03/09/2023
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પો વચ્ચે સ્પર્ધા યોજાશેઃ સૌથી સ્વચ્છ સેવા કેમ્પને અંબાજી મંદિર અને વહીવટી તંત્ર તરફથી એવોર્ડ અપાશે
---કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલ
********
મેળામાં સ્વચ્છતા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને સમિતિ બનાવાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર)
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન યોજાનાર છે. આ મહામેળાના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે મેળામાં સ્વચ્છતા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલે મિડીયાને માહિતી આપતા જણાવ્યું કે, અંબાજી ભાદરવી પૂનમના મેળામાં દર વર્ષની જેમ અલગ અલગ સેવા કેમ્પો સેવા માટે આવે છે. તેમણે કહ્યું કે, આ વર્ષે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં એક નવિન પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્વચ્છતા માટે તમામ સેવા કેમ્પો વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. એના માટે અંબાજીના તમામ વિસ્તારને પાંચ અલગ અલગ ઝોનમાં વહેચવામાં આવ્યા છે અને તેના સુપરવીઝન માટે પાંચ ટીમો પણ બનાવવામાં આવી છે. સ્વચ્છતા માટે લગભગ ૧૧ જેટલાં માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જેના આધારે દરેક સેવા કેમ્પનું એસેસમેન્ટ અને રેન્કિંગ કરવામાં આવશે અને એમાં જે સૌથી સ્વચ્છ સેવા કેમ્પને અંબાજી મંદિર અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી એવોર્ડ આપવામાં આવશે. આ વર્ષે અંબાજી મેળો પ્લાસ્ટીકમુક્ત થાય એના માટે અપીલ કરતા કલેક્ટરશ્રીએ કહ્યું કે, સેવાકેમ્પો અને યાત્રાળુઓ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવામાં આવે અથવા તો ઓછામાં ઓછો કરવામાં આવે અને જો પ્લાસ્ટીકનો ઉપયોગ કરવો જરૂરી લાગતો હોય તેવા સંજોગોમાં બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટીક કે જીપીસીબીની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય તેનો જ ઉપયોગ કરીએ.
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, અંબાજી ભાદરવી પૂનમ મેળામાં સ્વચ્છતા માટે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને એક સમિતિ બનાવવામાં આવી છે. અંબાજીના રસ્તામાં આવતા તમામ ગામોની અંદર અને સેવા કેમ્પોમાં જે કચરો પેદા થાય છે એના નિકાલની પણ આખી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અમદાવાદ અને સુરત કોર્પોરેશન તથા આજુબાજુની નગરપાલિકા દ્વારા પુરતા પ્રમાણમાં મેન પાવર આપવામાં આવનાર છે. જેના દ્વારા સતત સફાઈ કાર્ય કરીને મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જીપીસીબીના સહયોગથી કચરાને રિસાઇકલ કરવાનું પણ આયોજન છે તેમ તેમણે જણાવ્યું હતું.
સેવા કેમ્પોને સ્વચ્છતા વિશે રેન્કીંગ આપવા ૧૧ જેટલાં માપદંડો નક્કી કરાયા
અંબાજી મેળામાં સેવા કેમ્પોને સ્વચ્છતા વિશે રેન્કીંગ આપવા માટે કુલ- ૨૫ ગુણના ૧૧ જેટલાં માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સેવા કેમ્પો દ્વારા ડસ્ટબીન યોગ્ય રીતે ગોઠવામાં આવ્યું છે કે નહીં ?, ડસ્ટબીનમાંથી કચરો યોગ્ય રીતે સેગ્રીગેટ કરવામાં આવે છે ?. દર્શનાર્થીઓના જમ્યા બાદ કે નાસ્તા બાદ કચરો યોગ્ય રીતે ડસ્ટબીનમાં નાખવામાં આવે છે ?. દર્શનાર્થીઓના પીવાના પાણી તેમજ જમ્યા બાદ હાથ ધોવા માટે પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરેલ છે કે નહીં ? અને તે જગ્યાએ સ્વચ્છતા છે કે કેમ ?, કેમ્પના રસોઇયાઓ દ્વારા રસોઇઘરમાં યોગ્ય સ્વચ્છતા જાળવવા માટે યોગ્ય વ્યવસ્થા કરેલ છે ?, (ડ્રેસ કોડ, જગ્યા/ અનાજ અને વાસણની સફાઇ અને સ્વચ્છતા), કેમ્પની આજુબાજુ ૨૦ મીટર વિસ્તારમાં જે કચરો પડેલ છે તે યોગ્ય રીતે ડસ્ટબીનમાં લેવાય છે અને સમયસર નિકાલ થાય છે કે કેમ ?, સ્વચ્છતા બાબતે જાહેરાત કરતી પબ્લિક એડ્રેસ સિસ્ટમ ગોઠવેલ છે કે કેમ ?, બનેલા ભોજનની જાળવણી માટે યોગ્ય સ્વચ્છતા જળવાય છે કે કેમ ?, ભોજન/ નાસ્તાની પ્લેટ/ બાઉલ સ્ટીલ અને બાયોડીગ્રેડેબલ મટીરિયલવાળા (બાયોડીગ્રેડેબલ ન હોય તો પ્લાસ્ટીક સિવાયના) છે કે નહીં ?, વધેલા ભોજન/નાસ્તાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરેલ છે કે કેમ ? અને ઝોનલ અધિકારીશ્રીનું ઓવર ઓલ માર્કીંગના આધારે સ્વચ્છતા અંગે સેવા કેમ્પોનું મૂલ્યાંકન કરવામાં આવશે.