06/01/2024
આજની પૉઝિટિવ સ્ટોરીઃ
અંતરિયાળ વિસ્તારમાં બેસીને, ગરીબ બાળકોને વિદ્યા આપીને જીવન સાર્થક કરતાં રતનબહેન રાતડિયાઃ તેઓ ભરવાડ- રબારી -દેસાઈ સમાજનાં પહેલાં મહિલા પીએચ.ડી હતાં....
ગુજરાતમાં ઘણી ઉત્તમ સંસ્થાઓ કામ કરી રહી છે. કેટલીક નમૂનેદાર શૈક્ષણિક સંસ્થાઓએ ગુજરાતનું સાચું ઉત્થાન કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આવી શૈક્ષણિક સંસ્થાઓમાં રબારી-દેસાઈ-માલધારી સમાજના પ્રતિબદ્ધ આગેવાને સંસ્થાની સ્થાપના કરી હોય, ઉત્તમ કામ કર્યું હોય તેવી કેટલી સંસ્થાઓ? આમ તો ઘણી સંસ્થાઓ છે, પરંતુ તેમાં જેનો વ્યાપક અને ગહન પ્રભાવ રહ્યો હોય તેવી તો બે સંસ્થાઓ.
એક, દહેગામ તાલુકાની રામભાઈ રાતડિયા અને રતનબહેન રાતડિયા દ્વારા સ્થાપિત અને સંચાલિત ‘અમર ભારતી’ સંસ્થા અને બીજી, ઉત્તર ગુજરાતમાં માલજીભાઈ દેસાઈ દ્વારા સ્થાપિત અને સંચાલિત સર્વોદય આશ્રમ ઝીલીઆ.
રતનબહેન રાતડિયા અને રામભાઈ રાતડિયા ગૂજરાત વિદ્યાપીઠમાંથી શિક્ષણ પામેલું યુગલ. આ યુગલે શિક્ષણ અને ગ્રામોત્થાન ક્ષેત્રે પોતાનું જીવન સમર્પિત કર્યું. હજારો વિદ્યાર્થીઓનાં જીવનમાં આ બંનેએ સ્થાપેલી ‘અમર ભારતી’ સંસ્થાએ અજવાળું પાથર્યું. ખાસ કરીને, કન્યાઓની કેળવણી ક્ષેત્રે બંનેનું ઐતિહાસિક અને અનન્ય પ્રદાન. જોકે, એ વાત જુદી છે કે ગુજરાતે કે સમાજે આ બંનેના કામની જેટલી નોંધ લેવી જોઈએ તેટલી લીધી નથી.
*
પહેલાં આપણે રતનબહેનનો પરિચય મેળવીએ. રતનબહેન ખરેખર ગુજરાતનું અને માનવતાનું રતન છે. રબારી-દેસાઈ-માલધારી સમાજમાં સૌ પ્રથમ ઉચ્ચ શિક્ષણ મેળવીને પીએચ.ડી. થનારાં રતનબહેને પોતાના જીવનસાથી રામભાઈની સાથે સતત કામ કરીને, થાક્યા વિના કેળવણીનું કામ કર્યું. આજે 82 વર્ષની ઉંમરે રતનબહેન એકદમ સ્વસ્થ છે. ‘અમર ભારતી’ સંસ્થામાં આજે પણ સક્રિય છે. ત્યાં જ રહે છે. વાત્રક નદીના કિનારે આવેલી ‘અમર ભારતી’ સંસ્થા એક તીર્થધામ જેવી છે.
એક બાજુ વહે છે, લોકમાતા વાત્રક અને બીજી બાજુ વહે છે, માતૃહૃદયા રતનબહેનના સ્નેહ અને સંવેદનાની સરવાણી. જાણે કે આ બંને ધારાઓ સમાંતર રીતે વહીને લોક કલ્યાણ કરે છે! બંનેની ભાવના છે, પોતાનાં સંતાનો સુખી થાય, સુખી રહે. તેમનું સદાય કલ્યાણ થાય.
રતનબહેનનાં માતાનું નામ જયાબહેન અને પિતાનું નામ સુરાભાઈ પુનાભાઈ ભરવાડ.
