Ish*tanu Alakmalak

  • Home
  • Ish*tanu Alakmalak

Ish*tanu Alakmalak Follow this page to read the latest stories and anecdotes from Ish*ta!

મારી લૅટેસ્ટ કૉલમ ‘ક્લૉઝ-અપ જિંદગી’  #  ભરત ઘેલાણી('ગુજરાતમિત્ર' ૨1  ડિસેમ્બર  - ૨૦૨૨) શીર્ષક : ‘વર્ક  ફ્રોમ હોમ’ કે પછી...
21/12/2022

મારી લૅટેસ્ટ કૉલમ

‘ક્લૉઝ-અપ જિંદગી’

# ભરત ઘેલાણી

('ગુજરાતમિત્ર'
૨1 ડિસેમ્બર - ૨૦૨૨)

શીર્ષક :

‘વર્ક ફ્રોમ હોમ’ કે પછી
સપ્તાહના ત્રણ દિવસ કે પછી
હતા ત્યાંના ત્યાં ?
—----------

મહામારીના ઘાત-આઘાત પછી આપણી વિચારધારા અને જીવનશૈલી તદ્દન બદલાઈ ગઈ છે ત્યારે કઈ કાર્યપદ્ધતિ આપણને ફરી ‘અચ્છે દિન’નાં
દિદાર કરાવશે….
—----------

કોવિડનો પ્રકોપ હવે બહુ ઝડપથી દુ:સ્વપ્ન જેવો ભૂતકાળ બની રહ્યો છે,પરંતુ હજુય એના અમુક ઓછાયા આપણા પર છવાયેલા છે. આ કાળમુખી મહામારીએ છેલ્લાં બે-અઢી વર્ષમાં જગતભરના લોકોની જીવનશૈલીથી લઈને વિચારધારા સુધ્દ્દાં પલટાવી નાખી છે. જીવન પ્રત્યનો બધાનો અભિગમ બદલાઈ ગયો છે. અત્યારની આધુનિક તબીબી સારવારને લીધે જિંદગી દીર્ધ બની છે એવી માનવ માત્રની માન્યતા કડડભૂસ કરી આપણું જીવન કેવું ક્ષણભંગુર છે એની કડવી વાસ્તવિકતા આપણને સાનમાં સમજાવી દીધી છે ફાંટાબાજ કુદરતે…

ખેર,કાળ કાળનું કામ કરે. કોવિડને કારણે લોકડાઉન આવ્યું.એને કારણે ઘરબંધી આવી. બધાને ઘેરથી જ પોતાનો વ્યવસાય -જોબ ઈત્યાદિ ચાલુ રાખવાની ફરજ પડી. શરુઆતમાં બધાએ કુતૂહલવશ આ રીતની કામગીરીને વધાવી.ઑફિસે જવાનું નહીં-રોજ ટ્રાફિક જામની લમણાંફોડી કરવાની નહીં-ઘેર બેસીને નિરાંતે ઑફિસનાં કામ ઉકેલવાના… મોટાભાગના લોકોને તો આ લોકડાઉન-’વર્ક ફ્રોમ હોમ ’ ( WFH) સદી ગયું. એમને મન તો આ અણધાર્યું વેકેશન હતું. ….પણ આ અણધાર્યું ‘વેકેશન ’ ધાર્યા કરતાં એક્ધારુ લાબું ચાલ્યું એમાં પતિના ઑફિસ કામના કલાકો વધવા માંડયા.પગાર કપાતનો ડંખ પણ સમય વીતતા વધુ ડંખવા લાગ્યો હતો.
બીજી તરફ, પતિની ઘરમાં સતત હાજરી પત્ની-બાળકોને ખૂંચવા માંડી.. પરિવારમાં વાંધા-વચવા-વિખવાદ વધવા લાગ્યા. ગૃહિણીને પોતાની ઘરની નવરાશ-મોકળાશ ઝૂંટવાતી લાગી તો બીજી તરફ, પુરુષને ઑફિસની ૮ કલાકની ‘આઝાદી‘ ફરી યાદ આવવા લાગી…

કાળક્રમે, કોવિડનો વાયરો ઘટ્યો ને ‘અચ્છે દિન’નો પૂન: પ્રારંભ થયો. એમાં અમુક વ્યવસાય-વેપાર- ધંધા એવા હતા, જેમાં હવે ઘેર બેસીને કામ ન થાય એમની ઑફિસો ફરી ધણધણવા માંડી તો સામે છેડે મોટી કંપનીના માલિકોને એ પણ ‘જ્ઞાન’ લાદ્યું કે ઘેર બેસીને પણ એમનાં કામ થઈ શકે અને પરિણામે ઑફિસના રોજિંદા જાંગી ખર્ચ પણ બચી શકે ! આમાં અવઢવ એ પેદા થઈ કે પૂન: ઑફિસો શરુ કરવી કે કર્મચારીઓને ઘેરથી કામ કરવા દેવું? આમાંથી તોડ નીકળ્યો ‘હાઈબ્રિડ ઑફિસ’નો અર્થાત ૨-૩ દિવસ ઑફિસે આવી કામ કરો ને બાકીના દિવસો ઘેરથી…!

પહેલી નજરે આ તોડ વ્યવહારિક લાગે,પણ સમય વીતતા ‘હાઈબ્રિડ‘ની ગોઠવણથી કામનાં ધારેલાં પરિણામ મળ્યાં નહીં.
આમેય , પહેલેથી જ ઑફિસની કામગીરીમાં મહિલાનું પ્રદાન અગત્યનું રહ્યું છે. કોવિડ પહેલાંથી નોકરી કરતી મહિલાઓને ગૃહિણી તરીકેની ભૂમિકામાં પણ ઠીકઠીક ફાવટ આવી ગઈ હતી. ઘરનું કામ પતાવી એ ઓફિસે જઈ પોતાનાં કામમાં પૂરતું ધ્યાન આપીને કેરિયરમાં આગળ વધવાનું સપનું સાકાર કરતી હતી,પરંતુ મહામારીના મહાઆક્રમણને લીધે એ સપનામાં તડ પડી . ઘર અને ઓફિસનું કામ એક જ સ્થળેથી કરવું અઘરું થઈ ગયું હતું. એક સર્વે અનુસાર, કોવિડને લીધે પુરુષની સરખામણીએ પરિણીત મહિલાની જોબ ગુમાવાની શક્યતા ૭-૮ ગણી થઈ ગઈ હતી..!
જો કે હવે આજના માહોાલમાં ,તાજા સર્વેક્ષણ અનુસાર , જેમણે કોવિડમાં જોબ ગુમાવી અથવા તો આજે નવી નવી જોબની શોધ કરતી મહિલા હવે ઑફિસ જઈને જ કામ કરવાનો આગ્રહ નથી રાખતી. ઉદ્યોગ સાહસિક હર્ષ ગોયેન્કાની ‘RPG’ ગ્રુપની કંપનીના તાજા સર્વે અનુસાર એમની કંપનીમાં જોબ કરવા ઈચ્છતી મહિલાઓની સંખ્યામાં ૨૦ % વધારો થયો છે અને આમાંથી મોટાભાગની મહિલા ‘WFH’ ( વર્ક ફ્રોમ હોમ)-WFA ( વર્ક ફ્રોમ એની વ્હેર-કોઈ પણ સ્થળેથી) કે પછી ‘હાઈબ્રિડ’ ઑફિસમાંથી કામ કરવા તૈયાર છે..! અલબત્ત,આમાંથી ૫૦ % મહિલા પોતાનાં ઘેરથી કામગીરી બજાવવા પર પહેલી પસંદગી ઊતારે છે.

