21/05/2024
ચા એટલે કે ચ્હાની 108 (એકસો ને આઠ) મસ્ત મસ્ત વાતો............
સંપાદન- આલેખનઃ રમેશ તન્ના
આજે ચા દિવસ છે. મિત્રો સાથે ચાની કેટલીક મસ્ત વાતો વહેંચવી છે. ચા પીધા પછી આ લખાઈ રહ્યું છે, આપ પણ ચા પીતાં પીતાં વાંચજો.
1. ચા સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગઈ છે. ઘરે, દુકાને કે ઑફિસે કોઈ આવે તો ચા તો પીવડાવવી જ પડે. ચા તો ફરજિયાત. આપણે ચાને આતિથ્યસત્કારમાં સ્થાન આપ્યું છે. આવ્યા છો તો ચા-પાણી કરતા જજો.. ચા પ્રેમનો પ્રારંભિક અને પ્રાથમિક પડઘો છે. ચા એ આતિથ્ય સંસ્કૃતિનું મહત્ત્વનું અંગ છે.
2. જેમ અંગ્રેજો ગયા પણ ભારતને અંગ્રેજી આપતા ગયા તેમ ચા પણ અંગ્રેજોની જ દેન છે હોં. એક અંગ્રેજ આગેવાને આસામમાં ચાનો બગીચો શરૂ કરાવ્યો અને પછી ધીમે ધીમે ચા આખા દેશમાં પીવાતી ગઈ. ભારતમાં પહેલાં ચા પીવાતી નહોતી. આખા વિશ્વમાં સૌથી વધુ ચા પીનારા દેશો છે ભારત અને ચીન.
3. ચા એકલી ના પીવાય અને ચા એકલા ના પીવાય. અમારા મિત્ર, જાણીતા લેખક અને પત્રકાર શ્રી મનોજ શુકલનાં માતા શ્રીમતી મંગળાબહેન મહિપતભાઈ શુકલ ચાના સંદર્ભમાં એક સરસ-રસપ્રદ વાત કરતાં કહેતાં કે "ચા એકલી ના પીવાય અને ચા એકલાં ના પીવાય.." એટલે કે ચાની જોડે કશુંક તો ખાવાનું જ. (જેથી એસિડીટી ના થાય.. કદાચ એવું ગણિત હશે.) બીજું.. એકલાં એકલાં ચા પીવાની શું મજા આવે ? ચા પીવામાં કોઈ કંપની તો જોઈએ જ.. ચા પીવાની ખરી મજા તો મિત્રો-સ્વજનો સાથે જ આવે.. (માહિતી સૌજન્યઃ મનોજ શુકલ)
4. ભૂખ્યા પેટે ચા પીવાથી પેટમાં બળતરા, એસિડિટી અને અપચો આવે છે. ભૂખ્યા પેટે ચા પીવાથી ભૂખ પર અસર થાય છે અને ભૂખ લાગતી અટકે છે. તેથી ભૂખ્યા પેટ ચા પીવાને બદલે, તેની સાથે કંઈક અવશ્ય ખાવું જોઈએ.
5. અમારાં પરિચિત બાલુમાએ અમદાવાદમાં 45 વર્ષ ચાની લારી ચલાવીને પોતાના પરિવારની બે-બે પેઢીને જીવનમાં સ્થિર કરી છે. આવી તો ઘણી શ્રમજીવી મહિલાઓ છે.
6. અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં લક્કીમાં બોનર્વિટાવાળી ચા મળે છે. અહીં ચા લઈ જતા વેઈટરને જોવો લહાવો છે. એક જ હાથમાં આઠ કપ-રકાબી ઉપરાઉપર ગોઠવીને, પાછી ભરેલાં હોં.. તે લઈ જઈ શકે. સુંદર દશ્ય.