અમદાવાદમાં નવા વાડજ નામનો વિસ્તાર છે. એક જમાનામાં નવા વાડજ ગામડું હતું. ઠેરઠેર ખેતરો હતાં અને વગડો હતો. વાડજ ગામના સુરાભાઈ ભરવાડ પ્રગતિશીલ આગેવાન હતા. 1917થી 2005 સુધીનું તેમનું જીવન લોકો માટે જીવાયેલું જીવન હતું. તેઓ ઉમદા અને ઉચ્ચ વિચારધારા ધરાવતા હતા. અંધશ્રદ્ધા દૂર કરીને, કુરિવાજો છોડીને પોતાનો સમાજ પ્રગતિ કરે તે માટે તેમણે હિંમત કરીને, બહાદુરી સાથે, જોખમો લઈને અનેક સુધારણાનાં કાર્યો કર્યાં હતાં.
રતનબહેન આવા પિતાનાં દીકરી. ગોપીહૃદયા જયાબહેન અને સમાજસેવક સુરાભાઈની દીકરી રતનબહેન તરીકે પાકે અને પંકાય તેમાં સહેજે નવાઈ ન લાગે.
જયાબહેન અને સુરાભાઈને સાત સંતાનો. અમરતબહેન, રતનબહેન, ડાહીબહેન, લક્ષ્મીબહેન, શાંતાબહેન, નૂતનભાઈ અને ઘનશ્યામભાઈ. પાંચ દીકરીઓ અને બે દીકરાઓ. રતનબહેન બીજા નંબરનાં. રતનબહેનને ભણવાનું ખૂબ ગમતું. આમેય તેમના ઘરમાં શિક્ષણનું વાતાવરણ હતું. પરંપરાગત રીતે ભરવાડનું ઘર ખરું, પશુઓ પણ ખરાં, પરંપરાગત રિવાજો પ્રમાણે જીવનશૈલી અલબત્ત ખરી, પરંતુ આ પરિવાર પ્રગતિશીલ અને ઉદારમતવાદી પરિવાર હતો. અહીં દીકરા-દીકરીનો સહેજ પણ ભેદ નહોતો. સુરાભાઈ પોતાની તમામ દીકરીઓને ભણાવવા માગતા હતા. સુરાભાઈનું ઘર મોટું અને ધબકતું ઘર એટલે અનેક લોકોથી તે છલકાતું રહેતું. જુદાં જુદાં કામો લઈને લોકો આવતા. વાતો થતી, ચર્ચાઓ થતી.
એમાં એક મહેરાભાઈ માસ્તર પણ આવતા, તેઓ શિક્ષક હતા. આમ જોવા જઈએ તો સુરાભાઈની ઓળખ પણ શિક્ષકની હતી અને તેઓ સુરાભાઈ માસ્તર તરીકે લોકોમાં જાણીતા હતા. આપણે ચોક્કસ કરી શકીએ કે સુરાભાઈ લોકશિક્ષક હતા.
આ એ જમાનાની વાત છે જ્યારે શિક્ષણનો ખૂબ જ ઓછો પ્રસાર હતો. એમાંય ભરવાડ જ્ઞાતિમાં તો ભણતરનું ખૂબ જ ઓછું મહત્ત્વ. ભણવાની કોઈ જરૂર નથી એવું માનવામાં આવે. અને ધારો કે કોઈ સંતાનને ભણાવવું હોય તો ભૂવાને તો પૂછવું જ પડે. ભૂવો ઘઉંના દાણા લઈને વેણ અને વધાવો નાખીને ચેક કરે. જો વાયા ભૂવા માતાજી હા પાડે તો જ સંતાનને ભણવા મૂકવાનું. નહીંતર મૂકવાનો વિચાર પણ ન કરી શકાય. ડગલે ને પગલે ભૂવાને પૂછવું પડે. ભૂવાજી માતાજીને પૂછે. આ સ્થિતિ જો ગુજરાતના કેટલાંક ગામોમાં સને 2022માં હોય તો આ વાત તો 1945ની એટલે કે સ્વતંત્રતા પહેલાંની છે.
અલબત્ત, સુરાભાઈનું વ્યક્તિત્વ અને તેમના વિચારો સાવ જુદા હતા. તેઓ પોતાની દીકરીઓને ભણાવવા માગતા હતા. રતનબહેનને પણ ભણવું હતું. રતનબહેન ભણ્યાં. એ જમાનામાં હિંમતભાઈ કપાસીએ ઉસ્માનપુરા ગામમાં વિદ્યાનગર નામની નવી નવી હાઈસ્કૂલ ખોલી હતી. રતનબહેન આ શાળાની બીજી બેચના વિદ્યાર્થિની. તેઓ સાઇકલ લઈને ભણવા આવતાં. જોકે, પહેરવેશમાં તો ભરવાડની છોકરીઓ – કન્યાઓ પહેરે તેવી ઘાઘરી અને પોલખું પહેરતાં.
