15/05/2023
માતા પિતા અને પરિવાર
માતા, માં, મમ્મી, બાપા, પપ્પા,
ગઈ કાલે પશ્ચિમ સંસ્કૃતિ મુજબ મધર્સ ડે ગયો, ત્યારે એક પ્રશ્ન અવશ્ય થાય છે કે માતાની મમતા ફક્ત એક દિવસ માટે જ અભિનંદનને પાત્ર છે? આવી જ રીતે ફાધર્સ ડે..
પરિવારમાં ફક્ત પતિ-પત્ની અને બાળક નથી હોતા પરંતુ માં-બાપ પણ હોય છે જેના કારણે તમારું અસ્તિત્વ છે.
શું ક્યારેય વિચાર્યું કે માં (દરેક વ્યક્તિ માટે) કેટલાય પાત્રો ભજવી બાળકોને મમતાનો છાંયો અને સંસ્કાર આપે છે.
આપણે ક્યારેય વિચાર્યું કે મારી માં ઘરની વહુ તરીકે, એક પત્ની તરીકે, એક દેરાણી તરીકે, એક જેઠાણી તરીકે, એક નણંદ તરીકે, એક ફોઈ તરીકે, એક માસી તરીકે, એક સાસુ તરીકે, એક દીકરી તરીકે, એક ભાણી તરીકે, એક ભાણેજ વહુ તરીકે, એક મામી તરીકે, એક દાદી તરીકે, એક નાની તરીકે, એક કર્માચારી તરીકે આવા કેટલાય પાત્રો પોતાના જીવનમાં ભજવે છે અને આપની ભારતીય સંસ્કૃતિ તથા શાસ્ત્રોમાં દેવી તરીકે સ્થાન આપેલ આ માતા શું એક દિવસની શુભકામનાઓને યોગ્ય છે. સાચો મધર્સ ડે તો ત્યારે ઉજવાય કે જ્યારે કોઈપણ માતાને ઘરડા ઘરનું પગથિયું ન ચડવું પડે, સાચા દીકરા કે દીકરીને ઓળખ ત્યારે જ થાય કે જયારે ૩૬૫ દિવસ માં-બાપ ને મધર્સ ડે અને ફાધર્સ ડે જેવું વાતાવરણ ઊભું કરે ત્યારે જ સાચી શુભકામનાઓ અર્પણ કરી શકાય.
આપણે ક્યારેય વિચાર્યું કે પિતા એક પુત્ર તરીકે, એક પતિ તરીકે, એક દિયર તરીકે, એક જેઠ તરીકે, એક નણંદોઈ તરીકે, એક ફુવા તરીકે, એક માસા તરીકે, એક સસરા તરીકે, એક ભાણા તરીકે, એક ભાણેજ જમાઈ તરીકે, એક જમાઈ તરીકે, એક મામા તરીકે, એક દાદા તરીકે, એક નાના તરીકે આવા કેટલાય પાત્રો પોતાના જીવનમાં ભજવે છે અને આ સાથે સાથે પરિવારના ગુજરાન માટે એક કર્મચારી કે વ્યવસાય પણ કરે છે અને ત્યાર બાદ પોતાના બાળક ને એક સારું જીવન આપે છે.