7. અમદાવાદના લો ગોર્ડનમાં બિનાકા ચા સેન્ટર છે. રૅડિયો સિલોન પર જ્યારે બિનાકા ગીતમાલા ખૂબ જ લોકપ્રિય હતું ત્યારે તેનું નામ પાડવામાં આવ્યું છે. અહીં સયાની સાહેબ ચા પી ગયા છે.
8. લૉ ગાર્ડન વિસ્તારમાં રવિશંકર આર્ટ ગેલેરી આવેલી છે. અહીં એક ચાની લારી પર કલાકાર કટિંગ ચા મળે છે. આખો દિવસ અહીં ઊભા રહીને કલાગોષ્ઠિ કરતા કલાકારો ઘડી ઘડી ચા પીએ. વધુ ચા ના પીવાઈ જાય એટલે અત્યંત નાનકડા કપમાં (એટલે કે અરધીની પણ અરધી) કલાકાર કટિંગ ચા મળે છે. કદાચ આખા ભારતમાં કલાકારના નામ સાથે ચાનું નામ જોડાયું હોય તેવી આ પ્રથમ ઘટના હશે.
9. અરધી ચા શોધવાનો યશ અમદાવાદને જાય છે. ચા પણ અરધી હોઈ શકે તેવું અમદાવાદીઓ જ વિચારી શકે.
10. ગુજરાતના કેટલાક વિસ્તારોના લોકો ચા બનાવતી વખતે તેમાં પાણી વધુ નાખે, પણ ચા તો આખો કપ જ હોવી જોઈએ. એટલે કે પાણીદાર ચા.
11. અમદાવાદની રતન પોળના વસ્ત્રોના વેપારીઓની ચા જાણીતી છે. ગ્રાહકને સારું લગાડવા અને પોતાની દુકાનમાં લાંબો સમય બેસાડી રાખવા તેઓ દુકાનમાં બેઠા બેઠા મોટેથી બૂમ મારીને ચાની વરદી (ઓર્ડર) આપે. પણ હાથથી ઈશારો એવી રીતે કરે કે ચા લાવવાની નથી. ચાનો ઓર્ડર આપવાની આ વિશિષ્ટ પદ્ધતિ છે. અમદાવાદમાં આવી રીતે ઓર્ડર આપી શકાય હોં...
12. અમદાવાદમાં આઈઆઈએમની બહાર રોડ પરના એક ચાવાળાની ચા પીને અનેક યુવાનો મોટા મોટા હોદેદારો થયા છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ઋથુરાજની ચા અને મસ્કાબન ખૂબ વખણાય છે. હવે તેમણે લારીમાંથી પોતાની રૅસ્ટોરન્ટ કરી દીધી છે.
13. વાઘ બકરી ગ્રૂપના પાયામાં ગાંધીજી છે. પીયૂષભાઈ દેસાઈના દાદા અને ગાંધીજી રાજકોટમાં સાથે ભણતા. તેઓ આફ્રિકામાં પણ સાથે હતા. ગાંધીજીના કહેવાથી જ પીયૂષભાઈના દાદાએ, એશિયન મજૂરોની રોજગારી ટકી રહે તે માટે એક ચાનો બગીચો ખરીદ્યો હતો જે આગળ જતાં વાઘબકરી જૂથમાં પરિણમ્યો.
14. વાઘબકરી ચાની કંપનીનું આવું નામ રાખવા પાછળ, સમાજના બધા વર્ગો, શક્તિશાળી અને અશક્ત.. એક સમાન હોવા જોઈએ એવો ઉમદા ભાવ રહેલો છે. જોકે ઘણા મજાકમાં કહે છે આ ચા એવી છે કે એકલા પીવો તો વાઘ જેવી અને પત્ની સાથે પીઓ તો બકરી જેવી ફિલિંગ આવે.
