18/01/2024
અંક્લેશ્વર ખાતે ૧૪મો AIA ઇન્ડસ્ટ્રિયલ એકસ્પો ૨૦૨૪નું ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરાયું*
***
*ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો થકી થતા આદાન - પ્રદાન અને નવી ટેકનોલોજીના નિર્માણથી ઉદ્યોગોનો ગ્રોથ વધ્યો છે ત્યારે હરીફાઈના જમાનામાં ટકવા માટે નવી - નવી ટેકનોલોજીનો ઉપયોગ વિકાસમાં મહત્તમ સાબિત થશે – સાંસદ મનસુખભાઈ વસાવા
***
*ઘર આંગણે થનારા એકસ્પોથી ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને તેનો સૌથી વધારે લાભ થશે – કલેક્ટર તુષાર સુમેરા*
***
ભરૂચ- ગુરુવાર- અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસો. ૧૪મો ત્રિદિવસીય એઆઈએ ઈન્ડસ્ટ્રીયલ એકસ્પો ૨૦૨૪નું ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારંભ વેળાએ ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરા અને અંકલેશ્વર મતવિસ્તારના ધારાસભ્ય ઈશ્વરભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ સમારંભમાં ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગ્ટય કરી આ મેગા પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ એકસ્પોમાં નાના-મોટા થઇને ૨૫૦ થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. મહાનુભાવોએ આ એકસ્પોમાં લાગેલા સ્ટોલની મુલાકાત યોજી હતી. આ એક્ઝીબીશનમાં ફાર્માસ્યુટીકલ્સ, કેમિકલ્સ, એગ્રીકલ્ચર પેસ્ટીસાઇડસ, ઓઇલ એન્ડ લુબ્રીકેન્ટ, એન્જીનીયરીંગ, ટુલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કન્ટ્રોલ,પોલ્યુશન કન્ટ્રોલ ઈકવીપમેન્ટસ, ઈલેકટ્રીકલ્સ ઈલેકટ્રોનીક્સ વગેરે ઉદ્યોગોએ ભાગ લીધો છે.
આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી સાંસદ મનસુખ વસાવાએ એ.આઇ.એ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૪ના આયોજનને બિરદાવ્યું હતું. ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો થકી થતા આદાન - પ્રદાન અને નવી ટેકનોલોજીના નિર્માણથી ઉદ્યોગોનો ગ્રોથ વધ્યો છે ત્યારે હરીફાઈના જમાનામાં ટકવા માટે નવી - નવી ટેકનોલોજીનો ઉપયોગ વિકાસમાં મહત્તમ સાબિત થાય છે. દેશનો વિકાસ કરવો હોય તો ઉધોગ ક્ષેત્રે વિકાસ કરવો પણ જરૂરી બને છે. ઉદ્યોગોના વિકાસના માધ્યમથી જ સારો ટકાઉ વિકાસ સાધી શકશે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરીને આત્મનિર્ભર ગુજરાત બને તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.
આ તબક્કે, કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ૧૪ વર્ષના ભૂતકાળમાં એકસ્પો થકી ધણાં લોકો લાભાવન્તિ થયા હશે એટલે જ અવિરતપણે આજે પણ આ ઇન્ડટ્રીયલ એકસ્પો અંકલેશ્વર ખાતે યોજાઇ રહ્યો છે. આ સમયે એકસ્પોને ખરાં અર્થમાં સમજવાની તક સાંપડી છે.
પોતાના વિચારો રજૂ કરતા કહ્યું કે, ઇન્ડસ્ટ્રીઝ અને બિઝનેસમેન વચ્ચે એકસ્પો સેતુરૂપ ભૂમિકા રચી રહ્યો છે. આપણા ઘર આંગણે થનારા આ એકસ્પોથી ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને તેનો સૌથી વધારે લાભ થનાર છે. માહિતિ અને ટેકનોલોજીનું આદાન - પ્રદાન થવાથી આંતર-માળખાકીય સુવિધા, ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા, તેના સુઝાવ જેવી વિવિધ પ્રવૃતિઓથી લોકો અવગત થશે.
વધુમાં, તેમણે ગાંધીનગર ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાતના પોતાના અનુભવો વર્ણવી તેમણે કહ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હવે ઈન્ટરનેશનલ ફોરમ થઈ આગળ વધી ગઇ છે. જ્યાં ભારત અને ગુજરાત સાથે અન્ય દેશોમાં પણ બિઝનેશ કરવાની તકો સાંપડી છે. આવનારા સમયમાં વેસ્ટર્ન ઇન્ડિયાનો સોથી મોટો એક્સ્પો અંકલેશ્વર ખાતે થાય તેવી શુભકામનાઓ આપી હતી.
આ સમારંભ દરમ્યાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે ટ્રોફી વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં માઈક્રો, સ્મોલ, મીડીયમ અને લાર્જ ઈન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એકસપોર્ટ અને હાઈએસ્ટ મેન્યુફેચીંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલ તમામને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ એઆઈએ ઈન્ડસ્ટ્રીયલ એક્ષ્પોની મુલાકાત ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતો જેવી કે વાપી, વટવા, નંદેસરી, દહેજ, ઝઘડીયા, પાનોલી, નરોડા, ભાવનગર, ઓઢવ, સાયખા, વિલાયત તેમજ આસપાસના રાજયોમાંથી પણ પેટ્રોકેમિકલ્સ, પોલીમર્સ, મુલાકાતીઓ પણ ભાગ લીધો હતો.
આ વેળાએ, જશુભાઈ ચૌધરી પ્રમુખ એ.આઈ.એ. હીંમતભાઈ શેલડીયા એકસ્પો ચેરમેન, હર્ષદભાઈ પટેલ, ડૉ. વલ્લભભાઈ ચાંગાણી, હસમુખભાઈ દુધાત, તેમજ નાયબ કલેક્ટર નતીશા માથુર અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ ઉદ્યોગ મંડળ ના હોદ્દેદારો અને આગેવાનો અન્ય પદાધિકારીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
૦૦૦