31/01/2024
સામાજીક અને આર્થિક પરિસ્થિતિમાં બદલાવ (સોશીયો-ઇકોનોમિક ચેન્જ) ત્યારે જ શક્ય છે અને ત્યારે આવશે જ્યારે કેન્દ્રીય બજેટ અને અર્થતંત્ર મુદ્દેનાં ન્યુઝ રિપોર્ટિંગ માટે મીડિયા સંસ્થાઓ સજાગ થશે.
જેમ ચૂંટણી કે કોઈ રાજકીય કે ધાર્મિક પ્રસંગો માટે સજાગ થઈને અણધડ, અણઆવડત ધરાવતા અસુરક્ષિત તંત્રીઓ અને પત્તરકારો મિટિંગોનો દૌર શરુ કરીને પળેપળનું રિપોર્ટિંગ કેમ કરીશું એ મુદ્દે બ્રેન(લેસ) સ્ટોર્મિંગ શરુ કરી દે છે, તેમ ભારતીય કે રાજ્ય કે શહેરનાં બજેટનાં ન્યુઝ કવરેજ વિષે કેમ સભાન નહીં થતા હોય? કેમ આગવું આયોજન કે મિટિંગો નહિ કરતા હોય કે પળેપળનું રિપોર્ટિંગ કેમ કરીશું?
નોટબંધી, જીએસટીની અમલવારી, કોરોનાકાળ દરમ્યાન આર્થિક મંદી કેવું વરવું સ્વરૂપ ધારણ કરી શકે છે તેનો અનુભવ કર્યા પછી પણ આ નપાવટ, અણધડ, અણઆવડત ધરાવતા અસુરક્ષિત પત્તરકારો જો આર્થિક અને નાણાકીય બાબતોનાં પત્રકારત્વને મહત્વ નહીં આપે તો હવે એ દિવસો દૂર નથી કે જ્યાં આવો વર્ગ નવરો બેઠેલો જોવા મળશે.
આ હું એટલે લખી રહ્યો છું કે છેલ્લી મિનિટે બજેટ માટેની ચર્ચાઓમાં ભાગ લેવા પધારોનાં ફોન આવવાનાં શરુ થયા છે(!)
જેમ પર્યાવરણ, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પરનું રિપોર્ટિંગ - ધીરે ધીરે પત્રકારત્વમાંથી અલિપ્ત થતું જોવા મળી રહ્યું છે, તેમ મને લાગે છે કે આવનારા સમયમાં આર્થિક બાબતોનું પત્રકારત્વ પણ અલિપ્ત થઈ જશે.
ગુજરાત જેવા વેપાર-વાણિજ્યવાળા રાજ્યમાં બિઝનેસ રિપોર્ટિંગ ઓલમોસ્ટ ખતમ થઈ ચૂક્યું છે, કારણ મોટા ભાગનાં પિન્ક પેજીઝનાં (વેપાર-વાણિજ્ય-આર્થિક બાબતોનું રિપોર્ટિંગ કરતા અખબારોનાં) બ્યુરો બંધ પડયા છે.
અંગ્રેજી ભાષાનાં બિઝન્સ અખબારો જેવા કે હિન્દૂ બિઝનેસલાઈન, ધ ઈકોનોમિક ટાઈમ્સ, સીએનબીસી ટેલિવિઝન ચેનલનાં હિન્દી અને ગુજરાતી ભાષાની ચેનલો અને ન્યુઝવાયર ક્ષેત્રે રોયટર્સ તેમજ ઇનફોર્મીસ્ટનાં પ્રતિનિધિઓને બાદ કરતા ગુજરાતી અખબારોમાં ગણ્યા ગાંઠયા પત્રકારો જ બિઝનેસ રિપોર્ટિંગનાં ક્ષેત્રે કાર્યરત છે.
ભારત જ્યારે વેપાર-વાણિજ્યના તમામ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યાંની હેડલાઈન્સ રોજ રોજ વાંચવા મળે છે, આગામી વર્ષોમાં તમામે તમામ અર્થશાસ્ત્રીઓને ખોટા પુરવાર કરીને ભારતને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા તરફ વાયબ્રન્ટ ગુજરાત 2024નાં મંચ પરથી જ્યારે પ્રધાનમંત્રીએ ખુદ એલાન કરી દીધું છે, ત્યારે વેપાર-વાણિજ્ય-આર્થિક બાબતોનાં પત્રકારત્વ ક્ષેત્રે અને તેમાં પણ ગુજરાતી પત્રકારત્વમાં બહુ મોટો શૂન્યાવકાશ જોવા મળી રહ્યો છે.