15. ગાંધીજી ચા નહોતા પીતા. તેઓ કહેતા કે વધુ ચા પીવાથી હોજરીની ચામડી જાડી થઈ જાય છે. જોકે ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા નવજીવનના કર્મ કાફેમાં મસ્ત ચા મળે છે. અન્ય ગાંધીવાદી સંસ્થાઓમાં પણ ચા છૂટથી મળે છે. નવજીવનના કર્મ કાફેની ચા પીવાથી ગાંધી વિચાર ઝડપથી સમજાય છે અને પચે છે તેવું સાંભળવા મળ્યું છે.
16. ગાંધીજન ચુનીભાઈ વૈધ (ચુનીકાકા) ખૂબ ચા પીતા. તેઓ હસતાં હસતાં કહેતા કે હું જ એક સૌથી વધુ ચા પીનારો ગાંધીજન છું.
17. ઘણી ચા પાણીદાર હોય તો બીજી કેટલીક પાણી-દાર હોય. એટલે કે ઘણી ચામાં દૂધ નામનું હોય અને પાણી જ વધારે હોય.
18. અનેક ઘરમાં પુરુષો એટલે પતિઓ જ ચા બનાવતા હોય છે તેવું જોવા મળે છે. સારું કહેવાય.
19. અનેક લોકો એવા છે કે એકલી ચા ના ભાવે. સવારમાં ચાની જોડે નાસ્તો જોઈએ જ. રાતની ભાખરી પણ ચાલે, પણ કંઈક તો જોઈએ જ.
20. અમારા એક વડીલમિત્ર નામે ભિખેશ ભટ્ટ રોજ સવારે એક મોટી તપેલી ભરીને ચા બનાવીને ડાયનિંગ ટેબલ પર બેસી જાય. પતિ-પત્ની અલકમલકની વાતો કરતાં જાય અને ચા પીતાં જાય. આખી તપેલી ક્યારે પૂરી થઈ જાય તેની ખબર પણ ના પડે.
21. ઘણી લારીઓની ચા ખૂબ જ વિશિષ્ટ હોય. તમે એક વાર પીઓ તો વારંવાર પીવાનું મન થાય. એવા વખતે ફરિયાદ અને આક્ષેપ પણ થાય કે ચા મેં કુછ કાલા સૉરી ડાલા હૈં... ઘરાકી ટકાવી રાખવા અને વધારવા ઘણા ચાવાળા આવું કરતા હોય છે.
22. અમારા એક મિત્ર સિવિલ એન્જિનિયર છે, તેઓ રોજની 100થી વધુ ચા પી જતા. પછી તો એવું થયું તે તેમને જમવાની જરૂર જ ના પડે. તેમને ભૂખ લાગતી જ નહીં. ચાના અતિરેકે તેમની જઠરાગ્નિને મંદ કરી દીધી હતી. તબીબી સારવાર લઈને માંડ માંડ ભૂખ જગાડી. હવે તેઓ ચા પીતા નથી.
23. ઘણા લોકોને ચા પીધી વિના ઝાડો આવતો નથી. ચા પીવે કે તરત અંદર દોડે.
24. ઘણા લોકોને ચા પીધા પછી ઊંઘ ના આવે તો કેટલાક વળી એવા પણ હોય છે કે તેમના ચા પીધા વિના ઊંઘ નથી આવતી. આવા ચા પીને લોકો ઊંઘી જાય.
25. અમદાવાદમાં એક પરિવાર એવો હતો ( કે છે) કે ખીચડીમાં ચા ભેળવીને ખાય..
26. જેનું ભેગું અન્ન તેનું ભેગું મન.. જેની ભેગી ચા, એ સાથે જીવન જીવવાની પાડે કદી ના...
27. મીડિયામાં ફરજનિષ્ઠ લોકોને ચાનું બંધાણ થઈ જતું હોય છે.
