19/04/2021
આમ તો રોજ કોઈ કવિતા કે પઁક્તિ સૂઝે મને પણ ખરેખર આ કોરોના બીમારી અને રોજ મરતા લોકોના નામ વાંચીને આપણે ઓમ શાંતિ લખી દઈએ છીએ.એ કેટલી ભયંકર છે એ બધા જ જાણીને પણ અવગણીએ છીએ.એની સાચી હકીકત અને વેદના જ્યારે એ આપણને કે આપણા કોઈ સગાને થાય અને નજીકથી જોઈએ ત્યારે જ સમજાય.
અરે પણ આ શું આપણને થાય જ શું કામ સાવચેતી જાળવીએ.કામ વગર બહાર નીકળવું નહીં અને નીકળીએ તો પણ માસ્ક, સૅનેટાઇઝર નો ઉપયોગ કરીએ. જ્યાં ત્યાં થુંકીએ નહીં. દુકાનોમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે યોગ્ય અંતર જાળવીએ. ઘરે આવી દરેક વસ્તુને સૅનેટાઇઝ કરીએ. આવીને પ્રથમ હાથ,પગ,મોં બરાબર સાબુથી કે સ્વચ્છ પાણીથી ધોઈ નાખીએ અને કપડાં બદલી દઈએ. આ બધું તો તમને બધાને કદાચ ખબર જ છે અને એ કરતા પણ હશો જ. પણ આજે જે વિચાર આવ્યો એની વાત કરું સહમત હોવ તો આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપો.
પહેલાના દિવસોમાં એટલે કે જ્યારે કોરોના નહોતો એટલે આપણે રજાઓમાં ફરવા જતા. મુવી,પીકનીક કે કોઈ ધાર્મિક સ્થળ.અને ત્યાં જઈ આપણે આપણા મનોરંજન માટે ઘણા પૈસા ખર્ચતા. મંદિરમાં હાલ પણ લોકો હજારો, કરોડોનું દાન આપે છે.હું નાસ્તિક નથી અને કોઈ ધર્મ વિરોધી વાત પણ નથી કરતી. માત્ર એક વિચાર આવ્યો જે આપ લોકો સુધી પહોચાડું છું જો સાચો લાગે કે ખોટો પ્રતિભાવ અવશ્ય આપજો.. હવે આવી મંદિરની વાત. કોરોના આવ્યો ત્યારથી મોટા મંદિરો પણ બંધ કરી દેવાયાં છે.
પણ થોડુંક વિચારો ભગવાન હર કણમાં વસે છે. તમારામાં, મારામાં,બાળકોમાં, પ્રકૃતિની હર એક વસ્તુ વ્યક્તિમાં. ભગવાન ખુદ એક કલાકાર છે જેણે આપણું આ શરીર અને એમાં આ શ્વાશોની અવરજ્વરની રચના કરી. આપણે સારુ કમાઈએ ત્યારે કહીએ કે ભગવાનની દયાથી બધું સારુ ચાલે. જો ભગવાન જ બધું આપતો હોય જીવન, પૈસા, માન, સન્માન, મૃત્યુ તો એવા ઉંચા કારીગરને પૈસા, કપડાં કે પ્રસાદની ક્યાં જરૂર? અને આપણે મંદિરમાં હજાર, લાખ કે કરોડનું દાન કરીએ એ ભગવાન થોડી વાપરશે. એ થાળ ભગવાન થોડી જમે છે. હાલ આટલી ગંભીર પરિસ્થિતિમાં મંદિરો બંધ કરી દેવાયાં.
આપણે ખરેખર દાન તો સરકારી દવાખાનામાં કરવું જોઈએ. જેથી કોઈ ગરીબ દર્દી ને વધારે સેવા મળી રહે.જેની પાસે પૈસા છે એ વ્યક્તિ તો પ્રાઇવેટ દવાખાને પણ દવા, વેન્ટિલેટર મેળવશે પણ જેની પાસે પૈસા નથી એ વ્યક્તિ ક્યાં જશે? ગમે એટલી લાંબી સરકારી હોસ્પિટલની લાઈન છતાં એ ત્યજ ઉભો રહેશે. ખાટલો નહીં મળે જમીન પર સૂઈને દવા કરાવશે. એને તો જેટલું સસ્તું પતે એ જ કરવું કેમકે ખિસ્સું ખાલી છે. સરકારી હોસ્પિટલમાં પંખા, લાઈટ, બેડ, ગાદલા, ટોયલેટ સફાઈ, ભોજન આ માટે દાન કરીએ તો કેટલું સારુ??
ભગવાન માત્ર ભાવનો ભૂખ્યો છે. એને તમે દીવો કર્યા વગર પણ જોડે હ્રદયથી યાદ કરશોને એ કોઈપણ રૂપે આપની સાથે જ હશે. એ ક્યાં કહે મને મોંઘા વસ્ત્ર પહેરાવો, મને પકવાન ધરાવો, મને દૂધથી નવડાવો, મને શણગાર સજાવો....
એ તો એમ કહે માનવ બની માનવતા જગાવો... કોઈ ટાઢે ઠરતું હોય ને એને જૂનું ગોદડું ઓઢાડો એ ભગવાનને ઓઢાડ્યા બરાબર છે. કોઈ ભૂખ્યાને જમાડો એ ભગવાનને થાળ ધરાવ્યા બરાબર જ છે. કોઈ ગરીબની દીકરી પરણતી હોયને થોડીક મદદ કરો એ એને શણગાર સજાવ્યા બરાબર છે.કોઈ જરૂરિયાતમદને મદદ કરજો એના ચહેરા પર જે સ્મિત આવશેને ખરેખર એમાં ભગવાન દેખાશે.કોઈકવાર કરી જોજો. જે આનંદની અનુભૂતિ થશેને એવી અનુભૂતિ મુવી જોવા કે ફરવા જાવને ત્યારે પણ નહીં થાય એ મારી ગેરંટી.હા પણ આવું કરીને પણ એ વ્યક્તિને એવો એહસાસ ના કરાવતા કે તમે એના પર ઉપકાર કર્યો. એને ખબર જ છે એ તમારો આભારી છે અને એનો બદલો એ વાળી શકવાનો નથી. એ મદદ કરી ત્યાંથી નીકળી જજો. કોઈ વસ્તુ આપી ફોટો પાડી એને નીચું ના દેખાડો. બસ એ તમને અંતરથી આશીર્વાદ આપશે બોલવાની પણ જરૂર નથી.. એ આશીર્વાદ સદાય તમારી સાથે જ રહેશે.
આ માત્ર મારાં વિચારો છે કદાચ કોઈને આમાં કઈ ખોટું લાગે તો દીકરી સમજી માફ કરશો.કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા નથી લખ્યું મેં. માત્ર એક વિચાર આવ્યો જે શેર કર્યો છે મિત્રો. ગમે તો શેર અવશ્ય કરજો અને વાત ગમે તો કોઈની મદદ કરજો.હું પોતે કૃષ્ણ ભક્ત છું નાસ્તિક નથી પણ મારો કાન્હો મને રોજ મારાં હૈયે જ મળે છે મંદિરમાં નહીં કેમકે મંદિરમાં ભીડ બહુ હોય છે ભક્તોની..... જયશ્રીકૃષ્ણ 💞રાધે રાધે 💞
તા:૧૯/૪/૨૧
સોલંકી હેતલ (મીરાં )... અમદાવાદ