આમ કોવિડ પછીના માહોલમાં પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ રહી છે ત્યાર ’નેસલે‘- ’કોકોકોલા’-’ડાબર્’ –‘ એમવે’ જેવી કેટલીક જાણીતી કંપની-ફર્મ્સના માલિકો કે કર્તા-હર્તાઓએ એમના કર્મચારીઓને આજે પણ ઘેરથી જોબ કરવાની પરવાનગી આપી છે. અલબત્ત,સાથે એ પણ કહ્યું છે તમને જ્યારે પણ લાગે કે ઑફિસ
બે-ત્રણ દિવસ હાજરી પૂરાવવી છે તો મોસ્ટ વૅલકમ…
જો કે થોડા મહિના પહેલાં કેટલીક કંપની દ્વારા થયેલાં સર્વેક્ષણનાં તારણ સૂચવે છે કે મહામારીથી રક્ષણ મેળવવા લીધેલાં વેક્સિન પછી પણ ૫૦ %થી વધુ ભારતીયો સપ્તાહના ત્રણ દિવસ ઘરથી તો બાકીના દિવસોમાં ઑફિસેથી જોબ કરવા ઈચ્છે છે… અલબત્ત, અહીં પણ એક અપવાદ એ છે કે આ મહિને જ થયેલા અન્ય એક સર્વે અનુસાર આપણી ૯૦ % ફાર્માશ્યુટિકલ ફર્મ્સ ઈચ્છે છે કે કર્મચારીઓ ઑફિસે આવીને એમની ડ્યુટિ બજાવે,જ્યારે IT (’ ઈન્ફૉર્મેશન ટેકનોલોજિ’) કંપનીવાળા કહે છે કે અમારો અર્ધોઅરધ સ્ટાફ વારાફરતી ઘેરેથી ને ઑફિસથી કામ કરે તો અમને વાંધો નથી…!
ટૂંકમાં, આમ સાવ ઘરથી નહીં-સાવ ઑફિસથી નહીં એ રીતે કામગીરી બજાવવા મોટાભાગના લોકો હવે માનસિક રીતે તૈયાર થઈ ગયા છે. હા, ઘેરથી કામ કરનારાઓની પહેલેથી ફરિયાદ હતી કે એમનાં કામ કરવાના કલાકો અગાઉ કરતાં વધી ગયા છે અને એની સરખામણી કંપનીવાળા વળતર ઓછું આપે છે. બીજા દેશોમાં થયેલી આવી ફરિયાદ સામે ત્યાંની સરકારે તાબોડતોબ પગલાં લીધાં છે. ફ્રાન્સ-સ્પેન -ઈટલી- પોર્ટુગલની સરકાર ઘેરથી કામ કરનારાના લાભાર્થે કેટલાંક નિયમ બનાવ્યા છે,જેમકે નિયત સમય પછી બૉસ નવું કામ ન સોંપી શકે- કામનો હિસાબ પણ ન માગી શકે.. અરે, ’રાઈટ ટુ રેસ્ટ’ અને ‘રાઈટ ટુ ડિસ્કનેકટ' નિયમ અનુસાર
ન તો ઈ-મેલ કે વૉટ્સએપ દ્વારા જવાબ માગી શકે..બૉસ આ નિયમનો ભંગ કરે તો સરકાર એની કંપનીને દંડ પણ ફટકારે છે…!
આમ અત્યારે તો અમુક અપવાદ પછી મોટાભાગના દેશોએ ૫૦ % ‘વર્ક ફ્રોમ હોમ’ અને ૫૦ % ’ હાઈબ્રિડ ઑફિસ’ની ફોર્મ્યુલા સ્વીકારી લીધી છે ,પરતું તાજેતરમાં આ પધ્ધતિમાં એક નવો ફણગો ફૂટ્યો છે.

ઘણા દેશની જેમ આપણે ત્યાં પણ ઑફિસ કામ માટે સોમથી શનિ સુધી-૬ દિવસ સુધીનું સપ્તાહ ગણાય ,પણ ઘણા સમયથી ઊંચાં પદ માટે ઉમેદવાર શોધતી-સૂચવતી જોબ કન્સ્લટન્ટ કંપનીઓને યોગ્ય કેન્ડિડેટ મળતા નથી,કારણ કે આજની પેઢીના યોગ્ય ઉમેદવારો
૬-૬ દિવસ કામનો ઢસરડો કરવા નથી ઈચ્છતા. એમને પસંદ છે ‘ફાઈવ - ડે વીક ’ … હા, આપણે ત્યાં કેટલીક અપવાદરુપ મોટી ખાનગી કંપનીઓએ સોમથી શુક્રવારને કામગીરીના દિવસો ગણવાની પદ્ધતિ અપનાવી લીધી છે,છતાંય હજુય મોટાભાગની ફર્મ્સ ‘સિકસ – ડે વીક’ ને વળગી રહી છે પરિણામે અચ્છા-હોંશિયાર કર્મચારીઓ એમને નથી મળતા એ વાસ્તવિકતા છે.
આ બધા વચ્ચે , જાપાની ઈલેકટ્રોનિક્સ કંપની ’પેનાસૉનિક‘ અને ઈસ્ટોનિયાની જાણીતી સ્ટાર્ટઅપ કંપની ‘બોલ્ટ્’ અને બેલજિયમ-સ્પેન-સ્કોટલેન્ડની સરકારે હમણાં જોબ માટે પાંચ દિવસનો પગાર આપવાનો અને કામ ‘ફોર- ડે વીક ’ કરવાનું એવો જે વિચાર વહેતો મૂક્યો એની સારી એવી ચર્ચા શરુ થઈ ગઈ છે. મોટાભાગની કંપનીવાળા તથા માર્કેટ નિષ્ણાતો આ વિચારને વાહિયાત ગણાવીને કહે છે કે ‘ પાંચને બદલે સપ્તાહના ચાર દિવસ એટલે માત્ર ૪૦ કલાકમાં કોઈ પાસે જોઈતું કામ કરાવો તો જે ગજબનું માનસિક-શારીરિક દબાણ આવે તે કંપની તથા કર્મચારી માટે જોખમી તથા સરવાળે નુકશાનકારક બની શકે…’
આવા વિચારને ફગાવી દેતા ‘માઈક્રોશોફટ’ના સર્વેસર્વા મૂળ ભારતીય એવા સત્ય નાડેલા કહે છે: 'કોવિડ પછીના આ સંજોગોમાં કંપનીના વિકાસને ફરી પાટે ચઢાવવો હોય તો ‘હાઈબ્રિડ ઑફિસ’ની ફોર્મુલાને અનુસરીને તમારા કર્મચારીને એની રીતે કામગીરી બજાવવાની મોકળા મને છૂટ આપો…!’