28. એક ચાની લારીવાળો ચામાં એટલી ઈલાચયી નાખે છે કે આપણને ખબર જ ના પડે કે ચા પીએ છીએ કે બાસુંદી ખાઈએ છીએ. તેનું નામ વાલજી. હું તેને કહેતો કે ચાને આટલું બધું વહાલ ના કર કે ચા બાસુંદી બની જાય..
29. ચાની લારી પર કામ કરતા બાળમજૂરોનું જીવન દોહ્યલું હોય છે. ચાની સાથે સાથે તેમનું બાળપણ પણ ઉકળતું હોય છે. કવિ કૃષ્ણ દવેની સરસ કવિતા પણ છે આ અંગેની.
30. ઘણા મોટા અણબનાવ અને વેરઝેર ચા પીતાં પીતાં પૂરાં થતાં હોય છે. (જો મહાભારતકાળમાં ચાની લારીઓ હોત તો કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ના થયું હોત તેવો માનનારો મોટો વર્ગ છે.)
31. માત્ર શરાબસેવનથી આરોગ્ય બગડે છે એવું નથી, વધુ ચા પીવાને કારણે આરોગ્ય બગડે છે.
32. સવારમાં સારી ચા ના બને તો અનેક પતિઓ પોતાની પત્નીનું લોહી પી જાય છે...
33. અનેક ગૃહિણીઓ એક જ ટેસ્ટની ચા બનાવી શકે છે. 20 વર્ષ પછી તેમના હાથની ચા પીઓ તો એ જ ટેસ્ટ હોય. ચાનો ટેસ્ટ જાળવી રાખવો એ કસોટી છે. (જોકે કઢીનો ટેસ્ટ જાળવી રાખવાનું સૌથી વિકટ છે.)
34. ચા અને ચાહને સીધો સંબંધ છે. ચા તો બહાનું હોય છે એ બહાને પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકાય. ગોષ્ઠિ થાય. ચાને કારણે જ આ વિશ્વમાં અનેક નવા, સુંદર અને ઉષ્માભર્યા સંબંધો બંધાયા હશે.
35. ચા જોડી આપે અને જોડી પણ રાખે. ઘણી જોડી ચાને કારણે બની હોય તેવું પણ બને. બે પ્રેમીજનોને જોડવામાં ચાએ ફેવિકોલનું કામ કર્યું હોય તેવું પણ બને.
36. મિત્ર જૂનો સારો અને ચા ઊનો સારો. (ચા શબ્દ સ્ત્રી અને પુલિંગ બન્નેમાં વપરાય છે.) (ઊનો એટલે ગરમ..)
37. ..... અને ભારતમાં તો એક ચા વેચનારો વડાપ્રધાન બન્યો તે ઈતિહાસ છે.
38. આપણા દેશમાં ચાની સંસ્કૃતિ બરાબરની ખીલી છે. ચા પીધા વિના મોટાભાગના લોકોની સવાર પડતી નથી. સૂરજ ઊગે અને સવાર પડે એ જૂની વાત છે, ચા પીવાય અને સવાર પડે એ નવી અને વાસ્તવિક વાત છે.
39. જેની ચા બગડે તેની સવાર બગડે છે.
40. ચા આપણા લોહીમાં ભળી ગઈ છે. ચા આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગઈ છે. ચા આપણા શરીર અને જીવનની જરૂરિયાત બની ગઈ છે.
41. જેમ ઘણી બહેનો શાકભાજીની લારી પર મળે કે ઘણા વૃદ્ધો મંદિરના ઓટલે મળે તેમ કેટલાક લોકો ચાની લારીએ મળતા હોય છે. ચાની લારી મિત્રોનું મિલન સ્થળ છે. અમારી ઑફિસની બાજુમાં એક પીસી પૉઈન્ટ તરીકે ઓળખાતો પૉઈન્ટ છે. અહીં કવિ-લેખકો- કળાકારો-દિગ્દર્શકો-અભિનેતાઓ-નિર્માતાઓ નિયમિત રીતે દરરોજ મળે. તેમનો અડ્ડો જામે અને ચા પીવાતી જાય.
