ભરૂચ ભારત દેશની પશ્ચિમે આવેલાં ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાનું આશરે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતું એક
શહેર છે, જે આ જિલ્લાનું વડુંમથક પણ છે અને દરિયાઈ બંદર છે. જુદા-જુદા કાળ દરમ્યાન અવિરત પણે પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમાં અગત્યનાં વેપારી મથક તરિકે ટકી રહ્યું હોવાથી ઈતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમકે ભરાકચ્છ, ભૃગુકચ્છ, બ્રૉચ અને ભરૂચ. બ્રિટિશરો અનેક ભારતીય શબ્દ
ોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શક્તાં અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું, આજ પરંપરા હેઠળ અન્ય અને અનેક શહેરોની જેમ જ બ્રિટિશ રાજ દરમ્યાન ભરૂચ અધિકૃત રીતે બ્રૉચ (Broach) તરિકે ઓળખાતું હતું.
ભરૂચ એક સમયે ફક્ત નાનું ગામ હતું, પરંતુ નર્મદા નદી પરનાં તેના અગત્યનાં સ્થાનને કારણે કે જેણે તેને નદી માર્ગે મધ્ય અને ઉત્તર ભારતનાં શહેરો-નગરો સાથે જોડ્યું, અને ખંભાતના અખાતમાં પણ તેનું જે સ્થાન છે, તેને કારણે દરિયામાર્ગે યાતાયાત થતો હતો તેવા સમયમાં ભરૂચનો ઉત્તરોત્તર અગત્યનાં બંદર, વેપારી મથક અને એક સમયે જહાજવાડા તરીકે થ્તો જ ગયો. થોડા સમય પહેલાં સુધી વાહનવ્યવહારનો એકમાત્ર ઉપાય હતો જળમાર્ગ, આ ગાળા દરમ્યાન તેના આગવા ભૌગોલિક સ્થાનને કારણે ભરૂચ યુગોથી ફક્ત પૂર્વ-પશ્ચિમ વચ્ચે જ નહી, પરંતુ ભારતની અંદર પણ નર્મદાકાંઠે વિકસેલા ધનાઢ્ય રજવાડાઓ અને છેક ગંગા કાંઠા અને દિલ્હી સુધીના વિસ્તારો માટે વાહનવ્યવહાર પુરો પાડી શકતું હતું.
ચોક્કસપણે એ વાતનાં પુરાવા મળી આવે છે કે ઈ.પૂ. ૫૦૦ના ગાળામાં ભરૂચની ખ્યાતી દરિયાઈ અને જમીન એમ મિશ્ર માર્ગે વેપાર કરતા અરબ અને ઈથિઓપિઆનાં વેપારીઓમાં પહોંચેલી હતી. આ વેપારીઓ તેમનો માલ પશ્ચિમમાં છેક ઇજિપ્ત, ગ્રીસ, પર્શિયન રાજ્યો, રોમન સામ્રાજ્ય, અને વેનિસ સુધી પહોંચાડતા હતા અને માટે છેક આ બધા પ્રદેશોમાં પણ ભરૂચ જાણીતું હતું. એમ માનવામાં પણ કોઇ અતિશયોક્તિ નથી કે ફોનેશિયનો પણ ભરૂચ વિષે જાણતા હતાં અને તે કારણે ભરૂચ આદિકાળથી ભારતીય ઉપખંડ અને દૂર પૂર્વનાં દેશોથી છેક નૈઋત્ય એશિયા, મધ્ય-એશિયા, ભૂમધ્ય પ્રદેશ અને ઉત્તર આફ્રિકા તથા છેક યુરોપ સુધી થતાં વૈભવી દ્રવ્યોનાં વ્યાપારમાં મહત્વનું બંદર સ્થાપિત થયેલું હતું.