22/11/2021
‘ જોરૂભા સાહેબ , જરમન જીતીને વહેલેરા આવજો ’
લેફટનન્ટ કર્નલ જોરાવસિંહજી ગોહિલ M.C. IDSM
જન્મ : તા. ૦૧-૦૪-૧૮૮૬, સ્વર્ગવાસ : તા. ૦૫-૦૯-૧૯૪૭
ભાવનગર મહારાજા જસવંતસિંહજીના વજીર દેવાણી જસાભા ગોહિલના પુત્ર હરિસિંહજીને ત્યાં ભોજપરામાં તા.૦૧-૦૪-૧૮૮૬ ના રોજ જોરાવરસિંહજીનો જન્મ થયો હતો.
જોરાવરસિંહજી રાજકુમાર કોલેજ રાજકોટમાં અને ત્યાર પછી શામળદાસ કોલેજ ભાવનગરમાં અભ્યાસ કર્યો હતો. તેઓ સારા ક્રિકેટર હતાં. B.A. સુધી અભ્યાસ કર્યો હતો. દહેરાદુન મીલ્ટ્રી એકડમીમાં દાખલ થયા હતાં. ઈ.સ. ૧૯૦૫ માં ઈમ્પિરીયલ એકેડમીમાં દાખલ થયા હતાં અને પ્રથમ નંબરે પાસ થયા હતા. તેમને આર્મીમાં લેફટનન્ટ તરીકે એડમીશન આપવામાં આવ્યું. દહેરાદુનથી ઈ.સ. ૧૯૦૫ માં ભાવનગર આવ્યા, ઈ.સ. ૧૯૧૧ માં શહેનશાહ જ્યોર્જ પાંચમાનાં તાજપોથી વખતે હિન્દના પ્રતિનિધિ તરીકે ઈંગ્લાન્ડ ગયા હતાં.
અખિલ બ્રહ્માંડની એકતા સાધવા શ્રીકૃષ્ણની બંસરીમાંથી છૂટતા સૂર જેવી સાગરની લહેરો ઊઠી રહી છે. યૌવનના અંગરંગના તરંગથી વિશ્વને બેશુદ્ધ કરવાનું સામર્થ્ય ધરાવતી પૂર્ણ પ્રકૃતિના અધરોષ્ઠ જેવી ઉગમણા આભમાં ઉષાની રેખા તણાઈ રહી છે.
નીલમ બાગની વનરાજી કોયલના ટૌકાથી પુલકિત થઈ રહી છે. એવે વખતે આભને તોળતા ભાલા સાથે ભાવનગરના ભડવીરો ભેળા થઈ રહ્યા છે. અશ્વોને રાંગમાં રમાડતા મેદાનમાં મળી રહ્યા છે. ભાવનગરનો ભૂપ ગંગાજળિયો ગોહિલ ભાવસિંહજી મહારાજ ભાવથી ભેટીને વાંસા થાબડી રહ્યો છે.
વાત એમ બની છે કે યુરોપની ધરા ધીખતી થઈ છે. અગનગોળા ઉઠી રહ્યા છે. લશ્કરનાં ધાડાં ધરાને ધમરોળી રહ્યાં છે. અંગ્રેજ હકૂમતના હિન્દ ઉપર તાર છૂટયા છે કે ભેરે ચડો.
કાઠિયાવાડના કાંઠેથી ભાવનગરે એમાં પહેલ કરી છે. ઈ.સ. ૧૯૧૪ માં પ્રથમ વિશ્વયુધ્ધમાં ભાગ લેવા ભાયાત કુટુંબના કુળ - દીપક કીર્તિવંત કર્નલ જોરાવરસિંહ ગોહિલની સરદારી તળે ૧૦ ઓફિસરો ૮૮ જવાનો ૫૩ ફોલોઅર્સના વડા તરીકે બગદાદ ગયા હતાં. તેમની સાથે કવોડન કમાન્ડર સરદારસિંહ ગોહિલ શુ. કવ કમાન્ડર મહોબતસિંહજી ગોહિલ, સબળસિંહજી સરવૈયા, ઉમેદસિંહ રવુભા તેમજ હમીરસિંહજી અભેસિંહ ગઢવી સાથે ગયા હતાં. સેના સમંદરપાર પોતાની શૂરવીરતાના સાથિયા પૂરવા સાબદી થઈ રહી છે. ક્ષાત્રતેજ જેને તાલકે ઝળહળી રહ્યું છે, જેની રગેરગમાં વટ, વચન અને વહેવારનો ધોધ વહી રહ્યો છે, એવો જોરાવરસિંહ ગોહિલ રસાલા સાથે અખાતમાં ઉતર્યો.
