17/06/2024
*સાઉદી અરેબિયાએ પેટ્રોડોલર છોડતાજ ક્રૂડ ઓઇલ ૪ ટકા વધ્યું*
તાજેતરમાં ક્રૂડ ઓઇલ ભાવના ફંડામેન્ટલ્સને અસંખ્ય કારન્સીઓએ પ્રભાવિત કર્યા
ક્રૂડ ઓઇલ અને કરન્સી બજાર વચ્ચે એક છુપો સંબંધ આ સંબંધ આપણે સમજવો જરૂરી
*ઇબ્રાહિમ પટેલ*
મુંબઈ, તા. ૧૭:
સાઉદી અરેબિયાએ અમેરિકા સાથેના પેટ્રોડોલર કરાર રદ્દ કરી નાખ્યા, અને હવે બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ સાથે જોડાણ કરીને ઉર્જાની ચૂકવણીની આખી પદ્ધતિ બદલી નાખી. અમેરિકન ગ્રાહકનું સેન્ટિમેન્ટ ડગુમગુ થયાના અહેવાલ પછી, શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવ નજીવા ઘટયા. અલબત્ત, ૨૦૨૪માં મજબૂત ઓઇલ માંગ જળવાઈ રહેશે, એવા અહેવાલ વચ્ચે સાપ્તાહિક ધોરણે ભાવ ૪ ટકા વધ્યા હતા. બ્રેન્ટ અને ડબલ્યુટીઆઈમાં એપ્રિલ પછીનો આ સૌથી મોટો સાપ્તાહિક સુધારો હતો.
તાજેતરમાં ક્રૂડ ઓઇલ ભાવના ફંડામેન્ટલ્સને અસંખ્ય કારન્સીઓએ પ્રભાવિત કર્યા છે, તેમાં ત્રણ મુખ્ય કારણ છે.
પહેલું, વિશ્વભરના આગેવાન ક્રૂડ ઓઇલ વાયદાના ભાવ ડોલર ટર્મમાં બોલાય છે. પરિણામે તેને આનુસાંગિક તમામ ક્રોસ કારન્સીઓના ભાવ પર તેની તુરંત અસર જોવા મળે છે. બીજું, જે દેશના અર્થતંત્રો ક્રૂડ ઓઇલ નિકાસ પર નિર્ભર છે, તેવા દેશમાં કરન્સી અને ક્રૂડ ઓઇલની તેજી મંદીને લીધે તેના રાષ્ટ્રીય અર્થતંત્રો સાથે ઊર્જા બજાર ઊંચી નીચી થવા લાગે છે. અને ત્રીજું ક્રૂડ ઓઇલના ભાવ તૂટવા લાગતાં જ, તેની સાહનુભૂતિમાં ઔધ્યોગિક કોમોડીટીઓ પણ નીચે જવા લાગે છે, જે વિશ્વભરમાં ફુગાવાથી વિપરીત ડિફલેશનનું જોખમ ઊભું કરે છે. પરિણામે જે તે દેશની કરન્સી બજારમાં પણ ઉથલપાથલ શરૂ થઈ જાય છે.
ગત સપ્તાહે બ્રેન્ટ ઓગસ્ટ વાયદો ૮૨.૬૭ ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ જુલાઇ ૨.૯૭ ડોલર અથવા ૩.૮૯ ડોલર વધીને ૭૮.૪૯ ડોલર શુક્રવારે બંધ થયા હતા. એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશને આગામી વર્ષ માટે માંગ વૃધ્ધિના આંકડા સુધાર્યા હતા. જ્યારે ઓપેકએ દૈનિક ૨૨ લાખ બેરલ માંગ વધારાનો અંદાજ જાળવી રાખ્યો હતો. ઇન્ટરનેશનલ એનર્જી ઇન્ફોર્મેશને આ આંકડો ૧૦ લાખ બેરલથી નીચો અંદાજયો છે. ૨૦૨૧માં દૈનિક ૧૧૬ લાખ બેરલ ઉત્પાદન સાથે અમેરિકા જગતનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ઉત્પાદક બન્યો હતો, ત્યાર પછીના ક્રમે રશિયા, સાઉદી અરેબિયા, કેનેડા અને ઈરાક આવે છે.
ક્રૂડ ઓઇલ અને કરન્સી બજાર વચ્ચે એક છુપો સંબંધ છે, આ સંબંધ આપણે સમજવો જરૂરી છે. બંનેના ભાવની વધઘટ એક દેશમાં હકારાત્મક તો બીજા દેશમાં નકારાત્મક અસર જોવાય છે. દેશની અસ્ક્યામતોની વહેચણી, વેપાર તુલા, અને બજારના તર્ક-કુતર્ક સહિતના અસંખ્ય કારણો આને માટે જવાબદાર હોય છે. ક્રૂડ ઓઇલ અને કરન્સી વચ્ચેના આવા સંબંધોને લીધે ભાવમાં મોટી વધઘટ થાય ત્યારે પ્રત્યેક દેશમાં ફુગાવા અને તેનાથી વિપરીત દબાણો સર્જાતાં હોય છે.
૧૯૭૦ના દાયકામાં બ્રેટન વૂડની ગોલ્ડ સ્ટાન્ડર્ડ પદ્ધતિ તૂટી પડી, ત્યાર પછી આખા જગતનો ક્રૂડ ઓઇલ વેપાર અમેરિકન ડોલેરમાં થાય છે. આયાતકારો ડોલર ચૂકવે અને નિકાસકારો અમેરિકન ડોલર લે. પરિણામે પેટ્રોડોલર વેપાર પદ્ધતિ શરૂ થઈ. આને લીધે આખા વિશ્વનો વેપાર, અમેરિકન ડોલર ચલણમાં થવા લાગ્યો આમ વૈશ્વિક રિઝર્વ કરન્સી તરીકે ડોલરને સ્વીકૃતિ મળી.
ભવિષ્યમાં ક્રૂડ ઓઇલનું કેટલું ઉત્પાદન થશે, તેનું માપ ઓઇલ અને ગેસના કૂવાની સંખ્યાને આધારે નક્કી થાય છે. ૧૪ જૂને પૂરા થયેલા સપ્તાહમાં અમેરિકન રીગ કાઉન્ટ, ૪ ઘટીને ૫૯૦ થઈ. જે સતત બીજા સપ્તાહમાં ઘટાડો દાખવે છે. રીગ કાઉન્ટ કરતી અમેરિકન એજન્સી બાકર હ્યુજીસ કહે છે કે ગતવર્ષે આ જ સમયે કૂલ રીગ સંખ્યા ૯૭ અથવા ૧૪ ટકા ઓછી, ૧૪ જૂન ૨૦૨૩ સુધીના સપ્તાહમાં ૪ ઘટી ૪૮૮ રીગ હતી, વધુમાં તે ઓકટોબર ૨૦૨૨ પછીની સૌથી ઓછી હતી. અમેરિકન ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીઝ (સ્ટોક) ૧૫.૫ લાખ બેરલ ઘટવાની સંભાવના હતી, તેને બદલે અણધારી રીતે ૩૭ લાખ બેરલ વધી હતી. પરિણામે બજારમાં વધુ પડતાં સ્ટોકની સ્થિતિ સર્જાઇ છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૭-૬-૨૦૨૪