ગુજરાતી પત્રકારત્વમાં મેં આજ સુધી એક પણ તંત્રી મહોદય એવા નથી જોયા જે પિન્ક પેજીઝનું વાંચન કરીને એમની સંસ્થામાં એ સંદર્ભેનું કવરેજ કરાવતા હોય!
શેરોમાં નાણાં ચોક્કસ રોકશે, આઈપીઓ ભરશે, પણ આર્થિક અને નાણાકીય બાબતોનાં પત્રકારત્વની વાત આવશે એટલે એક પ્રકારની સૂગ દર્શાવશે, નાકનાં ટેરવા ચડાવીને એ સંદર્ભે કાર્યરત થવામાં હામી નહિ ભરે!
મોટાભાગનાં પત્રકારોનાં મગજમાં એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે બિઝનેસ પત્રકારત્વ એટલે પ્રેસ-કોન્ફ્રેંસમાં પધરામણી, ત્યારબાદ ભોજન અને ત્યારબાદ ગિફ્ટરૂપી દક્ષિણા એટલે એને પત્રકારત્વ ન કહેવાય એ તો એક પ્રકારે પબ્લિક રિલેશનની પ્રક્રિયા છે!
બિઝનેસ પત્રકારત્વ એ એક પ્રકારે મગજમારીવાળું કામ છે અને જ્યારે આવેદન કે નિવેદન પર રમત ચાલતી હોય તો મગજમારી શા માટે કરવી?
કોઈ એવું પણ કહેશે કે તો પછી તમે જ તમારી યુ-ટ્યુબ ચેનલ કે વેબ-પોર્ટલ કેમ રમતું નથી કરી દેતા?
ડેટલાઈનગુજરાતન્યુઝ.કોમ (datelineguajratnews.com) નામનો બ્લોગ હું ચાલાવું જ છું જેમાં વૈશ્વિક, ભારત, ગુજરાત, બિઝનેસ ન્યુઝ હેડલાઈન્સની સાથેનો એક ન્યુઝલેટર રજુ કરું છે જેથી વાચકને સમગ્ર વિશ્વમાં મેઈનસ્ટ્રીમ અને બિઝનેસનાં સમાચારોમાં શું ચાલી રહ્યું છે એ વિષેનો ટૂંકામાં ટૂંકા વાંચનસમયમાં ખ્યાલ આવી જાય.
હાલમાં ડેટલાઈન ગુજરાત પર રિસ્ટ્રક્ચરીંગ ચાલી રહ્યું હોય તેને રેગ્યુલરલી અપડેટ નથી કરી શકતો, પણ ટૂંક સમયમાં આ રિસ્ટ્રક્ચરીંગની પ્રક્રિયા પૂર્ણ થયે એ રાબેતા મુજબ ચાલતી થઈ જશે.
વાત રહી યુ-ટ્યુબ ચેનલની તો એ દિશામાં મેં હાથ અજમાવી લીધો છે અને હું એકલે હાથે જ કામ કરવાનો આગ્રહી હોવાથી યુ-ટ્યુબ ચેનલને મોનેટાઈઝ કરવી એ બહુ મેહનત માંગી લે તેવું કામ છે.
યુ-ટ્યુબ ચેનલ એકલે હાથે ચલાવવી જેમાં વિડીયો શૂટિંગ, સ્ક્રિપટિંગ, એડિટિંગ, અપલોડિંગ, સોશિયલ મીડિયા પર એને રમતું કરવું - ઘણો સમય માંગી લે તેવી પ્રક્રિયા હોવાથી એ પ્રોજેક્ટ પડતો મુક્યો છે.
પણ ઑફ્લેટ મેં બિઝનેસ જર્નલિઝમમાં પણ સ્પેશ્યલાઈઝેશન અને ડાઈવર્સીફીકેશન આદર્યું છે એટલે હું એમાં સતત વ્યસ્ત રહું છું અને એટલે મને એ ચોક્કસ દેખાય છે કે બિઝનેસ જર્નાલિઝમ માટેનું જે લેવલનું કમિટમેન્ટ મેઈનસ્ટ્રીમ પત્રકારત્વમાં જોવા મળવું જોઈએ ખાસ કરીને જ્યારે ગુજરાત એક એન્ટ્રરપ્રેનોરિયલ સ્ટેટ છે ત્યારે, એ પ્રકારનું કમિટમેન્ટ ગુજરાતમાં ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે બિઝનેસ જર્નલિઝમ તરફ જોવા નથી મળતું.