ત્યારે અંગ્રેજોએ જર્મની અને તેના ટેકેદાર તુર્કીને ખાળવા સાગરસીમાડાઓ પર અરમારો તરતી મૂકીને અજગર ભરડો લઈ લીધો હતો. બહારની દુનિયામાંથી દરિયાઈ રસ્તે કોઈ દાખલ ન થઈ શકે એવો જામોકાની જાપ્તો રચી દીધો હતો. રણ વચ્ચેની સાંકડી ભૂમિને રસાળ બનાવતી યુક્રેટીસ અને ટાઈગ્રેસ નામની નદીના કાંઠા પર પણ અંગ્રેજોની આંખ મંડાઈ ગઈ હતી.
બહેરીનમાં બ્રિગેડીયર જનરલ ડેલામેન નામનો ગોરો ફોજ સાથે પડાવ નાખીને પડ્યો હતો. આમ હિન્દના સાગર કાંઠાને ઠબતા તમામ નાકાં પર નજર ઠેરવીને અંગ્રેજો અડાભીડ થઇને ઊભા હતા.
ધારણા પ્રમાણે તુર્કીએ રણશિંગુ ફૂકયું. યુદ્ધની નોબતો ગગડી. ડેલામેન સેનાપતિએ શત-અલઆરબના મુખ પર આવેલા ફાઓના કિલ્લા માથે તોપનાં નાળચાં નોંધી મુકાબલો માંડ્યો. એક પ્રહરનો તોપમારા પછી ફાઓનો કબજો લઇને બ્રિટિશ વાવટો ફરકાવ્યો. સેના આગળ ચાલી. દરિયામાંથી પંદર ગાઉને પલ્લે આવેલા ‘સાનિજે’ નામના ઠેકાણે સેના થાક ખાવા બેઠી.
એ વખતે મુંબઇથી લેફ્ટનેન્ટ જનરલ આર્થર બેરેટના સથવારે હિંદની સેના અખાતમાં ઊતરી ‘સાનિજે’ પાસે પડેલી સેના ભેળી ભળી ગઈ. છાવણીમાં વાવડ મળ્યા કે થસરાથી ચઢેલી સેના છાપો મારવા આવે છે. આવા ખબર મળતાં જ બેરેટ આવતા સૈનિકોની સામે જવા હુકમ કર્યો. અંગ્રેજ અને હિન્દી લશ્કરે બખ્તર ભીડયાં. ભાવનગરનો ભડવીર જોરૂભા ગોહિલ મોવડયમાં ફાલ્યો. આગદીઠી ભોમકામાંથી અજાજૂડ ખજુરીઓના ઝુંડ વિંધતા તોપની રણગાડીઓ હાંકતા ધપતા રહ્યા. પાણીથી ભરેલા ઉઘાડા મેદાનને પાર કરીને જેવા આગળ ધપ્યા કે તરત જ ખાઇઓ ખોદીને બેઠેલા તુર્કી જવાનો ખજૂરીના ઝૂંડમાંથી ધરતી ફાડીને નીકળતા હોય એમ ઊઠ્યા. મુકાબલો મંડાયો,
સામ સામા ગલોલા છૂટયા, બંદૂકોની બઘડાટી બોલી, ત્રણેક કલાક સામ સામો તાશીરો બોલ્યો. અંગ્રેજો અને હિન્દના સિપાઇઓએ તેમને મેદાન છોડાવ્યું સાડા ચાર હજારની ફોજમાંથી પંદરસોના ઢીમ ઢાળી ભાગતા ત્રણ હજાર જુવાનોની પાછળ અડધો ગાઉના પલ્લા સુધી પડ્યા.
પણ વંકી વાટને કારણે વધુ જઇ શકાયું નહીં. આ રણસંગ્રામમાં ગોરા અને દેશી સૈનિકો મળીને ત્રણસે ત્રેપને સરગાપરની સોડ તાણી.
ટાઇગ્રિસના જમણા કાંઠે તુર્કીના જવાનોએ જંગ માટે મોરચા માંડ્યા, કુર્ના નામના નગરની ઓથ લીધી. આ વાતના વાવડ મળતાં જ ભાવનગરના ભડવીરોએ ટાઈગ્રિસના ડાબા કિનારે તોપનાં રેંકડા ઉતાર્યા ને કુર્ના માથે નાળચા નોંધી નિશાન લીધા. હલ્લો કર્યોં, કુર્નાનો કડુહલો બોલાવી ફડાકા દેતી ફોજે કુર્નાનો કિલ્લો હાથ કરી સિત્તેરને કેદ કરી લીધા.