એ વખતે વાડજ ગામથી કોઈ એક ભાઈ ઉસ્માનપુરામાં નોકરી કરતા. જ્યારે એક ભાઈ સ્કૂલે જાય ત્યારે રતનબહેન સ્કૂલે જઈ શકે, બાકી રજા પાડવી પડે. એકલા ના જવાય. રતનબહેન ભણ્યાં, છેક પીએચ.ડી. સુધી ભણ્યાં. સુરાભાઈની ખૂબ ઇચ્છા હતી કે, પોતાની દીકરી પીએચ.ડી. થાય. તેઓ રતનબહેનને કહેતા કે, “બેટા, તારે પીએચ.ડી. કરવાનું છે. તારાં જે-જે કામ હોય એ તું મને કહી દેજે, તારાં બધાં કામો હું કરી દઈશ, પરંતુ તારે પીએચ.ડી. થવાનું જ છે.”
પોતાની ભરવાડ જ્ઞાતિમાં એસ.એસ.સી. થનારાં પહેલાં રતનબહેન હતાં. બારમું ધોરણ પાસ કરનારાં રતનબહેન હતાં. ગ્રૅજ્યુએટ અને પોસ્ટ ગ્રૅજ્યુએટ એટલે કે સ્નાતક અને પારંગત થનારાં રતનબહેન હતાં અને પીએચ.ડી. કરનારા પણ તેઓ જ પહેલાં હતાં.
સુરાભાઈએ કન્યાકેળવણીની જ્યોત પ્રગટાવી અને તેનો પ્રારંભ પોતાના ઘરેથી જ કરેલો.
રતનબહેને રાજપીપળામાંથી સ્નાતક કર્યું અને પછી ગૂજરાત વિદ્યાપીઠમાંથી એમ.એડ. કર્યું. તેમણે હિન્દી વિષય સાથે એમ.એડ. કર્યું એ પછી એ.જી. સ્કૂલના આચાર્ય ડૉ. લીલાબહેન પટેલના માર્ગદર્શનમાં તેમણે ગોપાલનોની શૈક્ષણિક અને આર્થિક સ્થિતિ પર મહાનિબંધ લખીને પીએચ.ડી. કર્યું હતું.
હવે આપણે રામભાઈનો પરિચય મેળવીએ.
રામભાઈનો જન્મ 10મી માર્ચ, 1935. રામભાઈનું વતન ફતેહપુર નામનું ગામ. આ ગામ સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. રામભાઈનાં માતાનું નામ નાથીબહેન અને પિતાનું નામ જીવાભાઈ. જીવાભાઈનું ઘર મોટું અને જાણીતું. અહીં રામભાઈ પ્રાથમિક શાળામાં પાંચ ધોરણ સુધી ભણ્યા હતા. રામભાઈ નાનપણથી જ ખેતીકામ પણ ખૂબ સરસ કરતા. તેઓ અત્યંત પરિશ્રમી હતા. ખૂબ જ મહેનતુ. તેમને ગાયો પણ ખૂબ ગમતી. તેઓ ભણવામાં ખૂબ ગંભીર હતા. 1947માં વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષા આપવા રામભાઈ પ્રાંતિજ ગયા ત્યારે તેમણે પહેલીવાર ટ્રેન જોઈ હતી. 1948માં રામભાઈ અમદાવાદ આવ્યા ત્યારે તેમનો પરિચય સુરાભાઈ અને પુંજાભાઈ કવિ સાથે થયો હતો.
સુરાભાઈનું ઘર એટલે અન્નપૂર્ણાનું ધામ. અહીં દરરોજ લોકો જમનારા હોય જ. રામભાઈનો પરિચય અહીં સુરાભાઈના પરિવાર સાથે થયો હતો. સુરાભાઈની દીકરી રતન પણ ભણવામાં ગંભીર અને સક્રિય હતી.
દીકરી રતન ઉંમરલાયક થઈ એટલે તેના માટે યોગ્ય મુરતિયો શોધવાનું ચાલું થયું. એ વખતે આ દીકરી માટે બે મુરતિયાઓ વિશે વિચાર થયેલો. એક રામભાઈ રાતડિયા અને બીજા અન્ય એક યુવાન પણ ચર્ચામાં હતા. એ યુવાન પછી તો અમદાવાદની ઉત્તમ ડેરીના ચૅરમૅન બન્યા હતા. જો પૈસાટકાની વાત કરીએ તો રામભાઈનો નંબર બિલકુલ લાગે તેમ નહોતો.