@@@( સંપૂર્ણ) @@@

‘ ઈશિતાનું અલકમલક ’  કૉલમ(૨૬ સપ્ટેમ્બર -૨૦૨૧) --------પીવડાવનારાનું  અસલી-નકલી ‘ચિયર્સ’ …માનવમાત્રનો જન્મજાત સ્વભાવ છે ક...
27/09/2021

‘ ઈશિતાનું અલકમલક ’ કૉલમ

(૨૬ સપ્ટેમ્બર -૨૦૨૧)

--------

પીવડાવનારાનું અસલી-નકલી ‘ચિયર્સ’ …

માનવમાત્રનો જન્મજાત સ્વભાવ છે કે બીજાની કોઈ સારી ચીજ-વસ્તુ જૂવે તો એના જેવી જ વસ્તુ પોતાને ત્યાં વસાવવાની ઈચ્છા જાગે. અહીં સુધી તો ઠીક છે, પણ જ્યારે કોઈને પેલી વસ્તુ પડાવી લેવાનો ઈરાદો જાગે એ ખોટું. જો કે હમણા એક શોર્ટકટ શોધાયો છે. ધૂમ કમાણી કરતી જગતભરમાં જાણીતી બ્રાન્ડસની નકલ કરી તગડી કમાણી કરવાનો વેપાર આજકાલ જામ્યો છે. શેમ્પુ- પર્ફ્યુમ-લેડીઝ પર્સ- શૂઝથી લઈને લેટેસ્ટ બ્રાન્ડના ડ્રેસ સુધ્ધાંની આબેહૂબ નકલ કરી એને ‘ફર્સ્ટ એડિસન’ જેવું રુપકડુ નામ આપીને માર્કેટમાં વહેતા મૂકવામાં આવે. આપણે ત્યાં તો નકલી ઉત્પાદન માટે મુંબઈ નજીકનું એકાદ ઉલ્હાસનગર કે ધારાવીની ઝૂપડ્ડપટી બદનામ છે,પણ કોરિયા- તાઈવાન-ચીન-મલેશિયા,ઈત્યાદિમાં તો ગલ્લીએ ગલ્લીએ આવા નકલખોર હાજરાહજૂર છે. આ કસબબાજોએ હવે એમની આગવી કળા પર્સ-સેન્ડલ કે પર્ફ્યુમની નકલ સુધી સીમિત રાખવાને બદલે શૅમ્પેન-વાઈન સુધી વિકસાવી છે. પરપોટાવાળો ચળકતો વાઈન એટલે કે શૅમ્પેનની પણ એક બહુ મોટી માર્કેટ છે. એમાં પણ અનેક જાણીતી બ્રાન્ડની મોટા પાયે નમુનેદાર નકલ થાય છે.એ માલ માર્કેટમાં એટલો બધો ઠલવાતો જાય છે કે મૂળ બ્રાન્ડના માલિકો કરતાં નકલખોરો વધુ
કમાય છે..ઓછી લાગતને ધૂમ કમાણી !
આ રીતે પોતાની આવકમાં ખાતર પાડતા નકલખોરોને અટકાવવા જાણીતી ૩૬૦ બ્રાન્ડના આશરે ૧૬ હજાર શૅમ્પેન ઉત્પાદકોએ સાથે મળીને એક ગ્રુપ તૈયાર કર્યું છે.
ફ્રાન્સ-જર્મની-સ્વિત્ઝર્લેન્ડ સહિત ૮૦થી વધુ દેશની સરકાર તેમજ એમના પોલીસ દળનો સાથ લઈને શૅમ્પેનના નકલખોરો પર આ ગ્રુપ ત્રાટકે છે. ‘ શૅમ્પેન પોલીસ’ તરીકે ઓળખાતું આ ગ્રુપ નક્કી કરેલી શૅમ્પેનની ૧૨૦ બ્રાન્ડ સિવાય બીજા કોઈ વાઈન ઉત્પાદકોને એની પ્રોડક્ટ પર ‘ શૅમ્પેન ’ શબ્દ સુધ્ધા વાપરવાની પરવાનગી આપતું નથી. એટલું જ નહીં, કેટલાક ફેશન ડિઝાઈનરોના ડ્રેસ કલેકશનના નામમાંથી પણ આ ગ્રુપે ‘શૅમ્પેન’ શબ્દ કોર્ટના હુકમથી રદ કરાવ્યો છે…!
જોઈએ, હવે અસલી-નકલી પીવડાવાવાળાઓ- ની આ ટક્કરમાં આખરે કોણ જીતનું ‘ચિયર્સ’ કરે છે…!

@@@@@

શહેર એક …રહેનારા બે !

અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં એક ફેલિસિયા નામનું ટાઉન છે. આ નગરની ત્રણ વિશેષતા છે.
એક : ૨૬૦૦ એકરમાં પથરાયેલાં આ નગરમાં
માત્ર બે જ વ્યક્તિ રહે છે.એ બન્ને પતિ-પત્ની છે. પતિનું નામ છે જેક -આન્દ્ર ઈસ્ટેલ.પત્નીનું નામ છે ફેલિસિયા….બીજી ખાસિયત એ છે કે પતિ જેક ઈસ્ટેલે ૧૯૫૦માં આ નગરની મોટાભાગની જમીન સાવ સસ્તા ભાવે ખરીદી હતી અને પત્નીના નામ પરથી આ ટાઉનનું નામ ફેલિસિયા રાખ્યું છે…આ નગરની ત્રીજી ખાસિયત એ છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ટાઉનનો ઉપયોગ અમેરિકાના સૈન્યની તાલીમ માટે થતો હતો અને એની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે એને 'વિશ્વનું કેન્દ્રસ્થાન’ ગણવામાં આવે છે. એક પિરામિડ અને ઐતિહાસિક ચીજ-વસ્તુના એક મ્યુઝિયમ માટે આ નગર જાણીતું છે. અહીં પર્યટ્કો ઘણા આવે છે,પરંતુ આ નગરમાં પતિ-પત્ની જેક અને ફેલિસિયા સિવાય બહારની કોઈ વ્યક્તિને રહેવાની પરવાનગી નથી..આમ વિશ્વના આ કેન્દ્રસમા નગરની વસતિ છે માત્ર બે જ વ્યક્તિની !

@@@

સમયના ગુણાકાર-
ભાગાકાર …

સમય એક એવી જણસ છે કે ક્યારેક એની
કોઈ જ કિંમત નથી હોતી તો ક્યારેક એ અતિ
મૂલ્યવાન બની જાય છે.