42. ઘણા ચાની કીટલી વાળા સવારની પહેલી ચા રસ્તા ઉપર ઢોળી દે છે. પહેલી ચાને જગ-ડખાની ચા પણ કહે છે.
43. અમદાવાદના સેટેલાઇટ રોડ પર SPIPAની બહાર પણ રાજુભાઇની વર્ષોથી ચા ની કીટલી છે જયાં ચાની ચૂસકી માણીને છેલ્લાં 20 વર્ષમાં અનેક મિત્રો IAS, IPS, IFS, IRS જેવી સર્વિસીસમાં પહોંચી ગયા છે! ( માહિતી સૌજન્યઃ વિષ્ણુ રબારી)
44. સને 1773માં અમેરિકાના બૉસ્ટન બંદરેથી બ્રિટન તરફ જતાં ચાનાં ત્રણ વહાણો પર શેમ્યુઅલ એડમ્સ નામના અમેરિકન આઝાદીના લડવૈયાના નેતૃત્વમાં સ્થાનિક રેડ ઇન્ડિયનના વેશમાં હુમલો કરી 342 ચાની પેટીઓ દરિયામાં ફેંકી દીધી હતી, આ બનાવ ઇતિહાસમાં 'બૉસ્ટન ટી પાર્ટી' ના નામે ઓળખાય છે.
45. દરેક શહેર અને નગરમાં ચાની પ્રખ્યાત લારીઓ કે દુકાનો હોય જ છે.
46. અમદાવાદમાં એક લારી પર પારેલ જી વાળી ચા અપાય છે. એટલે પારેલ બિસ્કિટ ઢબોળીને આપે છે.
47. અમારાં વડીલ મિત્ર બકુલાબહેન ઘાસવાલા કહે છે કે મેં ક્યાંક વાંચેલું કે બાળકોની બાળપોથીમાં ‘ બા, ચા પા’. એવો નાનકડો પાઠ હતો ને આખું હિન્દુસ્તાન ચા પીતું થઈ ગયેલું. (આ પાઠ પછીથી કોઈકે રદ કરાવેલો એવું સાંભળ્યું હતું.)
48. ઈન્દુચાચા (ઈન્દુલાલ યાજ્ઞિક) કહેતા કે એક કપ ચા ના જોઈએ. ચાની તો આખી તપેલી જ જોઈએ.
51. કોચી શહેરનાં Meet Vijayan and Mohana Vijayan નામનાં એક દંપતી 1963થી ચાનો સ્ટોલ ચલાવે છે. ચા વેચી વેચીને આ પતિ-પત્નીએ વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કર્યો છે.
49. આપલાબાપા નામની ચાની દુકાનની ચેઈન બહુ ચાલી. પછી તો કોફી બારની જેમ વાધબકરી સહિત અનેક કંપનીઓએ પણ ચાના બાર શરૂ કર્યા.
50. રાજકોટની એક કંપનીએ ચાની મોર્ડન કંપની-ચેઈન શરૂ કરીને ભવ્ય સફળતા મેળવી હતી.
51. વલસાડમાં ચાની એક દુકાનનું નામ ચાપાણી છે. (સૌજન્યઃ બકુલા ઘાસવાલા) આ દુકાન હવે જોકે બંધ થઈ ગઈ છે.
52. શાયદ મેરી શાદી કા ખયાલ.. ચા વિશે હિન્દી ફિલ્મોમાં ગીતો તો લખાયાં છે, પણ ગુજરાતીમાં કવિતાઓ લખાઈ છે ? જાણકારો કહી શકે..
53. ચા જેટલી શારીરિક જરૂરિયાત છે એટલી જ માનસિક જરૂરિયાત પણ છે. ચા પીવાથી જ નશો કે મૂડ આવે તેવી ગ્રંથિને કારણે પણ લોકો સતત ચા પીતા હોય છે.