અન્ય યુવકનો પરિવાર અત્યંત સાધનસંપન્ન હતો. સુરાભાઈના ઘરમાં દરરોજ વાળુ કરવા બધા ભેગા બેસે. એક સાંજે સુરાભાઈએ બૃહદ્ પરિવારને પૂછ્યું કે, “આ બેમાંથી કયા યુવક જોડે આપણે રતનબહેનનું નક્કી કરવું જોઈએ?”ઘણા બધા સભ્યો હતા.
તેમાંથી રામભાઈની તરફેણમાં માત્ર ત્રણ આંગળીઓ ઊંચી થઈ. સ્વાભાવિક છે કે, પરિવારજનોની ઇચ્છા દીકરી સાધનસંપન્ન પરિવારમાં પરણે એવી હોય. રામભાઈને પસંદ ન કરતા હોય અને પેલા અન્ય યુવકને પસંદ કરતા હોય તેવી સંખ્યા ઘણી વધારે હતી. જોકે, જે ત્રણ આંગળીઓ રામભાઈની તરફેણમાં ઊંચી થઈ હતી તેમાં એક આંગળી રતનબહેનની પણ હતી. રતનબહેન પોતે શિક્ષણનું મહત્ત્વ ખૂબ સમજતાં હતાં. તેમને ખબર હતી કે, ભલે રામભાઈ પાસે પૈસા ઓછા છે, પરંતુ શિક્ષણ છે, કેળવણી છે અને જીવનદૃષ્ટિ છે.
જો પરંપરાગત પિતા હોત તો તેમણે રતનબહેનનું લગ્ન રામભાઈ સાથે ન કરાવ્યું હોત, પરંતુ આ તો સુરાભાઈ ભરવાડ હતા. તેમણે દીકરીનું લગ્ન રામભાઈ સાથે કરાવ્યું અને આમેય બધાંને ખબર હતી કે, રતનબહેન અને રામભાઈ એકબીજાંને ગમાડે છે, એકબીજાંને સમજે છે અને એકબીજાં સાથે જોડાવાં પણ ઝંખે છે.
એમાં થયું એવું હતું કે, વિનોબા ભાવેના એક કાર્યક્રમમાં સુરાભાઈ ગયા હતા અને તેમની સાથે દીકરી રતન પણ હતી. એ વખતે રામભાઈ પણ ત્યાં આવેલા. રામભાઈ ઉત્તમ ફોટોગ્રાફર હતા. તેઓ કૉલેજમાં હતા ત્યારથી જ ફોટોગ્રાફી કરતા. ફોટોગ્રાફી કરતાં જે કમાણી થઈ હતી, તેમાંથી જ તેઓ કૉલેજનો ખર્ચ કાઢતા. સેવાગ્રામથી વળતા મુંબઈ બધાં ભેગાં આવ્યાં ત્યારે રતનબહેન અને રામભાઈ એકબીજાંને પસંદ કરે છે તેવી વાત એક સર્વોદય અગ્રણીએ જાણી લીધી અને તેમના પિતાને જણાવી દીધું.
કામ થઈ ગયું. રામ રતન ધન પાયો...
*
1959માં રતનબહેન અને રામભાઈનું લગ્ન થયું. બંને શિક્ષણનો જીવ. ઉચ્ચ શિક્ષણ મેળવેલાં. રતનબહેન તો અમદાવાદમાં શિક્ષિકા તરીકે નોકરી પણ કરતાં થઈ ગયાં હતાં. રામભાઈએ પુરાતત્ત્વ વિષયમાં ગહન અભ્યાસ કરેલો. તેઓ તો સમાજને વરેલા અને ગામોને બેઠું કરવાની ભાવનાશાળી અને પ્રતિભાવાન યુવક હતા.