આવા સમય વિષે હમણાં એક મજાનું પૃથ્થકરણ થયું છે.એના કેટલાંક તારણ રસપ્રદ છે. ઉદાહરણ તરીકે , આપણી દરેકની પાસે દિવસના
૨૪ કલાક છે.સપ્તાહના
૭ દિવસ ગણીએ તો ૧૬૮ થાય. કામ-નોકરી કરતા હો તો સપ્તાહના પાંચ દિવસ રોજના
૮ કલાકની ફરજ બજાવતા હો તો ૪૦ કલાક બાદ કરો ને એ પછી ઊંઘના રોજના
૮ કલાકના હિસાબે બીજા ૫૬ કલાક બાદ કરો એટ્લે ત્યાર પછી બચે ૭૨ કલાક. હવે બીજા નાના-મોટા આપણા અંગત કામના કલાકો પણ બાદ કરીયે તો તમારી પાસે બચે ૫૦/૫૨ કલાક..
બીજા શબ્દોમાં કહીયે તો રોજિંદા બધાં જ કામ પતાવી પછી દીધા પણ આપણી પાસે બચે છે વધારાના બાવન (૫૨) કલાક....!
બસ, અહીં જ આપણી આવડત કામે લગાડીને આ વધારાના કલાકોનો યોગ્ય ઉપયોગ કરી શકીએ.ઉદાહરણ તરીકે, એ બચેલા કલાકમાં તમે ફોન પરની જૂની ચેટ-મેસેજ કે પછી લેપટૉપની નક્કામી મેઈલ ઉડાડી-ડિલિટ કરી શકો..માનીતો ટીવી શૉ-નવી વેબ સિરીઝ જોઈ શકો. મિત્રોને મળી લો કે પછી ગમતાં
પુસ્તકો વાંચો..

બસ, તમે આ અઠવાડિયા દરમિયાન બચેલા ૫૨-૫૩ કલાકનો કેવો સચોટ કરો છો એ જ કંડારી આપશે તમારી સફળતા માટેની કેડી...!
હા, પણ આ વાત સમયસર સમજીને અમલમાં મૂકવી જોઈએ…

@@@@@@

ઈશિતાનું ઈત્યાદિ…..ઈત્યાદિ
@@ આજે આપણે ત્યાં આવનારી ફિલ્મની ઝલક દેખાડવા માટે ખાસ તૈયાર થતી ટૂંકી ફિલ્મ ‘ટ્રેલર’ તરીકે ઓળખાય છે. જો કે, ‘ટ્રેલર’ નામ-અર્થ મુજબ ૧૯૧૨ દરમિયાન હોલિવૂડમાં આવાં ટ્રેલર મૂળ ફિલ્મ સમાપ્ત થયા પછી જ દેખાડવામાં આવતાં….
--------
@@ ‘ ટિટિન ’ ના ટૂંકા નામે ઓળખાતા એક પ્રકારના પ્રોટિનનું અંગ્રેજીમાં મૂળ નામ ૧ લાખ ૮૯ હજાર ૮૧૯ અક્ષરનું છે,જે અંગ્રેજી ભાષાનો સૌથી લાંબો
શબ્દ છે…!
----------------
ઈશિતાની એલચી

કેટલાકને માત્ર કદર થાય એટલાથી સંતોષ નથી થતો.એમને કદર સાથે ખુશામતનું થોડું ઝેર પણ જોઈએ છીએ…!!
--------------------

'જન્મભૂમિ પ્રવાસી' ' ફૂલછાબ' - 'કચ્છમિત્ર' - 'ગુજરાતમિત્ર' માં દર રવિવારે પ્રકાશિત થતી વાચકોની અતિ માનીતી કૉલમ :‘ ઈશિતાન...
29/08/2021

'જન્મભૂમિ પ્રવાસી'
' ફૂલછાબ' - 'કચ્છમિત્ર' - 'ગુજરાતમિત્ર' માં દર રવિવારે
પ્રકાશિત થતી વાચકોની અતિ માનીતી કૉલમ :
‘ ઈશિતાનું અલકમલક ’
(૨૯ ઑગસ્ટ -૨૦૨૧)

શીર્ષક :
પેટાળમાં તરે છે મ્યુઝિયમ .. ડૂબેલું છે નગર!

માણસમાત્રની ઈચ્છાઓ સમુદ્ર જેવી અને જેટલી અફાટ હોય છે અને એટલે જ કદાચ આપણને દરિયા બહુ ગમે છે.
ભૌગોલિકશાત્ર અનુસાર, પૃથ્વીના ગોળા પર ૭૧ % પાણી પ્રસરેલું છે અને એમાથી ૯૭ % પાણી તો માત્ર દરિયાનું છે..! બીજી તરફ, માનવ દેહ પણ સરેરાશ ૬૦ % પાણી ધરાવે છે. બની શકે આ જ કારણસર પણ માણસને દરિયો વધુ પોતીકો લાગે છે..!
કારણ જે હોય તે, આપણને સમુદ્રનાં ઉછળતાં મોજાં વધુ રોમાંચિત કરે છે. આમેય ધરતી-પર્વત કરતાંય માણસને વધુ સાહસિક દરિયો જ બનાવે છે. સૌથી વધુ કુદરતી આફ્તોનો સામનો માણસ મધદરિયે જ કરે છે..!
અને એટલે જ ક્દાચ માણસને પણ અમુક પ્રકારના દુષ્કર પ્રોજેકટ - પ્રકલ્પ દરિયા વચ્ચે કે પછી એના પેટાળમાં ખડા કરવા
વિશેષ ગમે છે..

પોતાની ભૂતપૂર્વ ગાથા- કામગીરી કે પછી સ્મૃતિરુપે એનાં અવશેષ સુધ્ધાં માનવીને સાચવી રાખવા ગમે છે,જેને જોઈને પોતાની આગામી પેઢી પોરસાઈ શકે. ધરતી પર તો આવાં ઘણાં મ્યુઝિયમ છે,પરંતુ માનવસહજ સ્વભાવને આટલાંથી ધરવ ન થાય. જમીન પર સંગ્રાહલયો હોવા છતાં એણે દરિયા પર નજર દોડાવી છે.

ગ્રીસમાં હમણાં એક અન્ડરવૉટર મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આની પહેલી ખાસિયત ગણો તો એ કે આ સંગ્રાહલય સમુદ્રના ખાસ્સા ઊંડાણમાં છે. અહીં કેટલીય પ્રાચીન ચીજ-વસ્તુ જોવા મળે.ઉદાહરણ તરીકે આ મહાસાગરમાં ગરક થઈ ગયેલાં કેટલાંય શીપના શેષ-અવશેષ છે. પુરાત્ત્વજ્ઞોના કહેવા અનુસાર અહીં સોના-ચાંદીના અમૂલ્ય સિક્કાની કેટલીક ખજાના પેટીઓ સાથે ૨૫૦૦ વર્ષ પ્રાચીન કેટલાંક વાઈન પૉટ પણ છે. આવી ઉમદા પરિપકવ શરાબની સાથે બીજી ઘણી કિમતી જણશ પણ છે. ગ્રીસના એલોનિસોસ ટાપુ નજીકના સાગરની અંદર આવેલું આ મ્યુઝિયમ હકીકતમાં ૨૦૨૦માં દરિયાઈ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવેલું,પણ કોરોનાની કારણે અહીં કોઈ આવતું નહીં. હવે કોરોનાનો પ્રકોપ ઓછો થતાં સાગરમાં ડૂબકી મારવાના શોખીનો-મરજીવાઓનો ટ્રાફિક આ સમુદ્રી સંગ્રાહલયની આસપાસ વધી ગયો છે.