આમ અજાણી ભોમકા સાથે ગૌરવવંતા ગોહિલ કુળનો ગરવો ગરાસીયો સંગ્રામ ખેલવા માંડ્યો. જોરૂભાએ તુર્કીના તારણહાર લેખાયેલા કમાલ પાશાના પુત્રને કેદ કરી પોતાની શૂરવીરતાને ચાર ચાંદ લગાવી દીધા. ભવગાન શિવે પોતાની જટામાં જાહ્નવીની ધારાઓ ઝીલી હતી. એમ શોણિતની શત શત ધારાઓ ઝીલતો જોરૂભા રણસંગ્રામમાં ઝઝૂમી રહ્યો છે. ઝાકળનો ડમ્મર જામી રહ્યો છે. તોપનાં નાળચાં ગરજી રહ્યાં છે. બંદૂકમાંથી છૂટેલા સીસા સામેની ફોજના જુવાનોની છાતીમાં થીજી રહ્યાં છે. પાણી પર કાચબા તરતા હોય એમ યોદ્ધાઓના માથા લોહીના ખાબોચિયામાં તરી રહ્યાં છે.
જામવાવાળો જંગ જામ્યો છે. જેને રૂંવે રૂંવે રૌદ્રરૂપ રમી રહ્યું છે, એવા જુવાન જોરૂભાએ તુર્કી સેનાના સેનાપતિના ઘોડાને વીંધ્યો, પંડયે પણ કેશવાળી ઝાટકી સિંહ છલાંગ મારે એમ સામે કૂદ્યા. એક જ ઝાટકે સેનાપતિને સુવાડી દીધો ત્યારે જાણે સૌરાષ્ટ્રના શૌર્યનો અખાતની ભૂમિ પર સમંદર છલકાર્યો.
જોરાવરસિંહજી ભારત આવ્યા ત્યારે ચાર્જ સરદારસિંહજીને સોપવામાં આવ્યો, ઈ.સ. ૧૯૧૮ માં લડાઈ પુરી થઈ હતી.
વધુ માહિતી
નોંધપાત્ર વાત તો એ છે કે કમાલ પાશાના શાહજાદા અને જોરૂભા સાહેબને આજીવન દોસ્તીનો સંબંધ રહ્યો હતો. બન્ને શૂરવીરો વચ્ચે આવી દિલેરી હતી.
તેમણે પહેલા વિશ્વવિગ્રહમાં એટલે કે ઈ.સ.૧૯૧૪ થી ૧૯૧૭ સુધી મેસેપોટેમિયા અને ઈજિપ્તના યુદ્ધ મેદાનમાં મર્દાનગીના માંડવા રોપ્યા હતા.
ઈ.સ. ૧૯૧૬ માં તેમની સેવા પન્ના રાજ્યે લીધી હતી, અંગ્રેજ સરકારે કેપ્ટનમાંથી લેફટન્ટ કર્નલ પદવી આપી હતી. સીવીલ સર્વીસમાં ખૂબ સુંદર કામ કર્યુ તેઓ કેપ્ટન જોરાવરસિંહ તરીકે વધારે જાણીતા થયા હતાં.
પન્ના રાજ્યનાં દિવાનપદે રહેલા હિન્દમાં લશ્કરી કોલેજ શરૂ કરવાની કમિટિનાં સભ્ય હતાં, વરતેજ સંમલેનમાં સક્રિય સેવા આપી હતી.
તેમણે પ્રથમ બહાદુરી બદલ ' મિલિટરી ક્રોસ ' પ્રાપ્ત કર્યો હતો. તેમનું નિધન તા.૫-૯-૧૯૪૭ ના રોજ થયું હતું.
તેઓ જ્યારે રણક્ષેત્રમાં ગયા ત્યારે તેમની પ્રશંસાનું ગીત રચાયું હતું. તે ગીતની ‘ ગ્રામોફોન રેકર્ડ ' ઉતારી હતી. તેને કંઠ આપ્યો હતો, જે જમાનાની રંગભૂમિના કુશળ કલાકાર અને કંઠના કામણગારા મા.આણંદજી પંડયાએ
(કાઠીયાવાડી કબૂતરે).
એ ગીતની રેકર્ડ સૌરાષ્ટ્રને ગામડે ગામડે વાગતી હતી. તેના અંતરાના શબ્દો છે. ‘જોરૂભા સાહેબ, જરમન જીતીને વેલેરા આવજો’ ….
જય માતાજી
“मनुष्य यत्न ईश्वर कृपा”
“ इतिहास में छीपा भविष्य ”
સંકલન / ટાઇપીંગ / પ્રસ્તુત કર્તા : શ્રી સુરપાલસિંહજી ગોહિલ (ભડલી)