07/09/2022
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ : અભિનંદન મનિષભાઈ.
શ્રમની જેની સંપતિ, સવળે રસ્તે જાય
વાવ્યું બમણું થાય, વારાણસીમાં 'વિઠલા'
કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એની સૌને ખબર છે પણ, કેટલુંક વાવેલું વારાણસીમાં ઉગે છે. કેટલુંક વાવેલું અહી, આ ઘડીએ ઉગે છે. અહીં જે ઉગે છે એનો ઉજાસ સૌને વરતાય છે. પ્રકાશનમાં બે વર્ષ હજુ હવે પુરા થાય છે હો... મનિષભાઈ વિશે શું લખવું? હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા...એવી કડીઓ ગાવાનું મન થાય. સાથે સાથે એવું કહેવાનું પણ મન થાય કે મનિષભાઈ પટેલ અમારાં ઉત્તર ગુજરાતનું અણમોલ ઘરેણું છે.
ગુજરાતી સાહિત્યમાં ઝેડ કેડ પબ્લિકેશન એક ચમત્કાર છે એવું સૌ કોઈ કહે છે એમાં અતિશયોક્તિ બિલકુલ નથી. બે વર્ષના કાર્યકાળમાં કોઈ પ્રકાશકને ન મળી હોય એવી જવલંત સફળતા મનિષભાઈને મુઠ્ઠી ઉંચેરા માનવી સિદ્ધ કરે છે. આવો ઉંચો શબ્દ હું એમની મહેનત, કર્મનિષ્ઠા અને સતત નવું વિચારવાની દ્રષ્ટિ માટે વાપરી રહ્યો છું. બાકી, મનિષભાઈ માટીથી જોડાયેલા માણસ છે.
આપણા સંવેનશીલ સર્જક શ્રી રવજીભાઈ ગાબાણી સાહેબ લિખિત 'સાવજનું કાળજું' નો પ્રથમ આવૃત્તિમાં ૬૮૦૦૦ કોપીનો એ પડાવ એક એવી ઉંચાઈ હતી કે જ્યાં પહોચ્યા પછી પાછું વળીને જોવું શક્ય નહોતું પણ, મનિષભાઈ પાસે ગજબનો સંયમ અને ધૈર્ય. એ ધરાતલને સમજે, ઓળખે ને એ મુજબ જ જીવે.
મનિષભાઈને મળીએ એટલે એમનો માનવીય અભિગમ આપણને સ્પર્શી જાય. સીધી વાત. કોઈ આછકલાઈ નહિ. કોઈ વધારે ઉંચાઈ કે ચડાવી, શણગારી કરેલી વાત નહિ. એમને રસ કામમાં. જે કામ માટે પોતે છે એ કામને પૂરેપૂરા સમર્પિત બની મચી પડવું.
આજે એમનાં પ્રકાશન હેઠળ બસો આસપાસ ટાઇટલ છે પણ, ઉતાવળમાં નહિ માનતા મનિષભાઈ પુસ્તક સજાવટને લઈને સારો એવો સમય લે છે ને હમેશાં બેસ્ટ આપવાની કોશિશ કરે છે. એકસાથે અસંખ્ય કામો કરતાં કરતાં તેઓ સાહિત્યજગતમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે.
ગુજરાતની કે ભારતની સાહિત્યિક સંસ્થાઓ એવોર્ડ આપે એનાં કરતાં વૈશ્વિક લેવલ પરથી જે વધામણાં થાય એનું મૂલ્ય નોખું જ રહેવાનું. અહી એક વાત શીખવા મળે છે કે સાહિત્યમાં નવાં જૂના જેવું કશું જ નથી હોતું. પેશન અને દુરદર્શિતા વડે જો કામ કરવામાં આવે તો એનું ફળ અચૂક મળે છે. જોકે, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ જેવું ઉત્તમ ફળ માટે કદાચ નસીબ પણ કામ કરતું હશે એની ના નહીં તોય, કેવાનું મન થાય કે કોઈ બાળક એકડી બીજીમાં ભણતાં ભણતાં પી. એચ. ડી માટે મળતો એવોર્ડ લઈ આવે એમ આપણા મનિષભાઈ સાહિત્ય જગતમાં નવા નવા હોવા છતાં 'પહેલો ઘા રાણાનો' એ ન્યાયે છેક લંડનથી આવું અણમોલ સામૈયું પામે એનો એક મિત્ર તરીકે હરખ વ્યક્ત કરું છું.
મને તો બીજો વિચાર એ આવે કે દરેક પુસ્તકમાં, દરેક કાર્યક્રમમાં પોતાની સર્જનાત્મકતા રેડી દેતાં મનિષભાઈ ભવિષ્યમાં જે કામો કરશે એની નોંધ ગુજરાતી સાહિત્યની એક પ્રભાવી ઘટના બની રહેશે.
આ એવોર્ડ્ બદલ હું એમની સૂઝબૂઝ, સંબંધોની ગરિમા અને દૂર સુધીનાં દર્શનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હજૂ એનાથી પણ વધારે સિધ્ધિઓ મને આપની ઝોળીમાં દેખાય છે. આગે બઢો. જોગમાયા વરાણાવાળી આઈ ખોડિયાર આપની યશરૂપી ધજા ઉંચે ને ઉંચે ફરકાવે રાખે એવી પ્રાર્થના..
- શૈલેષ પંચાલ.