ગ્રીસ મહાસાગરને તળિયે આ તો કુદરતી આપમેળે તૈયાર થયેલું મ્યુઝિયમ છે, પરંતુ કાળા માથાંના માનવીને તો આથી કંઈક વિશેષ જોઈએ છીએ. થોડા સમય પહેલાં શેખ -આરબોના અલગારી શહેર દુબઈમાં અન્ડરવૉટર એક શહેર સર્જવામાં આવ્યું છે. એક વિશાળ પૂલ-તળાવની અંદર જાણે મહાસાગરમાં એક આખું શહેર ડૂબી ગયું હોય એવો આભાસ ઊભો કરવામાં આવ્યો છે. આ ‘દુબઈ ડીપ ડાઈવ સન્કન સિટી’માં તમે મરજીવાની જેમ હરીફરી શકો- બાઈક ડ્રાઈવ કરી શકો કે પછી તમે ચેસ જેવી ગેમ પણ રમી શકો એવી ગોઠવણ છે. હા, પાણીની નીચે જો તમારે અચાનક રોકડ રકમની જરુર પડે તો અહીં ‘એટીએમ’ની પણ સગવડ છે…!

@@@

શીર્ષક :
એની સુગંધનો શાનદાર રસ્તો….

ખાણિયા કે જાહેર માર્ગ તૈયાર કરનારા કે પછી મકાન બાંધનારા મજૂરો ખરા અર્થમાં પરસેવો પાડીને ઘણી જહેમત-મહેનત કરે છે.આવી કામગીરી વખતે રેતી-પથ્થર- સિમેન્ટ ઈત્યાદિની તીવ્ર દુર્ગંધ પણ એમણે નછૂટકે સહન કરવી પડે. આ બધી કપરી કામગીરી શ્રમિકો વર્ષોથી કરતાં આવે છે. લાંબાં - પહોળાં-તોતિંગ બાંધકામ વધુ સરળતાથી થઈ શકે એનાં માટે આધુનિક મશીન પણ ઉપયોગમાં લેવાય છે,પણ મજુરોને મૂંઝવતી ગંદી ગંધ તરફ ખાસ ધ્યાન અપાતું નથી.

હવે સાતા વળે એવા સમાચાર એક દેશમાંથી આવ્યા છે. સામાન્ય રીતે રસ્તા બાંધતી વખતે આસ્ફાલ્ટ-ડામર તરીકે ઓળખાતા પદાર્થનો વિશેષ ઉપયોગ થાય છે. ઊંચ ઉષ્ણતામાનમાં એમાંથી નીકળતી વરાળ મજૂરો માટે હાનિકારક પણ પુરવાર થાય છે. આને ધ્યાનમાં રાખીને પોલન્ડની જાહેર બાંધકામની બે જાણીતી કંપની ‘બુડિમેક્સ’ તથા ‘લોટસ’ સાથે મળીને એક એવાં પ્રકારનું
રાસાયણિક સંમિશ્રણ તૈયાર કર્યું છે કે જે હાનિકારક વરાળને અને એની દુર્ગંધને સદંતર દૂર કરી એમાંથી અનેકવિધ પ્રકારની મસ્ત મસ્ત ફોરમ ફેલાવે છે..! આ નવા પ્રકારના મિશ્રણને લીધે રસ્તા તૈયાર કરનારા શ્રમિકો રાજી અને આવા ખુશ્બોદાર રોડ પરથી પસાર થનારા પણ રાહગીરો ઉપરાંત વાહનચાલકો પણ ખુશમખુશ…!
@@@


ઈશિતાનું ઈત્યાદિ…ઈત્યાદિ

@@ ધારો કે રાજવી પરિવારનાં ખુદ રાજમાતા તમને એમનાં શાહી નિવાસસ્થાન બકિંગહમ પેલેસમાં ચા પીવા માટે આમંત્રણ આપે અને ધારી લો કે તમે અમેરિકા પ્રેસિડન્ટ છો તો તમે શું કરો? વેલ, સહેજે છે કે એ નિમંત્રણ તમે માનભેર સ્વીકારો…ના, આ જરુરી નથી-તમે ચોખ્ખી ના પણ પાડી શકો..!
વાત કંઈક આમ છે. બીલ ક્લિન્ટન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા એ વખતે બ્રિટનમાં ટોની બ્લેર પ્રાઈમ મિનિસ્ટર તરીકે ચૂંટાયા પછી બ્લેરના આમંત્રણને માન આપી ક્લિન્ટન બ્રિટનની મુલાકાતે આવ્યા. એ અવસરે રાજમાતા એલિઝાબેથે પ્રેમપૂર્વક ક્લિન્ટન અને બ્લેર યુગલને રાજમહેલમાં રાજવી પ્રથા મુજબ ટી તથા બ્રેકફાસ્ટ માટે આમંત્રણ આપ્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે ક્લિન્ટને એ નકાર્યું. શબ્દો ચોર્યા વગર કારણ આપ્યું કે મહારાણી સાથે ચા-પાણી-નાસ્તો તો આવતાં-જતાં થતો રહેશે…અમારે તો આ વખતે સજોડે એક ટુરિસ્ટ તરીકે લંડન ખુંદવું છે અને ખાસ કરીને તો અમારે લંડનની કોઈ અચ્છી ઈન્ડિયન રેસ્ટોરાંમા જઈ તીખી તમતમતી મસાલેદાર ભારતીય કરી – કઢી ભરપેટ માણવી છે…અને ખરેખર એ રાતે ક્લિન્ટન અને બ્લેર સજોડે કરી ખાવા ઉપડી પણ ગયાં…!

@@ ૫૬.૮ ઈંચ ઊંચી-૪૧.૩ ઈંચ પહોળી અને ૧૦.૨ ઈંચ ઊંડી અને ૯૧૬ પાઉન્ડ વજન ધરાવતી રશિયન વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી વસ્તુ કઈ છે? એ છે વિશ્વનું સૌથી મોટું અને સૌથી વજનદાર તાળું…!

@@@

ઈશિતાની એલચી
પોતે જરા પણ અભિમાની નથી-બહુ જ નમ્ર છે એ વાત કેટલાક લોકો ખાસ દાવા સાથે અહંમપૂર્વક કરે છે…!!

@@@@@@

કેમ છો...?
22/08/2021

કેમ છો...?

કેમ છો, વાચકમિત્રો... દર રવિવારે નિયમિત ' જન્મભૂમિ પ્રવાસી' - ' ફૂલછાબ' - 'કચ્છમિત્ર' - 'ગુજરાતમિત્ર' માં પ્રગટ થતી વાચક...
22/08/2021

કેમ છો, વાચકમિત્રો...

