18/12/2024
सब कुछ बदलता है,
पर सब धीरे धीरे बदलता है ।
बस शर्त है की तुम
घडी की उस घुमती सुई को देख पाओ,
जो हर पल चलके, हर घंटे,
बहोत कुछ बदल रही है ।। - હિરણ્ય પંડ્યા પાઠક
આ વાત સમજી જાય, તે જ હોંશિયાર અને સમજદાર.
માણસની એક નબળાઈ છે. એ બદલાવને જલદી પારખી નથી શકતો, અને બદલાવને જલદી સ્વીકારી પણ નથી શકતો.
પણ..જીવનનું બીજું નામ જ, પરીવર્તન કે બદલાવ છે.
તો કોઈ વ્યક્તિ, કોઈ સંબંધ કે કોઈ પરીસ્થીતી, આજે છે એવી હંમેશા નહીં જ રહે. આ સત્ય સહુથી પહેલાં સ્વીકારવાની આદત પાડવી.
તો આજે ઊપર છો તો કાલે નીચે ઉતરશો જ અને, આજે નીચે આવ્યા છો, તો આવતી કાલે, ઉપર ચડવાની પણ તક મળશે જ.
પણ..આ બદલાવ રાતોરાત નથી આવતો.
જેવી રીતે, સવારે ધીમે ધીમે સૂરજ ઉગે છે, પછી દરેક કલાકે ધીમે ધીમે, એ પોતાની દિશા બદલીને, સાંજ સુધીમાં, પુર્વથી પશ્ચિમ દિશામાં પહોંચે છે, એ જ રીતે, વ્યક્તિઓ કે પરીસ્થીતીઓ પણ, રોજ, ધીમે ધીમે, થોડી થોડી, ઘણાં સમયથી બદલાઈ રહી હોય છે.
પણ આપણે લાગણીઓમાં ડુબેલા રહીએ છીએ એટલે, શરુઆતના આ ધીમા બદલાવની નોંધ નથી લેતા !
આપણે એકવાર જે આપણને મળે એ વ્યક્તિ કે પરીસ્થીતી વિશે, એવી ખોટી ધારણા અને વિશ્વાસ બાંધી લઈએ છીએ કે બસ, હવે આ આપણું જ છે !!
ના...આ ભ્રમમાં જીવશો તો હેરાન થશો.
કેમકે પરીવર્તન થશે જ. વ્યક્તિ હશે તો એનું વર્તન પણ સમય સાથે બદલાઈ શકે છે અને પરીસ્થીતીઓ તો ચોક્કસ બદલાશે જ.
તો સમજદારી એમાં છે કે, કોઈ વ્યક્તિ પર, જાત કરતાં વધારે વિશ્વાસ ન મુકવો અથવા દરેક વર્તનને ઝીણવટથી જોતાં રહેવાની ટેવ પાડવી, ભલે કોઈપણ સંબંધ હોય કે, કોઈપણ લાગણી હોય. જો શરુઆતના ધીમા બદલાવને સમજી લેશો તો, આવનારા ભવિષ્યના મોટા બદલાવ માટે, પોતાની જાતને, તૈયાર કરી શકશો.
બાકી આંધળો વિશ્વાસ રાખનારા વ્યક્તિઓ, સામેની વ્યક્તિ જ્યારે હાથ છોડીને દિશા બદલી નાંખે, ત્યારે અચાનક તુટી જતાં હોય છે. પછી એમને આઘાત લાગે છે કે, "આ વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે ??"
પણ...એ માણસ તો ઘણાં સમયથી હાથ છોડાવવા માંગતો જ હતો અને બીજો હાથ, ઘણાં સમય પહેલાં જ, કોઈ બીજાને આપીને બેઠો હતો.
બસ, તમે લાગણીમાં, એક પકડેલો હાથ જોયો, પણ બીજો હાથ કોની તરફ આગળ વધી રહ્યો છે, એ જોવાનું ભુલી ગયાં !!
સમજદાર માણસ જ, જીવનમાં સુખી થાય છે, તો લાગણીઓ સાથે સમજદાર અને હોશિયાર બનતાં શીખો.