અમદાવાદથી પ્રકાશિત થતું ‘ગુજરાત મુવમેન્ટ દૈનિક’ છેલ્લા ત્રણ વર્ષથી પોઝીટીવ મીડિયામાં કાર્યરત છે. સંપુર્ણ પોઝિટીવ ન્યુઝ પ્રકાશિત કરતુ ગુજરાતનું આ એકમાત્ર દૈનિક છે. આજના સમયમાં લોકશાહીની ચોથી જાગીર ગણાતુ આ માધ્યમ સતત નેગેટીવ અને સનસનીખેજ ખબરોથી ખદબદી રહ્યુ છે. તેનાં પરિણામ સ્વરૂપ આજનું મીડિયા વિશ્વસનિયતા ગુમાવી રહ્યુ છે. જે એક અત્યંત ગભીંર મુદ્દો છે.
આજનાં આધુનિક યુગમાં જ્યારે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે તેવા સમયમાં પણ અખબારોએ પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવામાં સફળતા મેળવી છે. આજે પણ ‘છાપામાં છપાયું તે સાચું’ આવી અમીટ છાપ સમાજ ઉપર છવાયેલી જોવા મળે છે. આ પ્રભાવને જોતા મને લાગે છે કે મીડિયા દ્વારા સમાજમાં પોઝીટીવ વિચારધારાનો ફેલાવો થવો જોઈએ, નેગેટીવ અને સનસનીખેજ ખબરોથી વિશેષ સારા અને પોઝીટીવ સમાચારોને પ્રાધાન્ય આપવું જોઈએ, જેથી સમાજમાં સકારાત્મક ઉર્જાનો વ્યાપ વધે.
આ સાથે આપને જણાવતા આનંદ અનુભવું છું કે, ગુજરાત મુવમેન્ટ દૈનિક દ્વારા અમે "ધ ફૂટેજ" નામક ફક્ત ગુજરાતી ફિલ્મ જગત અને ગુજરાતી મનોરંજન માટે એક ન્યુઝ સપ્લીમેન્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રિન્ટ મીડિયામાં સૌ પ્રથમ આ એવું ન્યુઝ સપ્લીમેન્ટ છે જે ગુજરાતી સિનેમાંનાં ન્યુઝ સાથે ગુજરાતી કલાકારોનાં ઇન્ટરવ્યુ, ડાયરેક્ટર અને પ્રોડ્યુસરનાં ઇન્ટરવ્યૂ, નાટક, મોડલિંગ જગત, ગુજરાતી સિરિયલ, શુટીંગ ડેસ્ટિનેશન વિશેની માહિતી, ઇવેન્ટ અને એવોર્ડ, ફિલ્મ પ્રમોશન, નવા કલાકારોનાં ઇન્ટરવ્યૂ, ગુજરાતી સંગીત અને સિંગર, ગુજરાતી શોર્ટ ફિલ્મો તેમજ ફિલ્મક્ષેત્રે સંકળાયેલા દરેક વિષયની રસપ્રદ માહિતી પ્રકાશિત કરશે.
અત્યારના સમયમાં ગુજરાતી સિનેમાએ જાણે એક નવા જ અધ્યાયની શરૂઆત કરી છે. પરંતુ ગુજરાતી સિનેમાંએ હજુ પણ નવા ચઢાણ સાથે અનેક પ્રશ્નો અને પડકારોને ફેસ કરવાના બાકી છે. આપણી પોતાની ભાષાનું આ માધ્યમ હજુએ સોળેકળાએ ખીલવામાં નિષ્ફળ રહ્યું છે. મારા અંગત અભ્યાસમાં એ જોયું કે અત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મ જગત માટે ન તો કોઈ મેગેઝીન ન કોઈ સપ્લીમેન્ટ સફળ રહ્યા છે, પ્રશ્ન એ થાય છે કે, આપણી પોતાની ભાષાનાં મનોરંજનના આ માધ્યમ માટે આટલી નિરસતા શા માટે !?
તો આવી જ અનોખી વાતો અને પ્રશ્નો સાથે એક નવા જ યુગમાં સૌ સાથે મળીને પ્રવેશ કરીએ, આવનાર સમયમાં ગુજરાતી સિનેમા અનેક શિખરો સુધી પહોંચે તેવી અપેક્ષાઓ સાથે અમારા આ નવા અભિયાનમાં ઉત્સાહ સભર સહકારની અપેક્ષા રાખું છું. આભાર
એડિટર - ભુપેન વાળા
ગુજરાત મુવમેન્ટ (દૈનિક)