દર રવિવારે નિયમિત
' જન્મભૂમિ પ્રવાસી' - ' ફૂલછાબ' -
'કચ્છમિત્ર' - 'ગુજરાતમિત્ર' માં પ્રગટ થતી વાચકોની અતિ પ્રિય કૉલમ હવે માણો-મમળાવો..
👍🙂

’ઈશિતાનું અલકમલક’

(૨૨ ઑગસ્ટ – ૨૦૨૧)

શીર્ષક :

એ સપનાં જૂવે છે ખુલી આંખે…
કેટલીય વાર આપણાં મનમાં ધરબાયેલી ઈચ્છા - આશા અજાણતા જ આપણાં સપનાંમાં સાકાર થઈ જતી હોય છે. જો કે, આવાં સપનાં સાચાં પાડવા ખરે વખતે ઊઠી પણ
જવું પડે..!

આવાં ઘણાં સપનાં દિલ્હીમાં રહેતી ભુમિકાએ પણ સેવ્યાં છે અને સદભાગ્યે જીવનની કેટલીક વાસ્ત્વિકતાએ એને સમયસર જગાડી પણ દીધી છે.૧૫ વર્ષની ભુમિકા 10મા સ્ટૅન્ડર્ડમાં ભણે છે. સાથે નાની બહેન પણ ભણે છે. સૌથી મોટી બહેન એક ફેકટરીમાં મજૂરી કરે છે. મા આજુબાજુનાં ઘરમાં વાસણ-કપડાં ધૂવે . મા સાથે આ ત્રણ બહેન રહે છે. ‘પિતા ક્યાં છે ?‘ એ વાત ભુમિકા ટાળે છે. પિતા વગરનો આ પરિવાર પણ બીજાની જેમ કોરોના-કાળમાં બહૂ ટૂંકી આવકમાં દિવસો વીતાવી રહ્યો છે. મા અને મોટી બહેનની મજૂરીની રકમ પૂરતી નથી એટલે ભુમિકા વધારાની આવક રળવા દિલ્હીના કૉનટ પ્લેસની એક ફૂટપાથ પર બેસી પક્ષીઓને ખવડાવાના દાણા ( bird feed ) વેચે છે અને આ ’વેપાર‘ કરતાં કરતાં એ જ ફૂટ્પાથ પર ભુમિકા ખંતથી ભણે પણ છે. હવે એનાં ઓનલાઈન ક્લાસ શરુ થઈ ગયા છે એટલે મા- મોટા બહેનની મજૂરી વત્તા પક્ષી-દાણાની કમાણીમાંથી ઘરખર્ચ બાદ કરીને એક એક રુપિયાની બચત કરી છે. એ બચતમાંથી ભુમિકાએ એક મોબાઈલ ફોન પણ લીધો છે, જે બન્ને બહેન ઓનલાઈન સ્ટડી માટે વારાફરતી વાપરે છે..!

આવી આર્થિક વિષમતા હોવા છતાં ભુમિકા હિંમત નથી હારી. આત્મવિશ્વાસ સાથે
એ કહે છે : ’ ભણવાનું પુરુ કરીને મારે પોલીસ ઈન્સપેક્ટર બનવું છે એટલે આટલો સંઘર્ષ તો કરવો જ પડેને..!’

@@@@@@

શીર્ષક :

ઓળખો, આ ધતિંગબાજ ધર્માંધ નામે તાલિબાનને …

કેટકેટલાય નવા સર્જાયા તો અનેક કડડભૂસ થઈને જમીનદોસ્ત થયાં તાજેતરની ટોકિયો ઑલિમ્પિકસમાં. છેલ્લાં એક પખવાડિયા સુધી દુનિયાભરમાં માત્ર
એક જ નામ ગાજ્યું : ઑલિમ્પિકસ … !
એનાં પડઘા હજુ ડૂબ્યાં નથી ત્યાં હવે હવામાં ગાજવા માંડયો છે ફરી એક શબ્દ : અફઘાનિસ્તાન.. !

એવું નથી કે આ શબ્દ સાવ અજાણ્યો છે.છેલ્લાં વીસેક વર્ષથી આપણે એનાથી પરિચિત છીએ. શરુઆતમાં બહુ ગાજ્યો પછી ધીરે ધીરે વિસરાઈ જવા લાગ્યો ત્યાં હમણાં એ શબ્દ ખરા અર્થમાં વિફર્યો છે પૂરા ઝનૂન સાથે. ઈસ્લામી ત્રાસવાદી હિંસક જૂથે અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો ને શાસક નેતાઓ દેશ છોડી પલાયન થઈ ગયા. અલબત્ત,હાથમાં આવ્યો એટલો સરકારી ખજાનો લઈને-લૂંટીને..
બીજી તરફ, આ ત્રાસવાદીઓ એમનાં બે ઈરાદા નાપાક હોવા છતાં એના અમલ માટે જબરા ધર્માંધ છે. એક : વિરોધીઓની ખૂલ્લેઆમ કતલ કરવી અને બે: મહિલા-કન્યા અરે, બાળકી સુધ્ધાં પર અત્યાચાર કરવો- બળાત્કાર કરવો અને એને ભોગવી લીધા પછી મન ભરાઈ જાય તો એમની નિર્મમ હત્યા કરવી…

આ તો એક તોફાની તાલિબાનની જન્મજાત પ્રકૃતિ તથા પ્રવૃતિ છે. આ ઉપરાંત ,
એમના વિશે એવી પણ કેટલીક જે બહુ ઓછી જાણીતી વાત છે એ પણ આપણે જાણીએ અહીં પ્રશ્નોનરીરુપે, જેમકે..
પ્રશ્ન : આ ‘તાલિબાન’ એટલે કોણ…એના આ નામનો અર્થ શું ?
ઉત્તર : ઉત્તર પાકિસ્તાનની ક્ટ્ટર ધાર્મિક વિચારધારા ધરાવતી સુન્ની પ્રજા મદરેશા એટલે કે ઈસ્લામી પાઠશાળામાં ભણી હોવાથી ’તાલિબાન‘ના નામથી ઓળખાય છે,કારણ કે ’તાલિબાન‘નો અર્થ થાય છે ’વિદ્યાર્થી‘…!

🤔હિંસા માટે આ બળવાખોરો શસ્ત્રો- દારુગોળા, વગેરેના ફંડ -ભંડોળ કયાંથી લાવે છે?

# આર્થિક રીતે તાલિબાન તગડું છે. એક હેવાલ અનુસાર ૨૦૧૯-૨૦ દરમિયાન એમની આવક એક અંદાજ મુજબ ૧૬૦ કરોડ ડોલરની હતી ( ૧ ડોલર = આપણા ૭૪ રુપિયા).

🤔આ આવક થાય છે ક્યાંથી?

