12/08/2022
https://www.facebook.com/dainikgujaratgroup/photos/a.119336564081546/152644740750728/
શું છે ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા – 2002? તિરંગો ફરકાવવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો
આજે સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ ઉજવણીમાં દેશની જાહેર, ખાનગી સંસ્થાઓ ઉપરાંત સામાજિક સંગઠનો સહિત તમામ નાગરિકો ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત ગૌરવભેર રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યા છે. દરેક નાગરિક પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે તે માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ફરકાવાના નિયમોમાં સુધારો કર્યો છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો ‘ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા - 2002’ની કેટલીક મુખ્ય વિશેષતા અહીં રજૂ કરવામાં આવી છે.
ભારતીય રાષ્ટ્રધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. રાષ્ટ્રધ્વજ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સાર્વત્રિક સ્નેહ, આદર અને વફાદારી છે. તે ભારતના લોકોની ભાવના અને માનસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવો, ઉપયોગ કરવો અથવા પ્રદર્શન વગેરે ‘પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઑનર ઍક્ટ, 1971’ અને ‘ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા - 2002’ અધિનિયમ દ્વારા સંચાલિત થાય છે. ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા - 2002ની કેટલીક મુખ્ય લાક્ષણિકતા નાગરિકોની માહિતી માટે નીચે મુજબ છે.
1. ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા - 2002માં 30 ડિસેમ્બર - 2021ના આદેશ દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો. જેના અનુસાર પોલિયેસ્ટર અથવા મશીનથી બનેલા રાષ્ટ્રધ્વજને મંજૂરી આપવામાં આવી હતી. જો કે હવે હાથથી બનાવેલા, હાથથી વણાયેલા કે મશીનથી બનાવેલા કપાસ – પોલિયેસ્ટર – ઊન – સિલ્ક અથવા ખાદીના કપડાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.
2. સાર્વજનિક, ખાનગી સંસ્થા અથવા શૈક્ષણિક સંસ્થાનો સભ્ય રાષ્ટ્રધ્વજની ગરિમા અને સન્માનને અનુરૂપ તમામ દિવસો અને પ્રસંગોએ ઔપચારિક અથવા અન્યથા રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રદર્શિત કરી શકે છે.
3. ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા - 2002માં 19 જુલાઈ - 2022ના આદેશ દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો અને ફ્લેગ કોડ ઑફ ઈન્ડિયાના ભાગ-IIના ફકરા 2.2 ની કલમ(xi) ને નીચેની કલમ દ્વારા બદલવામાં આવી હતી. આ કલમ મુજબ ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત થાય છે અથવા નાગરિકના ઘરે પ્રદર્શિત થાય છે, તેને દિવસે અને રાત્રે ફરકાવી શકાશે.
4. રાષ્ટ્રીય ધ્વજ લંબચોરસ આકારનો હોવો જોઈએ. ધ્વજ કોઈપણ કદનો હોઈ શકે છે, પરંતુ ધ્વજની લંબાઈ અને ઊંચાઈનો ગુણોત્તર 3:2 હોવો જોઈએ.
5. જ્યારે પણ રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવે છે, ત્યારે તે સન્માનના સ્થાન પર અને સ્પષ્ટ રીતે ફરકાવવો જોઈએ.
6. ક્ષતિગ્રસ્ત અથવા વિખરાયેલા ધ્વજને પ્રદર્શિત કરવામાં આવશે નહીં.
7. ધ્વજ એક જ માસ્ટહેડ પરથી અન્ય કોઈ ધ્વજ અથવા ધજાઓ સાથે ફરકાવવો જોઈએ નહીં.
8. ફ્લેગ કોડના ભાગ-IIIના સેક્શન IXમાં ઉલ્લેખિત મહાનુભાવો જેવા કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ વગેરે સિવાય કોઈએ પણ વાહન પર ધ્વજ લહેરાવવો જોઈએ નહીં.
9. અન્ય કોઈ ધ્વજ અથવા ધ્વજનું કાપડ રાષ્ટ્રધ્વજ કરતાં ઊંચાઈએ અથવા બાજુમાં મૂકવું જોઈએ નહીં.
# NarendraModi