54. ચા કપમાં પીવાય, રકાબીમાં પીવાય અને તાંસળામાં પણ પીવાય. દેસાઈ-રબારીઓના ઘરોમાં આજે પણ તાંસળામાં ચા પીનારા લોકો તમને મળી આવશે.
55. અસ્પૃશ્યતા વધુ હતી ત્યારે (કહેવાતા) ઉચ્ચ વર્ગના ઘરોમાં દલિતો માટે ચાનો કપ જુદો રખાતો હતો. બાળપણમાં મેં ગામમાં આવા કપ અને આ પ્રથા જોયેલી છે.
56. ઘણા લોકો ચા પીતી વખતે જબરજસ્ત અવાજ કરે. એવો સબળકો મારે કે દૂર સુધી સંભળાય. ઘણા લોકોને આવા, ચા પીતી વખતે થતા અવાજની એલર્જી હોય છે. (અમારાં ‘ઈ’મને હતી.)
57. જે વધારે ચા પીતો હોય તેને ગારડિયો કહે છે. ઘણા તેને ચારૂડિયો પણ કહે છે.
58. બંધકોશમાં સરળ ઉપાય : ચામાં દીવેલ-એરંડિયું નાખીને પીવાથી સરળતાથી ઝાડો થાય છે.
59. ચામાં ખાંડની જગ્યાએ બ્રાઉન ખાંડ અને જેગરી પાઉડર પણ વાપરવામાં આવે છે.
60. કેટલાક મારવાડી ચાવાળાઓ, ચામાં પૉષદોડા (અફીણનાં ડૉડાં)નો ઉપયોગ કરે છે, એનાથી મસ્તીનો અનુભવ થાય છે.
(માહિતી સૌજન્યઃ સીએ, વિનોદચંદ્ર, નવસારી)
61. અમારા એક સાહેબ છે શ્રી ભરતભાઈ ગોહિલ. (કોરોનામાં 90 ટકા ફેફસાં ગયાં તો પણ વીલ પાવરથી બચી ગયા. તેમનો કેસ-સ્ટડી આખી દુનિયામાં ભણાવાય છે.) તેઓ અમને ભણાવવા આવતા તો કહેતા કે ચાલો પહેલાં ચા પીવા જઈએ, પછી “પીધેલી હાલત”માં ભણીશું.
62. ચામાં આદુ, તુલસી, ફૂદીનો, ગરમ મસાલો એમ જુદું જુદું ઘણું નખાય છે. (બીજું શું શું નખાય છે તેની જાણકારી કૉમેન્ટમાં લખવા વિનંતી છે.)
63. ઘણા લોકો ચા પીનારાને હલકી નજરે જોતા હોય છેઃ “આ જુઓ તો ખરા.. ચા પીએ છે.” ઘણા વળી પોતે ચા પીતા નથી તેનું મોટું ગૌરવ સમજે. સતત કહેતા ફરેઃ મેં તો કદી ચા ચાખી પણ નથી.
64. રેગ્યુલર ચા ઉપરાંત વાઈટ ટી, ગ્રીન ટી, ઓલોંગ ટી, ડાર્ક ટી, પૂઅર ટી, આઈસ ટી અને મેટ ટી એમ જુદી જુદી ચા વિશ્વમાં પીવાય છે.
65. રઘુવીર ચૌધરીએ એક વાર વ્યંગમાં કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ચા અને શરબત વચ્ચે માત્ર ઉષ્ણતામાનનો જ ફરક હોય છે.
66. પહેલાં રજવાડી ચા ખૂબ વખણાતી. મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન થયા એ પછી તેમણે ભારતમાં રજવાડી ચા બંધ કરાવી હતી તેવી માહિતી અમને શ્રી અશ્વિનભાઈ લિંબાચીયા નામના અમારા મિત્રએ આપી છે. જાણકારો પ્રકાશ પાડે.