# કેટલાય ગોરખ ધંધા છે એમની પાસે , જેમકે અનેક દેશોમાં ડ્ર્ગ્સ ધકેલીને એ આશરે ૪૧૬ મિલિયન ડોલર દર વર્ષે કમાય છે..
(૧ મિલિયન = ૧૦ લાખ )

# ગેરકાયદે અનેક ધાતુનું ખાણકામ-ખોદાઈમાંથી એ છેલ્લાં પાંચેક વર્ષમાં ૪૬૪ મિલિયન ડોલર ઉસરડી ગયું છે…

# ધાક – ધમકી-અપહરણ ઈત્યાદિ દ્વારા દર વર્ષે ૧૬૦ મિલિયન ડોલરની આવક
એ રળે છે…

# આ સાથે ધાર્મિક ફાળારુપે ૨૪૦ મિલિયાન ડોલર ઉઘરાવા ઉપરાંત, ઈરાન-રશિયા-પાકિસ્તાન- સાઉદી અરેબિયા જેવા મિત્ર દેશો તરફ્થી તાલિબાનને દર વર્ષે ૪૫૦ મિલિયન ડોલરની આર્થિક સહાય મળે છે…!

આને કહેવાય ખરા અર્થમાં દાદાગીરી નહીં,પણ ડાકુગીરી..!

@@@@@

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ

@@ અમેરિકાની સરકારે મોટે પાયે જાહેર કર્યુ હતું કે એમના ૪ જુલાઈના ઈન્ડિપેડન્સ -ડે પહેલાં ૭૫ ટકાથી વધુ પ્રજાને કોરોના પ્રતિકારક રસી અચૂક મૂકાવી દેશું,પણ એવું થયું નહીં. એમનો ટાર્ગેટ નિર્ધારિત સમયે પૂરો થયો નહી પછી સરકાર સહિત અનેક સામાજિક સંસ્થાઓ- મોટી મોટી કંપનીઓએ લોકો રસીના ડૉઝ તાત્કાલિક લેતા થાય એ માટે પ્રોત્સાહનરુપે ઈનામો તથા રોકડ રકમ જાહેર કરીને લલચાવવાનું શરું કર્યું છે. આવી ‘લાલચ‘માં હવે ’એમેઝોન‘ પણ જોડાયું છે. એક વીમા કંપનીના સહયોગથી ’એમેઝોન‘ એના વિશ્વવ્યાપી ઓનલાઈન સ્ટોર સાથે સંકળાયેળા ૧૦ લાખથી વધુ કર્મચારીઓ માટે તગડા ઈનામ તેમજ ઢગલાબંધ ભેટ યોજના જાહેર કરી છે. આ અનુસાર, જે સહયોગી પોતે બબ્બે રસી લઈ ચૂક્યા છે એવું પ્રમાણપત્ર રજૂ કરશે તો એ ઈનામ-ભેટના હક્કદાર ગણાશે…’ મેક્સ યૉર વેક્સ ’ યોજના હેઠળ એમને મળશે પાંચ મોંઘી કાર સહિત કુલ ૨૦ લાખ ડોલરના અધધધ ઈનામ…!

@@ માનવ દેહમાં મૂળભુત કુલ ૨૦૬ હાડકાં હોય છે,જેમાંથી પ્રત્યેક પગમાં છે ૨૬ - ૨૬ એટલે કે બાવન હાડકાં છે. આમ શરીરના ૨૫ ટકાથી વધુ હાડકાં એકલા બન્ને પગમાં જ છે…!

ઈશિતાની એલચી

કંજૂસ પોતાનું ધન છૂપાવે-શુરવીર પોતાની શક્તિ- જ્ઞાની પોતાનું દુ:ખ, પણ દાતા હંમેશા છૂપાવે પોતાની ઓળખ…!!

@@@@@@@@@@@@
દિલ્હીની ભુમિકા...
ત્રાસવાદી તાલિબાન...

‘ ઈશિતાનું અલકમલક ’(૧૮ જુલાઈ -૨૦૨૧)  બૅન્ડ-બાજા સાથે બારાત નહીં…બુક્સ !-----                            કોરોનાના પ્રકોપન...
18/07/2021

‘ ઈશિતાનું અલકમલક ’

(૧૮ જુલાઈ -૨૦૨૧)



બૅન્ડ-બાજા સાથે બારાત નહીં…બુક્સ !
----- કોરોનાના પ્રકોપને લીધે દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો, પણ હજુ શાળા- કોલેજ શરુ થવાના કોઈ વાવડ નથી. અગત્યની પરીક્ષાઓ લેવાતી નથી. વિદ્યાર્થીઓને સામુહિક ઉત્તીર્ણ કરી દેવા પડે છે. ઓનલાઈન શિક્ષણ ૩૦-૪૦ ટકાને ફાવી ગયું છે તો બાકીના ૬૦ ટકા બાળકો કે
મા-બાપ કે એમનાં શિક્ષકો સુધ્ધાંને હજુ પલ્લે પડતું નથી.

આવા સિનારિયો વચ્ચે નાગપુરથી આશરે ૧૭૦ કિલોમીટરના અંતરે આવેલું ગઢચિરોલી ટાઉન અને એની આરપાસનો વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. અહીં નક્ષલવાદીઓનો બહુ રંજાડ છે. ત્યાં સરકાર અને નક્ષલ ત્રાસવાદીઓ વચ્ચે સતત હિંસાત્તક અથડામણ થતી રહે છે. કોવિડ પહેલાં આસપાસનાં ગામોની જે નિશાળો ચાલતી હતી એ બધી હવે બંધ પડી છે. નહીંવત નેટવર્કને લીધે બીજાં શહેર કે ટાઉનની જેમ અહીં ઓનલાઈન શિક્ષણ પણ
આપી શકાય તેમ નથી.

‘અહીંના બાળકો જો અશિક્ષિત રહે તો ભવિષ્યમાં નક્ષલ ત્રાસવાદીઓ એમનાં અજ્ઞાનનો ગેરલાભ લઈ એમને ગૂમરાહ કરી શકે એટલે બાળકોને ભણાવવા જ રહ્યા’ એવા ઈરાદા સાથે અહીંની જિલ્લા પરિષદની એક નિશાળના પ્રિન્સિપલ વિનિત પદમાવરે એક અનોખી ઝુંબેશ ઉપાડી છે. એ અને એમના કેટલાક સહયોગી શિક્ષકો ઢોલ-નગારાં-શરણાઈ સાથે સરઘસ કાઢી આસપાસનાં ગામોમાં ફરે. ઘેર ઘેર જઈ બાળકોને બિસ્કિટ – ચોકલેટ- નાસ્તો આપે અને સાથે ભણવાનાં પુસ્તકો-પેન- પેન્સિલ- નોટબુક પણ આપે..!

પ્રિન્સિપલ વિનિતભાઉ બાળકોનાં મા-બાપને ભણતરનું મહત્તવ સમજાવીને ઉમેરે છે કે ભલે, બાળકો શાળા સુધી નથી પહોંચી શકતાં, પણ શાળા તો એમને ઘેર આ રીતે પહોંચી જ શકે છેને?!
કોરોના હોય કે ત્રાસવાદી,મન હોય તો મા સરસ્વતીને ય આ રીતે
બાળ-વિદ્યાર્થી સુધી પહોંચાડી શકાય…!

