17/05/2022
“ગ્રામ્ય કક્ષાએ બેન્કીંગ અંગે “વન સ્ટોપ ડિલીવરી” તરીકે બેંક સખીઓ કામ કરશે.”
-ડીડીઓ
● તાપી જિલ્લાના RSETI ભવન ઇન્દુ ગામ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને બેંક સખી બહેનો માટે માર્ગદર્શન બેઠક યોજાઇ
● વિવિધ બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેંક સખી બનવા માટે વિસ્તૃત માર્ગદર્શન અપાયું :
● તાપી જિલ્લાના બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને સખી મંડળની બહેનો માટે “બીસી સખી” કે “બેંક સખી” બહેનો તરીકે કામગીરી કરવા અંગે માર્ગદર્શક બેઠકનું આયોજન RSETI ભવન, ઇન્દુ ગામ ખાતે કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષસ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ બહેનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ બેન્કીંગ અંગે “વન સ્ટોપ ડિલીવરી” તરીકે બેંક સખીઓ કામ કરશે. એટલે કે ગ્રામ્ય કક્ષાએ લોકોને બેંકમા મળતી તમામ સુવિધાઓ જેમાં નવુ એકાઉન્ટ ખોલવા અંગે, પૈસા જમા અને ઉપાડ, મોબાઇલ રિચાર્જ, ગેસ, લાઇટ, ટીવીનું બીલ ભરવું, ટ્રેન, બસ, ફ્લાઇટનું બુકિંગ કરવું, ઇન્સ્યોરન્સના પૈસા ભરવા, પશુ કે પાકનું ઇન્સ્યોરન્સ કઢાવવુ વગેરે જેવા કામો સરળતાથી ગ્રામ્ય સ્તરે બેંક સખી મારફત કરી શકાશે. તેમણે બહેનોને કોઇ પણ એક બેંક સાથે જોડાઇ બીસી સખી તરીકે કામગીરી શરૂ કરવા અંગે અને તેના દ્વારા મળતા વિવિધ કમીશન વડે પોતાને આર્થીક રીતે પગભર બનાવવા અંગે જાણકારી આપી હતી. વધુમાં તેમણે બીસી સખી તરીકે જોડાતી બહેનોને ડીઆરડીએ દ્વારા મળતા ૭૫ હજારની લોન જે-તે બેંક દ્વારા આપવામાં આવતા વિવિધ ફાયદા અંગે વિસ્તૃત જાણકારી આપી વધુમાં વધુ બહેનોને બીસી સખી તરીકે જોડાવા ખાસ આગ્રહ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, બેંક મિત્ર “વન જીપી વન બીસી” ટ્રેનિગ હેઠળ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા જિલ્લાના ૨૦૪ બહેનોને બીસી સખી તરીકે કામગીરી કરવા માટે તાલીમ આપવામાં આવી છે. બીસી સખી કે બેંક સખી તરીકે કામ કરવા સીએસસી આઇડી જરૂરી છે. જેના થકી ૧૦ સખી મંડળના જુથને ભેગા મળી ૧ વીઓ આપવામાં આવે છે. વીઓ મળ્યા બાદ બહેનો પોતાની વ્યવસ્થા અનુસાર ગ્રામ પંચાયત, દુધ મંડળી અથવા પોતાના ઘરે કે જેઓ સ્થળે જઇ બીસી સખી કે બેંક સખી તરીકે કામગીરી કરશે. જેના માટે ડી.આર.ડી.એ અને ડીએસસી દ્વારા બેંક મારફત ૭૫ હજારની લોન મળશે. જેનાથી લેપટોપ, પ્રિન્ટર, બાયો મેટ્રીક, ટેબલ, ખુરશી વગેરે સુવિધાઓ એક સ્થળે ઉભી કરી કામગીરી શરૂ કરી શકાશે. હાલ ૫૧ બહેનોને આઇડી મળી છે અને તેઓ ગ્રામ્ય સ્તરે સારી રીતે કામગીરી કરી રહ્યા છે. જેમાં મનરેગા હેઠળ મળતા વેતન, દુધ મંડળીની રકમ વગેરેને સ્થળ ઉપર પૈસા ઉપાડી આપવામાં આવે છે. વધુમાં બેંક સખીઓ જે-તે ઘરે જઇને પણ તેઓના બેંકના કામો સરળતાથી કરી રહી છે. જેના થકી નાગરિકોને બેંક સુધી આવવા જવાની જરૂર પડતી નથી અને સખી મંડળની બહેનો ગ્રામ્ય સ્તરે સારી આવક મેળવી રહી છે.
જિલ્લાની તમામ ગ્રામ્ય કક્ષાએ આ મુજબની કામગીરી થાય તેના માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, ડીઆરડીએ, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનની ટીમ સાથે મળી કુબેરજી એપ્લીકેશન, બરોડા બેંક, ફિનો બેંક-એ દ્રઢ નિશ્ચય સાથે બીડુ ઉપાડ્યું છે. આજરોજ યોજાયેલ માર્ગદર્શક બેઠકમાં કુબેરજી એપ્લીકેશન, બરોડા બેંક, ફિનો બેંકના પ્રતિનિધિઓ દ્વારા બહેનોને બેંક સખી તરીકે જોડાવા માટે જરૂરી માર્ગદર્શન, બેંક દ્વારા મળતી લોન, લેપટોપ પ્રીન્ટર વગેરે સાધન સામગ્રીની વિગતો, વિવિધ ફાયદા અને કમીશન દ્વારા પગભર બનવા અંગે વિસ્તૃત ચર્ચા કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડી.આર.ડી.એ ડિરેકટર અશોક ચૌધરી, ચીફ મેનેજર બરોડા બેંક વિનય પટેલ, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના ડીરેકટર ઉમેશ ગર્ગ, કુબેરજી એપ્લીકેશન, બરોડા બેંક, ફિનો બેંકના પ્રતિનિધીઓ તથા બીસી સખીની તાલીમ મેળવેલ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.