તેઓ પુરાતત્ત્વનો છેડો પકડીને ઠેરઠેર સંશોધન કરવા જતા. દહેગામ તાલુકાના મોટી પાવડી ગામે એક કિલ્લો આવેલો છે. ત્યાં પુરાતત્ત્વનો ખજાનો. અહીં રામભાઈ અનેક પડકારો વેઠીને આવતા. વગડો અને જંગલ એવું કે કિલ્લા સુધી પહોંચવું કપરું. એવું કહેવાય છે કે આ કિલ્લામાં જે ભોંયરું છે તે અમદાવાદના ભદ્રના કિલ્લાએ નીકળે છે. અનેક લોકોએ તેમાં અંદર જવાનો પ્રયાસ કરેલો, પરંતુ કોઈ સફળ થયેલા નહીં. રામભાઈએ પણ પ્રયત્ન કર્યો. રામભાઈ રજળપાટ કરીને અનેક મૂર્તિઓ-પ્રતિમાઓ-અવશેષો ભેગા કરતા. અમદાવાદના હરિપ્રસાદ શાસ્ત્રી, કે. કા. શાસ્ત્રી, યશવંત શુક્લ સહિતના અનેક મોટાગજાના કેળવણીકારો, ઇતિહાસકારો અને પુરાતત્ત્વ વિદોની સાથે રામભાઈ સતત સંપર્કમાં રહેતા અને કામ કરતા.
દહેગામ તાલુકાના અંતરિયાળ મોટી પાવડી ગામમાં વારંવાર જતા રામભાઈને એક વખત આ વિસ્તારની ધરતીએ કહ્યું કે, “હે યુવક, તું અહીં આવીને બેસી જા અને આ વિસ્તારના દલિતો, ગરીબો, તથા બક્ષીપંચના લોકો માટે શિક્ષણનો યક્ષ શરૂ કર.” ધરતી માતાએ આવું કહ્યું હોય અને રામભાઈ ન માને એવું બને? રામભાઈએ અહીં 1979માં આશ્રમશાળાનો પ્રારંભ કર્યો હતો. નામ આપ્યું, ‘અમર ભારતી’. એ દિવસોમાં અમદાવાદમાં શિક્ષિકા તરીકે નોકરી કરતાં રતનબહેન નિયમિત રીતે આ સંસ્થામાં આવતાં, પરંતુ 1984 પછી તો તેઓ પણ રામભાઈની સાથે આ સંસ્થામાં પલાંઠી વાળીને બેસી ગયાં.
*
‘અમર ભારતી’ સંસ્થાનું ઘણું મોટું પ્રદાન છે. અહીં બાલમંદિરથી શરૂ કરીને છેક કૉલેજ સુધીનું શિક્ષણ આપવાની સુવિધા છે. ખાસ કરીને ગરીબ પરિવારોના બાળકો અહીં રહીને ભણે છે. છાત્રાલયની સુવિધા છે. એકપણ પૈસો આપ્યા વિના માતા-પિતા પોતાનાં સંતાનોને અહીં ભણાવી શકે છે. 2022 સુધીમાં આશરે દસ હજારથી વધારે છોકરા અને છોકરીઓ અહીં રહીને ભણ્યાં છે.
કન્યાકેળવણી માટે તો ‘અમર ભારતી’ મોટું સંસ્કારતીર્થ છે. આ તાલુકામાં ઉત્કંઠેશ્વર અને કેદારધામ નામનાં જાણીતાં યાત્રાધામો છે. ‘અમર ભારતી’ પણ એક યાત્રાધામ જ છે. એક આખું પુસ્તક લખાય એવી ‘અમર ભારતી’ની કહાની છે. રતનબહેન અને રામભાઈએ ગ્રામોત્થાનનાં અનેક કાર્યો થાક્યાં વગર કર્યાં છે. પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ, અંધશ્રદ્ધા દૂર કરવી, કુરિવાજો ઓછા કરવા એમ સતત સદ્કાર્યોની હારમાળા ચાલતી જ રહી છે. બાળકો અને મહિલાઓ માટે આ સંસ્થાએ અનેક ગામોમાં રચનાત્મક કાર્યો કર્યાં છે.
‘અમર ભારતી’ સંસ્થામાં નિયમિત રીતે ગુજરાતના સર્વોદય અગ્રણીઓ, ગાંધીજનો, જાહેરજીવનની મુખ્ય વ્યક્તિઓ, સંતો, મહંતો, અગ્રણી વ્યક્તિઓ આવતી જ રહી છે. આ ધરતી પર સાચુકલા કેળવણીકારો અને શિક્ષણકારોનાં પગલાં પણ પડ્યાં છે. અહીં પ્રેમ, સંવેદના અને વાત્સલ્યની ધારા સતત વહેતી જ રહી છે. રામભાઈનું વ્યક્તિત્વ બહિર્મુખી હતું. તેમને દોડવીર, તરવૈયા, સેવાભૂષણનાં ઉપનામો મળ્યાં હતાં તો ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમના તેઓ ડાયરેક્ટર પણ રહ્યા હતા. તેઓ તંત્રી હતા, પત્રકાર હતા, તસવીરકાર હતા, લેખક હતા, કલાકાર હતા, પુરાતત્ત્વવિદ્ હતા અને પ્રાચીન નગરીના શોધક પણ હતા. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતકની ડિગ્રી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી હતી.