# # #

આ છે એક બુધ્ધિશાળી સરદારજી..
------
વર્ષોપૂર્વે બહુચર્ચિત તંત્રી- લેખક ખુશવંત સિંહે ‘ ઈલસ્ટ્રેટેડ વિકલી ’ માટે એક તગડા ઈનામવાળી રમુજી ટૂચકાની સ્પર્ધા યોજી હતી. ખુશવંત સિંહે પહેલું ઈનામ એક સરદારજીને એનાયત કર્યું એ ઈનામી જોક હતો:
‘ વન્સ ધેર વૉસ અ વેરી ઈન્ટેલિજેન્ટ સરદારજી…’ અર્થાત એક હતા ઘણા ચતુર સરદારજી ! બોલો, આનાથી વધુ રમુજી ટૂચકો ક્યો હોઈ શકે ?!
જોક્સ બાજુએ રાખીએ તો આવા એક ખરેખર બહુ બુધ્ધિશાળી સરદારજીની ભાળ ‘ઈશિતા’ને મળી છે. આવો, તમે પણ એ સમજદાર સરદારજીને મળો..
આ સરદાર-પાજીનું નામ છે ગુરતેજ સાંધુ. એમનો જન્મ થયો ત્યારે પરિવાર લંડનમાં રહેતો હતો.પાછળથી પરિવાર પંજાબમાં સ્થાઈ થયો. દિલ્હી આઈ.આઈ.ટીમાં
ઈલેકટ્રિકલ ઈજનેર બની પીએચ.ડીના વધુ અભ્યાસ માટે ગુરતેજ અમેરિકા આવ્યા.ભણતર પતાવી જોબ માટે શોધ આદરી. એક અખબારમાં એમણે ‘માઈક્રોન’ નામની એક ઓછી જાણીતી કંપનીની જાહેરખબર જોઈ. એમણે ત્યાં અરજી કરી ને તરત જ ત્યાં ધાર્યા નહોતા એવા ઊચ્ચ હોદ્દા પર જોબ મળી ગઈ. નોકરીમાં જોડાયાના એક અઠવાડિયા પછી આપણા આ બુધ્ધિશાળી સરદાર ગુરતેજ સાંધુને બે વાતની જાણ થઈ. એક: એમની શૈક્ષણિક યોગ્યતા એટલી બધી હતી કે એમને ‘આઈ.બી.એમ.’ કે ‘ઈન્ટેલ’ જેવી માતબર કંપનીમાંય સહેલાઈથી ઊંચ્ચા પગારે જેબ મળી જાત અને બીજી વાત એ જાણવા મળી કે એમણે ‘માઈક્રોન’ની જે અખબારમાં ઍડ જોઈને જોબ માટે અરજી કરી હતી એ છાપું તો બે વર્ષ જૂનું હતું…!

ખેર, ‘જેવી ગુરુ નાનકની ઈચ્છા’ એમ સમજીને આજે ગુરતેજ બહુ ઊંચી પદવી સાથે ‘માઈક્રોન’ કંપનીમાં જોડાયેલા છે. એમની આ કંપની આજે ‘આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ’ માટે બહુ ઉપકારક એવી અનેક પ્રકારની મેમેરી ચિપ્સ વિકસાવવા ને તૈયાર કરવામાં આગળ પડતી છે અને આ બધી શોધખોળ પાછળ આપણા સરદારજીનું ભેજું ખરા અર્થમાં કામ કરે છે. મેમરી અકબંધ રહે એને લગતી ઘણી શોધ ઉપરાંત એ ક્ષેત્રમાં એમનાં નામે આજની તારીખે ૧૩૫૦થી પણ વધુ પેટન્ટ સત્તાવાર રજિસ્ટર થઈ છે. આ એક વિશ્વવિક્રમ છે,કારણ કે ઈલેક્ટ્રીક બલ્બના શોધક એવા વિખ્યાત વિજ્ઞાની થોમસ ઍડિસન આલ્વાના નામે અત્યાર સુધી ૧૦૯૩ પેટન્ટ નોંધાયેલી છે!

આ સિધ્ધિથી ગર્વ અનુભવતા ગુરુતેજ પાજી આજે કહે છે કે મેં ‘માઈક્રોન’માં જોબ લીધી ત્યારે એ સાવ અજાણી કંપની હતી,છતાં મોટી કંપનીનાં નામ – પગારની લાલચમાં હું ન આવ્યો અને મારી શોધખોળ ત્યાં જ ચાલુ રાખી અને આજે એ કંપની ઈલેક્ટ્રોનિક ફિલ્ડમાં અવ્વલ છે ઉપરાંત મેં ધારી ન હતી એથી વિશેષ રિધ્ધ-સિધ્ધ મને અહીં મળી… મારી જિંદગીનો આ જ સૌથી વધુ શાણો નિર્ણય છે !

# # # # #

ઈશિતાનું ઈત્યાદિ… ઈત્યાદિ

@@ વાયડો વાઈરસ કોરોના હવે પછી રહેશે કે નહીં એ આપણે જાણતા નથી,પણ પત્ની-ગૃહિણી માટે એક માઠા સમાચાર લઈ આવ્યું છે તાજેતરનું એક સર્વેક્ષણ. કોરોના આગમન પહેલાંથી થઈ રહેલાં આ સર્વેનાં કેટલાંક તારણ પરિણીત મહિલાઓને બેચેન કરી મૂકે તેવાં છે. અમેરિકાની ’યુનિવર્સિટી ઑફ નોર્ટિડમ‘ની સંશોધન ટીમ કહે છે કે કોઈક વારના અપવાદ સિવાય જે પતિ પોતાની પત્નીને ઘરકામમાં જરાય મદદરુપ નથી થતો એ તગડું કમાઈ શકે છે-કમાતો પણ હોય છે! એનું ધ્યાન પોતાના વ્યવસાય કે જોબ પર વિશેષ હોય છે. સમજુ પત્ની આ વાત બરાબર જાણે છે-સમજે છે એટલે પતિને ખામખા પોતાનાં ઘરકામમાં ઢસડતી નથી કે નથી પજવતી કે નથી મારવા ખાતર મેણાં મારતી…! હા, એ ખરું કે કોવિડ જેવી પરિસ્થિતિમાં પત્નીને ડાહ્યો પતિ ખુદ સામેથી ઘરકામમાં સાથ આપે છે !

------------
@@ બ્રિટિશ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટનું પ્રવેશદ્વાર ખોલવાની કોઈ જ ચાવી- કી નથી. ડૉર બેલ

મારો પછી એ માત્ર અંદરથી જ ખૂલી શકે એવી વર્ષોથી ગોઠવણ છે…!

ઈશિતાની એલચી

સંતાનનું બાળપણ મા-બાપને મન પોતાનું
ઍક્સન રિ – પ્લે જ હોય છે…!!
@@@@@@

Here comes...Your Most Favorite Columnist..Click n Zoom
17/10/2020

Here comes...
Your Most Favorite Columnist..

Click n Zoom

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Ish*tanu Alakmalak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share