જીવનમાં માં-બાપ પરિવાર અને બાળકો માટે ડગલે અને પગલે કેટ-કેટલાય સંઘર્ષો કરે છે અને કેટલાય સમાધાનકારી વલણો અપનાવે છે ત્યારે એક બાળક પોતાની જિંદગી જીવી શકે છે, અને તે બાળકને ક્યારેય માં-બાપ એમ નથી કહેતા કે તું જ્યારે સક્ષમ નહોતો ત્યારે અમે તારા માટે ભોગ આપ્યો તો હવે તેનું વળતર આપ, બાળક મોટો થઈ મા-બાપ માટે જયારે સંઘર્ષ કરવાનો આવે ત્યારે તેને તકલીફ થાય છે, અને સરવાળે માં-બાપને ઘરડા ઘરમાં મોકલવા માટે માં-બાપને દરેક પ્રકારના પ્રયોજનો કે ફરજો પાડી વાજતે ગાજતે ઘરડા ઘરમાં મૂકી આવે છે, પછી વર્ષમાં એક દિવસ પોતાના બાળકોને દાદા-દાદીને મળવા જાણે પ્રાણી સંગ્રહાલય માં લઈ જતાં હોય તેમ લઈ જાય, આખરે બાળક પણ મોટો થઈ આજ પ્રકારનું વર્તન કરે ત્યારે અહેસાસ થાય કે પોતે મા-બાપ સાથે જે કર્યું તેનું આ પુનરાવર્તન છે, અને આ સમાજ પડે અને ભૂલનો અહેસાસ થાય ત્યારે માફી માંગવા માટે માં-બાપ હયાત નથી હોતા અને સરવાળે આ ચક્ર ધીરે ધીરે અમલમાં આવતું ગયું છે અને આ ચક્ર ભારતીય સંસ્કૃતિનો ભાગ નથી પરંતુ આ પશ્ચિમ સંસ્કૃતિ છે. જે આજે ખૂબ મોટા પ્રમાણ માં અમલ થઈ રહ્યો છે.
માં-બાપ ને જો પોતાની સાથે રાખી ન શકતા હોય તો એક દિવસ તો શું એક સેકન્ડ માટે પણ માં-બાપ ને યાદ કરવાનો અધિકાર નથી.
માં-બાપ ના મૃત્યુ પછી તેમના આત્માને શાંતિ અર્થે દાન-પુણ્ય કરવાનો કોઈ અર્થ નથી એ ફક્ત અને ફક્ત સમાજ માટે દેખાડો જ છે, ઘરડા ઘરમાં મૂક્યા ત્યારે તેમનો આત્મા જે વ્યથા રોજે રોજ અનુભવતો હતો તે શું ક્યારેય જીવતે જીવત શાંતિને હકદાર નહોતો? જ્યારે માં-બાપ જીવતા હતા ત્યારે તેમના માટે ઘરમાં એક રૂમ નહોતી, અને ક્યારેય એ વિચાર્યું કે માં-બાપે જ્યારે જન્મ આપ્યો તે સમયે તેમની પાસે માથા પર છાપરું પણ નહોતું તેમ છતાં તમને મમતાનો છાંયો આપી મોટા કેવી રીતે કર્યા, શાળામાં ફી ભરવાના પૈસા કેવી રીતે ભેગા કર્યા તે ક્યારેય શાંતિથી બેસીને પૂછ્યું છે ક્યારેય? તહેવારોમાં નવા કપડાં તમને પહેરાવી પોતે જૂના કપડાં કેમ પહેરતા હતા ક્યારેય પૂછ્યું છે? વેકેશનમાં બહાર ફરવા લઈ જતાં ત્યારે તમારી ખુશીમાં પોતાની ખુશી જોઈ સંતોષ મેળવતા માં-બાપને ઘરડા ઘરમાં મૂક્યા પછી ક્યારેય ફરવા લઈ ગયા છો ખરા? તમને ઠોકર કે વાગ્યું હોય તો હોસ્પિટલ કે ડૉક્ટરની સારવાર અને દવાઓની વ્યવસ્થા મા-બાપે કેવી રીતે કરી તે પૂછ્યું છે ખરું ક્યારેય?
માં-બાપ માટે ઘરડા ઘરના પૈસા ભર્યા એટલે જવાબદારી પૂરી થઈ? જો એમ જ હોય તો માં-બાપે જન્મ આપ્યા પછી અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોત તો શું થાત તમારું એ વિચાર્યું છે ખરું?
અંતે તો એક જ વાત કહેવી છે કે શા માટે એક દિવસની ઉજવણી? કેમ અંતિમ શ્વાસ સુધી માં-બાપને ઘડપણમાં સારી જીંદગી નથી આપી શક્તા. કર્મનું ચક્ર તો ફરતું જ રહે છે. પોતાના પાનખરમાં તેઓ તમારી પાસે એશઆરામ નહીં પરંતુ એક શાંત જીવનની આશા રાખે શું તેમણે એટલો પણ હક્ક નથી?
રશેષ પટેલ – કરમસદ
Photo by RDNE Stock project: https://www.pexels.com/photo/an-elderly-couple-embracing-their-son-and-daughter-6148876/