રામભાઈનું નિધન વહેલું થયું. દિવસ-રાત સમાજસેવાનું કાર્ય કરતા રામભાઈને હેવી ડાયાબિટીસ હતો. વારસામાં મળેલો. ડાયાબિટીસને તેમણે મિત્ર બનાવેલો, પરંતુ એક વખત ઍટેક આવ્યો અને તેમણે વિદાય લીધી.
એ પછી રતનબહેનના મજબૂત ખભા પર એક મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થાનો ભાર આવી ગયો. રતનબહેને એ જવાબદારી યોગ્ય રીતે સ્વીકારી. 1984થી 2023... 39 વર્ષથી રતનબહેન આ સંસ્થામાં બેઠાં છે. એક બાજુ વાત્રક નદી વહે છે ને બીજી બાજુ ‘અમર ભારતી’ સંસ્થા સોહે છે. અનેક પરિવર્તનો આવ્યાં છે. સંસ્થા ચલાવવાનું કામ સહેજે સહેલું હોતું નથી. આ સંસ્થા સાથે જ સ્થપાઈ હોય તેવી ગુજરાતની અનેક સંસ્થાઓએ સમાજ પાસેથી માતબર દાનો મેળવીને ખૂબ વિકાસ કર્યો છે જ્યારે આ સંસ્થાના સંચાલકોએ ક્યારેય કોઈની પાસે દાન માટે હાથ લાંબો કર્યો નથી, નવાઈ લાગે એવી વાત છે, પરંતુ સાવ સાચી વાત છે.
‘અમર ભારતી’ની એક સભાખંડમાં અમે રતનબહેન સાથે લાંબી સંગોષ્ઠિ કરીએ છીએ. એ પછી અમે તેમને પૂછીએ છીએ કે, “તમને કેટલો સંતોષ છે?” તેઓ કહે છે કે, “સંપૂર્ણ સંતોષ છે. અમારા દ્વારા જેટલું કામ થયું તેનો અમને આનંદ છે. જોકે, અમારા સમાજ (માલધારી-દેસાઈ-ભરવાડ)ની મહિલાઓના શિક્ષણ અને તેમની જાગૃતિ માટે મારે જેટલું કામ કરવું જોઈએ તેટલું કામ હું નથી કરી શકી તેનો મને થોડો અફસોસ છે.”
‘અમર ભારતી’ શાળાના પરિસરમાં તમે ફરો છો ત્યારે કોઈ તીર્થધામમાં ફરતા હો તેવી સતત અનુભૂતિ થાય છે. કોઈ કાળે અહીં માત્ર ને માત્ર કોતરો જ હતી. સપાટ જમીન હતી જ નહીં. રામભાઈએ એક નાનકડી ઓરડી બાંધી અને થોડા વિદ્યાર્થીઓ સાથે સંસ્થાની શરૂઆત કરી. એ પછી તેઓ, તેમનાં જીવનસાથી રતનબહેન, સસરા સુરાભાઈ અને બીજા બધાં લોકો થાક્યાં વગર મથતાં જ રહ્યાં. સમયાંતરે કોતરોને તેઓ જમીનમાં પુરાણ કરી કરીને જમીનને સમતળ કરતાં ગયાં. એ વખતે જાણે કે આપણે કહી શકીએ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા, કુરિવાજો, ગરીબી, બેકારી અને બીજી જે અનેક સમસ્યાઓની કોતરો હતી તેને ‘અમર ભારતી’ સંસ્થાએ સમતળ કરી.
ગુજરાતમાં અનેક સંસ્થાઓને ઘણી પ્રતિષ્ઠા મળી છે. કરોડો રૂપિયાનાં અનુદાનો મળ્યાં છે. એ બરાબર છે, પરંતુ અંતરિયાળ વિસ્તારમાં કેળવણી અને ગ્રામોત્થાનનું અત્યંત મહત્ત્વનું કામ કરનારી આ સંસ્થા અને તેના સ્થાપકો અને સંચાલકો એવાં રતનબહેન અને રામભાઈને ખૂબ જ ઓછી પ્રતિષ્ઠા મળી છે.
ગુજરાતે એ ભૂલ સુધારી લેવી જોઈએ.
આલેખનઃ રમેશ તન્ના (પૉઝિટિવ મીડિયા)