07/10/2017
૧૯૭૬ - શ્વાસ લેતાં , રડતાં શીખ્યો...
૧૯૭૭ - મમ્મી , પપ્પા , બા , દાદા બોલતા શીખ્યો... જમવાનું શીખતા શીખતા સાથે સાથે સિમેન્ટ અને માટી પણ ખાધી...
૧૯૮૦ - પેઈન્ટીંગ કરવાનું ચાલુ કર્યું, કાગળમાં , કંકોત્રીનાં કાર્ડ પર, પૂંઠાનાં નકામા ખોખાનાં ટુકડાઓ પર , દિવાલો પર , જમીન પર , સ્લેટમાં ને જ્યાં જ્યાં ૪-૫ ઈંચ જગ્યા ખુલ્લી દેખાય ત્યાં ત્યાં મારાં ચિતરડા ચાલુ થઈ જાય...
સ્કુલની ચિત્રપોથી - સ્કેચબુક તો ગુલામી જેવી જ લાગતી... ભારતમાં મોટે ભાગે જેને મનથી ચિત્ર નથી જ ગમતું પણ એમને બિચારાને સાયન્સ - કોમર્સ - આર્ટ્સમાં પણ મેથ્સ- લેંગ્વેજ નથી મળતું તે લોકો જ ચિત્રકાર કે ચિત્રશિક્ષક બને છે...
આ દેશમાં એવું જ સાહિત્યકારોનું ને વૈજ્ઞાનિકોનું પણ ગણિત છે...
બધાને પૈસા જ કમાવા છે... કોઈ પણ કલાકારને કોઈ પણ કલા માટે કશું જ પ્રદાન નથી કરવું... નવતર સર્જન નથી કરવું...
૧૯૭૭ થી ૧૯૯૩ - ગુજરાતી , હિન્દી , અંગ્રેજી , સંસ્કૃત , ઉચ્ચ ગણિત સંકલન - વિકલન - લક્ષ્ય - વિધેય - ત્રિકોણમિતિ , શ્રેણિક , ઉપવલય - અતિવલય - પરવલય - , જટિલ વિજ્ઞાન ફિઝીક્સ- કેમીસ્ટ્રી -બાયોલોજી , ભૂગોળ , ચિત્ર , સંગીત , હસ્તકલા , સુથારી , લુહારી શીખ્યો...
( સમાજશાસ્ત્ર માં કંઈ વખાણવા જેવું હોય તો માત્ર અને માત્ર ભૂગોળ જ - એમાં રાજકારણ ન હોય એટલે મને બહુ જ સારું લાગે - મને પોતાને ઇતિહાસ અને નાગરિકશાસ્ત્ર બંને પ્રત્યે પહેલેથી જ ખૂબ અણગમો. નાગરિકશાસ્ત્ર એટલે ન ગમે કેમકે કેમકે હું એક સ્વતંત્ર જીવ છું , કાયદા તો ગુલામો માટે હોય , સ્વતંત્ર લોકો માટે સમજણ , હક અને સ્વયંસ્ફુિરત ફરજો હોય. ઇતિહાસ કેમ ન ગમે કેમકે જોયા વગરની વસ્તુ હું સ્વીકારતો નથી અને પ્રમાણ વગરનાં ઇતિહાસનાં સત્યને હું માનતો નથી )
વ્યાયામ ક્યારેય ન શીખ્યો કેમકે વ્યાયામ અને ઇતિહાસ , નાગરિકશાસ્ત્ર નાં શિક્ષકો લગભગ બધાં જ વર્ગમાં એક જ હતાં... મારકણાં અને દ્વિઅર્થી સંવાદો બોલવાવાળા... મને ગાળો, અપશબ્દો અને દ્વિઅર્થી શબ્દો દિવાન બલ્લુભાઇનાં અત્યારે દિવંગત એવા જૂનાં તે તે શિક્ષકોએ શીખવ્યાં જે વ્યાયામ અને ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર ભણાવતા હતાં... કદાચ એ પણ બાળકમાંથી તરુણ બનવાનાં તબક્કામાં શિક્ષકો દ્વારા થતાં વિદ્યાર્થીનાં ઘડતરનું એક પાસું હશે... પણ હું એ શિક્ષકોની આવી વર્તણૂકને એ વખતે તો ધુત્કારતો...
૧૯૯૩ થી ૧૯૯૮- હ્યુમન બોડી ડીસેક્ષન અને માઈક્રોસ્કોપમાં આંખો ફોડી હ્યુમન એનેટમી , પોતાના અને અન્ય ડોક્ટર મિત્રોનાં શરીર પર કાર્ડિયોગ્રામ લેવા , પલ્સ-બી.પી. માપવું જેવા ક્લીનિકલ અખતરા કરી હ્યુમન ફિઝીયોલોઓજી , જેને જોયા વગર જ ગોખીને જ સ્વીકારવું પડે અને તેથી કરીને મગજ દુખાડે એવું જટિલ બાયોકેમિસ્ટ્રી , શરદીથી લઇ કેન્સર સુધીનાં રોગોનું વિજ્ઞાન એવું પેથોલોજી , ડગલે ને પગલે જીવલેણ જોખમ હોય તેવું માઇક્રોબાયોલોજી , મગજનાં ભગિનીવિવાહ અને માતૃવિવાહ કરે એવું ફાર્મેકોલોજી , સી.આઇ.ડી. ફેમ એ.સી.પી. પ્રદ્યુમ્ન નું વહાલું ફોરેન્સિક મેડિસીન અને ટોક્સિકોલોજી , લાઇવ પેશન્ટ પર ક્લીનિકલ એક્ઝામિનેશન - પ્રોસીજર્સ - માઈનર મેજર ઓપરેશનો , ઈમરજન્સી અને ફેમિલી મેડિસીન , સૂગ ચઢે એવું જનરલ સર્જરી , ઈ.એન.ટી. , ઓપ્થેલ્મોલોજી, પિડીયાટ્રીક્સ , સ્કીન એન્ડ સેક્સયુઅલી ટ્રાન્સમિટેડ ડીસીસીઝ , સાયકિયાટ્રી અને સૌથી વધુ ગમતું એવું મનપસંદ ઓર્થોપેડિક્સ સર્જરી આ બધું જ શીખ્યો...
