12/06/2022
રાજકોટમાં રહેતી આ દીકરીનું નામ છે માહી દોમડિયા.
જીવનનાં ઝંઝાવાતો વચ્ચે સ્થિર રહીને સફળતાના શિખર સુધી કેવી રીતે પહોંચી શકાય એ આ ૧૫ વર્ષની દીકરી પાસેથી શીખવા જેવું છે.
ધોરણ ૯માં માસ પ્રમોશન મેળવીને માહી બોર્ડના વર્ષમાં આવી. ભણવામાં હોશિયાર માહીએ સંકલ્પ કર્યો કે મારે ૧૦માં ધોરણમાં મહેનત કરીને ખૂબ સારું પરિણામ લાવવું છે. હજુ તો ૧૦મું ધોરણ શરૂ થાય એ પહેલા આ દીકરીના જીવનમાં ન પચાવી શકાય એવી દુર્ઘટનાઓ શરૂ થઇ. માહીને એના ફુવા સાથે ખૂબ એટેચમેન્ટ હતું. ગયા વર્ષે એપ્રિલમાં જ ફુવાનું અવસાન થયું. આ આઘાતમાંથી દીકરી બહાર આવે એ પહેલા બીજો કુઠારાઘાત થયો. મે મહિનામાં માહીના મમ્મીને કેન્સર ડિટેક્ટ થયું.
એક તરફ ૧૦મુ ધોરણ અને બીજી તરફ પરિવાર પર આવી પડેલું દુઃખ. બે બહેનોમાં માહી મોટી હતી બીજી બહેન તો ખૂબ નાની એટલે ૧૪ વર્ષની માહી પર ભણવાની અને પરિવારને સંભાળવાની બંને જવાબદારીઓ આવી. મમ્મીને ઓપરેશન કરાવવાનું હતું એટલે માહી જેવી આવડે એવી રસોઈ બનાવતા શીખી. મમ્મીની ખબર કાઢવા આવનારા મહેમાનો માટે ચા - પાણીની વ્યવસ્થા કરે અને પાછી વાંચવા પણ બેસી જાય. મમ્મીનું નર્સની જેમ ધ્યાન રાખે, સમયસર દવા આપવાની, જમાડવાનું વગેરે બધું કામ કરે. નાની બહેનને હોમવર્ક કરાવવામાં મદદ કરે અને સ્કૂલમાં વાલી મિટિંગમાં નાની બહેનની વાલી બનીને પણ જાય.
કેન્સરગ્રસ્ત માને જોઈને કોઇપણ પડી ભાંગે પણ આ દીકરી ઘરમાં નકારાત્મકતા ન પ્રવેશી જાય એ માટે પૂરતા પ્રયાસ કરે. માતાને હિંમત મળે એટલે એમને બળ ભરી વાતો કરે અને ઘરનું વાતાવરણ હળવું ફૂલ રાખે પરંતુ છાનીમાની કોઈને ખબર ન પડે એમ એકલી રડી પણ લે અને હળવી થઈ પરીક્ષાની તૈયારીમાં લાગી જાય. મમ્મીને કેમોથેરાપીના ડોઝ ચાલતા તો ક્યારેક સાથે હોસ્પિટલ પણ જાય. ૧૪ -૧૫ વર્ષની ઉંમરે ગજબની સ્થિરતા.
માહી વર્ષ દરમ્યાન કેવી માનસિક પીડામાંથી પસાર થઇ હશે એ તો એને જ ખબર હોય પણ આ દીકરીએ હિંમતભેર માતાની સેવા કરી, ઘરની જવાબદારી સંભાળી અને ભણવાનું પણ ચાલુ રાખ્યું. ભગવાને પણ રાજી થઇને માહીને એનું ફળ આપ્યું. આટલા સંઘર્ષો વચ્ચે બોર્ડનું અગત્યનું વર્ષ પસાર થયું છતાં માહી ધો.૧૦ની ગુજરાત બોર્ડની પરીક્ષામાં ૬ વિષયમાંથી ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃત આ ત્રણ વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ માર્કસ સાથે ૯૯.૯૯ પી.આર. લાવી બીજા શબ્દોમાં કહીએ તો આ દીકરી સમગ્ર બોર્ડમાં પહેલો નંબર લાવી.
મિત્રો, સમસ્યાઓની વચ્ચે પણ જે સ્થિર રહીને પોતાના કાર્યને વળગી રહે છે, એ ભગવાનની પ્રસન્નતાનું પાત્ર બને છે. માહીના સંઘર્ષને વંદન અને શ્રેષ્ઠત્તમ પરિણામ બદલ અભિનંદન.
શૈલેષ સગપરિયા