મીડિયા સંસ્થાનો માટે બિઝનેસ જર્નલિઝમ રેવન્યુ સ્ટ્રીમ રિવાઈવ કરવા માટેનું પણ એક જબરદસ્ત હથિયાર છે, પણ યોદ્ધાઓ પાસે જ્યારે રણનીતિ જ ન હોય અને "બિઝનેસનાં પત્રકારત્વને પ્રાધાન્ય આપવાને બદલે પત્રકારત્વનો બિઝનેસ આદર્યો હોય" એવા તત્વોને બ્રહ્માસ્ત્ર આપો તો પણ તે એનો ઉપયોગ ન કરી શકે એ વાત તો ચોક્કસ છે.
મારી 27 વર્ષની પત્રકારત્વની કારગિર્દીમાં મેં હંમેશા બિઝનેસ પત્રકારત્વને પ્રાધાન્ય આપ્યું છે, મોટેભાગે બ્યુરો લેવલ પર એકલે હાથે જ કામ કર્યું છે, એટલે હું આ કાંઈ "ન" લખું તો મારી મોનોપોલી જળવાઈ જ રહેવાની છે(!)
પણ હું આ એટલે લખી રહ્યો છું કે ગુજરાત જેવા રાજ્યમાં ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે બિઝનેસ પત્રકારત્વ માટેની સૂગ અને એમાં સર્જાયેલા શૂન્યાવકાશ માટે આ અણધડ, અણઆવડત ધરાવતા અસુરક્ષિત આરાજક તત્વો સમાન તંત્રીઓ અને પત્રકારો જ જવાબદાર છે.
એમાં એક નંગ અને નૂમનાની તો એવી વાત છે જે હું જાણું છું જેને પોતાની ગુજરાતી અખબારની ડિજિટલ વેબસાઈટ માટે બિઝનેસ પત્રકારોને લેતા પહેલા લેવાયેલા ઈન્ટરવ્યૂમાં એવો સવાલ કર્યો હતો કે, "શું તમે કોર્પોરેટ જગતનાં આ "ચોક્કસ" મહાંધાતાનો ઈન્ટરવ્યૂ (અમને) લાવી આપો?".
એટલે મને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે મારી પહેલી પ્રક્રિયા એ હતી કે, "એલા તું જોકર જેવો દેખાતો પોતાની જાતને રાજકીય નિષ્ણાંત માનતો અને સમાયન્તરે રાજકીય બાબતો પર ટિક્કા-ટિપ્પણીઓ આપતો આ ગુજરાતી અખબારની ડીજીટલ વેબસાઈટ પર નાગની જેમ ફેણ મારીને વર્ષોથી બિરાજમાન એ બુડથલ છો અને વર્ષોથી જે તું તારી ચાટુકારિતાને કારણે તંત્રીપદુ ભોગવી રહ્યો છે એ દરમ્યાન તે ક્યા એવા કોર્પોરેટ લીડરનો ઈન્ટરવ્યુ કર્યો એ તો પહેલા જણાવ" (કોર્પોરેટ લીડર હો, કોર્પોરેટનો ચોલો ઓઢીને દલાલી કરતા પાવર બ્રોકરની વાત નથી, કોર્પોરેટ લીડરનો ઈન્ટરવ્યૂ દેખાડ!)
મારી દ્રષ્ટિએ મીડિયા માલિકોએ આમને હવે ટાર્ગેટ આપવાની જરૂર છે જેમાં જેમ એડ-એડિટ (જાહેર ખબર અને સમાચારો) રેશિયો હોય તેમ જે તે તંત્રીપદ કે પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત પત્રકારે બિઝનેસ ન્યુઝ : મેન્સ્ટ્રીમ ન્યુઝનો એક રેશિયોનો ટાર્ગેટ મુકવાની જરૂર છે.
આ બિઝનેસ ન્યુઝ : મેન્સ્ટ્રીમ ન્યુઝ કે બીટ ન્યુઝ આઈડ્ઈલી 50:50નો હોવા જોઈએ એટલે મહિનાનાં જો 30 સ્ટોરીઝ કે સમાચારો રિપોર્ટ કરો છો તો 15 સ્ટોરીઝ કે સમાચારો બિઝનેસનાં હોવા જરૂરી છે.
જો એ ટાર્ગેટ એચિવ ન થાય તો 50% (પચાસ) ટકા પગાર કાપી નાખવો, તો કદાચ પૈસાનું મહત્વ તેનું મૂળ અને અંતે બિઝનેસ જર્નાલિઝમ કેમ અને કેટલું મહત્વુંનું છે તે સમજાશે, બાકી તો આવા છેલ્લી મિનિટે જ ઉભા થશે કે, "બોસ, આજે બપોરે બજેટ પર ચર્ચા કરવી છે, આવી શકશો?"