૧૯૯૯ - ઓર્થોપેડિક્સ માં ગહન અભ્યાસ... લોકોએ કરેલી તોડફોડ ને સરખી કરવા અમારે કરવી પડતી ખેંચાખેંચ , રોજનાં ૫૦-૧૦૦ પેશન્ટનાં ડ્રેસિંગ - પ્લાસ્ટર - સીટી.ઓલ , એક્સરે - લેબ ટેસ્ટ - હિસ્ટ્રી - કન્સેંટ - ડિસ્ચાર્જ કાર્ડ ભરવાનાં... ખૂબ જ સસ્તાં ઈમ્પ્લાન્ટ અને ઈન્ડિયન બ્રાન્ડની સ્ટાન્ડર્ડ દવાઓમાં રોજના ૧૦-૧૫ ઓપરેશનો શીખવાનાં...
પાસ થઈને પહેલી વાર કોર્પોરેટ કે પ્રાઈવેટમાં આવ્યાં ત્યારે વિદેશી દવાઓ , અદ્યતન હોસ્પિટલો , ૨૦૦૦૦ ₹ થી ૫૦૦૦૦ ₹ સુધીનાં પ્લેટ- રોડ - સ્ક્રુ અને ૭૫૦૦૦ ₹ થી ૩૦૦૦૦૦ ₹ નાં સાંધા ફીટ કરવા માટે જ્યારે ૧૦૦૦૦ ₹ ના હથોડા , ૧૦૦૦૦ ₹ ની છીણી , ૧૫૦૦૦૦૦ ની આરી-કરવતો , ૩૦૦૦૦૦૦ નું ઈમેજ ઇન્ટેન્સીફાયર , ૧૮૦૦૦૦૦ ₹ નું દૂરબીન અને ૪૦૦૦૦૦૦૦ નું ઓપરેશન થિયેટર વાપરીએ ત્યારે આપણાં કામમાં થતી સરળતા અને ક્વોલિટીમાં દેખાતો ફરક આ ઓર્થોપેડિક હૃદયમાં અનેરો રોમાંચ કરે જ....
૨૦૦૨ - સર્જન થઈને બહાર આવ્યા પછી જે જે નવું કંઇ શીખવા મળ્યું એ નર્યું ભણતર નહીં પણ હતી નકરી વાસ્તવિકતા...
ઓપરેશન તો બધાં જ કરે પણ સારા રિઝલ્ટ કેમ આપવાં એ યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં શીખ્યો... " Putting patient the first " એ ત્યાંનું શિક્ષણ...
અને
ભારતમાં રહીને " મેડીકલ લાઇન કરોડપતિ બનવા નહીં પણ સેવા માટે છે " એ મારા પોસ્ટગ્રેજ્યુએશન ટિચર અને બાહોશ ઓર્થોપેડિક સર્જન પ્રો.ડો. યતીન દેસાઈ સાહેબની શિખામણ... સાહેબે જ અમને સમજાવેલ કે પેશન્ટ માટે ભગવાન બનવું કે રાક્ષસ બનવું એ સંપૂર્ણ પણે આપણી પોતાની જ મરજી પર છે... આજનાં સમયમાં એમનાં જેવા માણસાઈ વાળા ડોક્ટર જલદી ન મળે...
પછી લાગ્યો મેડીકલ ટૂરિઝમનો ચસકો ને આ સિંહ વિદેશી દર્દીઓનાં ખિસ્સાનું લોહી ચાખી ગયો...
૨૪ કલાક - ૩૬૫ દિવસ પોતાની જાત ઘસવા કરતાં મહિનામાં ૧૫-૨૦ કલાક સ્માર્ટ કામ કરી એના કરતાં વધુ કમાતા આ બાબો શીખી ગયો હતો...
અતિપવિત્ર અને મનને સ્પર્શતી દેવભૂમિ ઉત્તરાખંડમાં ગયા પહેલા આ જીવ બીજાનાં ખિસ્સામાંથી ૪.૫-૫ લાખ કેમ કઢાવવા તેમાં જ બાહોશ હતો... ભલું થજો આ ચારધામમાં બિરાજતાં દેવોનું ને વન્ય જીવો વચ્ચે કુદરતી સંતોષનું જીવન જીવતાં પહાડી ગરીબ લોકોનું જેણે મોડે મોડે પણ મને માણસાઈ શિખવાડી... કોણ કહે છે પાકે ઘડે કાઠલા ના ચડે... ચડાવતાં આવડવું જોઈએ... આખા ઘડા પર અંદર-બહાર જાડું નવું માટીનું પડ લીંપી નાખો તો સાથે સાથે નવો કાંઠલો પણ ચઢી જ જાય...
આપણી પોતાની એક બાહોશ વ્યાપારીવૃત્તિ હોવી જ જોઈએ પણ પાયાની નીતિમત્તા વગરની એ વણિકબુદ્ધિ બિલકુલ જ નકામી...
ડો. શ્વેતલ દિલીપકુમાર ભાવસાર
( શબ્દ વૈષ્ણવ )