08/24/2024
દોસ્તો, આપ સૌ જાણો છો એમ અમેરિકાના ન્યૂ જર્સી માં રેડિયો Bharat FM પર મારો શૉ "मेरि कहानी मेरि ज़ुबानी" પ્રસારિત થાય છે. દોસ્તો, એ જ ઉપક્રમમાં આવતીકાલ અને રવિવારે પ્રસારિત થનારા એક નવા એપિસોડના અતિથિ છે શ્રી પ્રશાંત કેદાર જાદવ. તેઓ એક એવા ભાષાકર્મી છે, જે ગુજરાતના સાવ અંતરીયાળ પ્રદેશમાંથી આવ્યા પરંતુ એમના રચેલાં ગીત, ગરબા અને કવિતાથી એમણે ગુજરાતી ભાષાને ખૂબ રળિયાત કરી છે. ગુજરાત અને ગુજરાતી ભાષાને વ્હાલ અને અછોવાનાં કરતા ભાવકનાં મન અને હ્રદયને તેમના શબ્દો આંદોલિત કરી મૂકે છે. ગુજરાતી પ્રજાના હૈયે અને જીભે ચડેલા ખૂબ પ્રચલિત ગરબા - ગીતો જેવાં કે "કુમકુમનાં પગલાં પડ્યાં માડીના હેત ઢળ્યા, જોવા લોક ટોળે વળ્યાં રે", "ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય", "સનેડો સનેડો ભૈ લાલ લાલ સનેડો", "ગોરી તારી ઉંચી મેડી ના ઉંચા મોલ”, “નહીં રે ભુલાય સાજણ તારા સંભારણા","ટહુકા કરતો જાય મોરલીયો","જોડે રહેજો રાજ","હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપ તું","કુમકુમ પગલે માડી પધારો રે", જેવી અસંખ્ય રચનાઓ એમના અંત:કરણમાં અંકુરિત થઈને એમની આંગળીઓનાં ટેરવે થી ફૂટી છે.
એ તો સર્વવિદિત છે કે સાહિત્યમાં કાળક્રમે પરિવર્તન આવે છે. પરંતુ માણસની અભિવ્યક્ત થવાની અભિપ્સા એની સાથે જન્મથી જ જોડાયેલી હોય છે. ભાષાપ્રવાસના દરેક તબ્બકે કવિતાઓ રચાઈ છે પણ હા, અભિવ્યક્તિના રુપ કદાચ અલગ રહ્યા છે એનું કારણ તો એક જ કે ‘કશુંક કહેવું છે. મનુષ્ય મનના આંતરનાદ, ઉમંગ, તરંગ, નિરાશા, હતાશા, આઘાત, પ્રત્યાઘાત, ફરિયાદ, તત્વજ્ઞાન, ભક્તિ, પ્રેમ, બોધ વગેરેને અભિવ્યક્ત થવું છે, હળવા થવું છે. આમાં અનૂભૂતિની સચ્ચાઈ, સંવેદનાના ઉંડાણ, સમાજદર્શન, વ્યવહારો એ સઘળાં પ્રશાંત ની રચનાઓમાં અદભુત રીતે ઉપસ્યા છે. કવિ શ્રી પ્રશાંત કેદાર જાદવે ઉત્તર ગુજરાતની લોકબોલીમાં રચેલી રચનાઓ સમજવા માટે એ તરફની સજ્જતા હોવી આવશ્યક છે પણ તેમ છતાં એ સાવ અઘરું પણ નથી.
પ્રશાંત દોસ્ત, તારું રેડિયો Bharat FM પર મારી સાથે વાર્તાલાપ કરવા આવવું એ સહજ આનંદપ્રદ ઘટના છે. આભાર પ્રશાંત.
દોસ્તો, "मेरि कहानी मेरि ज़ुबानी"ના આ એપિસોડમાં દોસ્તો પ્રશાંત કેદાર જાદવ સાથે નો અત્યંત રસપ્રદ વાર્તાલાપ, શનિવાર, August 24, 2024 અને રવિવાર, August 25, 2024 ના રોજ બંને દિવસે અમેરિકામાં બપોરે 12.00 PM (EST) અને ભારતમાં પણ એ જ બંને દિવસો એ એટલે કે શનિવાર, August 24, 2024 અને રવિવાર, August 25, 2024 ના રોજ રાત્રે 9.30 વાગે (ભારતીય સમય પ્રમાણે) સાંભળી શકાશે.
કાર્યક્રમ સાંભળવા માટે Bharat FM.com પર જઈ Cincinnati પર આપે ક્લીક કરવાનું રહેશે.