10/02/2018
લા ગોહિલ
એ પણ ગોહીલોના એક વડવા હતા. એક દિવસ ડાયરો બેઠો હતો. સામે સમુદ્ર તોફાને ચડ્યો હતો. તેનાં જંગી મોજાં કોઈ જળદેવતાની સેનાની માફક પ્રચંડ કીકીઆરી કરતાં ઉછળતા હતાં.
લા ગોહિલના એક વડીલ બોલ્યા કે : “ આ મહાસાગરની સેનાની અંદર પોતાનો ઘોડો નાખે એવો શૂરવીર ક્ષત્રી કોઈ હશે?”
લા ગોહિલ કહે : “ એમાં શું મામા ? હું નાખું ?”
“ વાતો થાય .”
“ સાચું કરી બતાવું .”
લા ગોહિલે પોતાનો ઘોડો મંગાવ્યો. ઘોડા પર પોતાનો પ્યારામાં પ્યારો સામાન નંખાવ્યો. પોતે ઘોડા પર ચડ્યા. ડાયરો આખો હસે છે ; મશ્કરી કરે છે ; લા ગોહિલ રમત કરી રહ્યો છે.
“ લ્યો ડાયરાને રામરામ” એમ કહીને લાએ ઘોડાને સમુદ્રની સામે હાક્યો. તો યે ડાયરો હસે છે ; ઘોડાના પગ પાણીમાં પડ્યા, તો યે સહુ હાંસી સમજે છે ; પરંતુ જેમ ઘોડો મોજાંના ઘૂઘવાટાની સામે હણહણાટી દેતો, ઉછળતો ઉંડા પાણીમાં ચાલ્યો, તેમ કિનારેથી બૂમ છૂટી કે : “ ભાઈ એ તો મશ્કરી હતી. પાછો વળ, પાછો વળ.”
મોજાંના ઘમસાણ વચ્ચેથી લાએ ઉત્તર દીધો કે ; ‘ ક્ષત્રીની મશ્કરી ન હોય. રામરામ.’ ઝંખવાણા કાળા શ્યામ મોઢાં લઈને ડાયરો જોઈ રહ્યો. આંખો ફાટી રહી. ઘોડેસવાર દરીયાના ઊંડાણમાં ઉતરી ગયો. સહુ રોતા રહ્યા.
એજ ઘોડો લાએ પોતાની હયાતીમાં એક ચારણને દાન કરેલો. ચારણ થોડી મુસાફરી કરીને પાછા વળતી વખત લેવા આવવાનો હતો, તે અનુસાર આવી પહોચ્યો. ઘોડો અને ઘોડાનો દેનાર બંને પાણીમાં ડૂબ્યા, એવી હકીકત જાણી. પણ ચારણે હઠ છોડી નહીં. દરિયાને કિનારે બેસી લાંઘણો ખેચવા લાગ્યો. પોકારતો રહ્યો કે; “ રાજા , તારે જ હાથે એ ઘોડો મને આપ .” માણસો સમજાવવા આવ્યાં. લાના વડીલોએ કહ્યું કે ; “ ગઢવી, બીજાં જે માંગો તે ઘોડાં અમે સુખેથી આપીએ.”
ચારણ કહે; “ હું ઘોડાંનો ભૂખ્યો નથી. લા ગોહિલને વત્ર હાથે દાન લઇ પાવન થવાની જ મારી ઝંખના છે.”
“ પણ લા તો મરી ગયા”
“ વચન પાળ્યા વિના એ ક્ષત્રી ન મરે – કદી ન મરે. મરે તો હું એને અમરાપુરીમાંથી પણ પાછા બોલાવીશ. ચારણની ચીસ આકાશ અને પાતાળમાં પણ પહોંચશે.”
ચારણ નું તાગું ચાલુ રહ્યું. દેહ પડી જવાની સ્થિતિ આવી પહોંચી. એક સંધ્યાકાળે
સાગરનાં શાંત આસમાની પાણી સળવળ્યાં. એનો એ ઘોડો અને એના એ રાજા ઉપર આવ્યાં. કિનારે આવી, ઘોડાની લગામ ચારણને સોંપી. ચૂપચાપ એ પાતાળ નિવાસી રાજા પાછા પાણી વીંધીને પાતાળે ચાલ્યા ગયા. એનો દુહો અખમાલજી ગોહિલની તારીફમાં કહેવાયો છે કે;
“ દરીયાથી લાએ દિઆ કવજણને કેકાણ,
મારૂ મોજ મેરાણ એ અળજો અખમાલીયા.”
(કવજણ = કવિજન-ચારણ. કેકાણ = ઘોડો)
સંદર્ભ : સૌરાષ્ટ્રની રસધાર માંથી.
યુવરાજસિંહ ગોહિલ ભડલી ના.....
જય માતાજી
જય મુરલીધર દાદા
જય ચામુંડા માં
જય સોમનાથ