ. હિરેન શાહ, શ્રી હરદ્વાર ગોસ્વામી, સુપ્રસિદ્ધ કચ્છીકલાકાર શ્રી મુરાલાલા મારવાડા સહિત જિલ્લાવાર કલા સંવર્ધકો સન્માનિત થયા હતા. વર્ષો અગાઉ કાર્ય કરેલ અને હાલમાં હયાત ન હોય તેવા સ્વ. ડૉ. પોપટલાલ વૈદ્ય, સ્વ. પી.પી. પંડ્યાનું તેમના પરિવારજનોને આમંત્રિત કરી સન્માન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત આંતરરાષ્ટ્રીય કલાકાર શ્રી ભરત બારીયા અને શ્રી અક્ષય પટેલએ શિવ સાધના પ્રસ્તુતિ દ્વારા કરી હતી અને ત્યારબાદ શ્રી મુરાલાલા જી એ કચ્છી ભજનથી વાતાવરણ પવિત્ર બનાવ્યું હતું. કુલ ૨૭ જિલ્લા, ૧ કેન્દ્રશાસિત પ્રદેશ, ૧ મુંબઈ, ૧ યુ.એસ.એ. સહીત ત્યાંનાં ગુજરાતી સમગ્ર રાજ્ય અને સરહદી પ્રદેશોને જોડાવાનો પ્રયાસ થયો હતો. આગામી સમયમાં આ તમામ એવોર્ડીને જોડી રાજ્યના વારસાના સંવર્ધન અને વિકાસ માટે એકમેકનાં સહયોગથી કાર્યવાહી હાથ ધરાશે તેમ સંસ્થાનાં મેનેજિંગ ટ્રસ્ટી કપિલ ઠાકરએ જણાવ્યું હતું.