67. ગુજરાત સમાચાર અમદાવાદસ્થિત કાર્યાલયમાં, અંદર ચા લઈ જવાની પ્રથા નથી એવું કેટલાક મિત્રોએ કહ્યું હતું. પત્રકારો નીચે આવીને જ ચા પીએ. કોઈ મુલાકાતી આવ્યું હોય તો તેમને પણ નીચે લાવીને જ ચા પીવડાવે.
68. પાણી પછી દુનિયામાં સૌથી વધુ પીવાતું પીણું ચા માનવામાં છે.
69. ઘણા લોકો ગોળવાળી ચા પીએ છે. હવે તો ગોળવાળી ચા બજારમાં પણ મળે છે.
70. ચા કેટલા દિવસ ના બગડે? એવું કહેવાય છે કે જો ચાને હવા અને ભેજથી બચાવવામાં આવે તો ચા બે વર્ષ સુધી ખરાબ નથી થતી અને તેનો સ્વાદ એકસરખો જ રહે છે.
71. અફઘાનિસ્તાન અને ઇરાનમાં ચાને જાહેર રાષ્ટ્રીય પીણું કરવામાં આવ્યું છે.
72. સામાન્ય રીતે ચા પીધા પછી તરત જ પાણી પીવું ન જોઈએ. આમ કરવાથી લાંબા ગાળે ગંભીર નુકશાન થઇ શકે છે. કોઈ પણ ગરમ પીણા પીધા પછી અડધી કલાક સુધી પાણી ન પીવું જોઈએ.
73. ચા પીવાથી આરોગ્યને નુકશાન થાય છે. પાચનતંત્રને અસર કરે છે ચા. જોકે ચા પીવાના ફાયદા પણ લોકો વર્ણવે છે.
75. અમારા મિત્ર ચા પીવાની હા એટલે પાડે કારણ કે ચા આવે અને પીવાય ત્યાં સુધી બેસી શકાય અને એ બહાને વાતો થાય.
76. નવસારી વિસ્તારમાં કહેવાય: ચાર પછી ચા નહીં. પાંચ પછી પાણી નહીં. દસ પછી દારૂ નહીં. સાંજે ચા પીવાથી ઊંઘ બગડે અને વારંવાર પેશાબ માટે જવું પડે.
77. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને નાઘેરમાં, ચા પીરસીને પછી એમાં ઘરની ભેંસનું ઘી નાખવામાં આવે છે. મારો જાત અનુભવ છે. (માહિતીસૌજન્યઃ લોકગાયક શ્રી અરવિંદ બારોટ)
78. અમારા પડોશમાં રહેતાં બાની વય 85-86 વર્ષ છે, જે કોઈ જ ખોરાક ખાતાં નથી. એમનો એક માત્ર ખોરાક કે પીણું ફક્ત ચા જ છે. દિવસમાં ત્રણ કે ચાર કપ સાવ સાદી ઓછા દૂધવાળી ચા. આ છેલ્લાં 20-25 વર્ષથી જાળવી રાખ્યો છે. ચા સિવાય કોઈ જ વસ્તુનું સેવન નથી તેમ છતાં સદાય એકદમ પ્રસન્ન સ્વસ્થ છે. (માહિતી સૌજન્યઃ ઋષિત મશરુ)
79. ચામાં કેસર નાખવાનો પણ રિવાજ છે. (માહિતીસૌજન્યઃ બકુલા ઘાસવાલા, વલસાડ. બકુલાબહેન તો ચાનો વધાર કરવાનો જ બાકી રાખે છે.)
80. અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના દરવાજા પાસે કેસરીની ચાની લારી પર અનેક લેખકો અને પત્રકારોની મહેફિલ જામેલી મેં જોઈ છે. અંદર લાઈબ્રેરીમાં વાંચીને ફ્રેશ થવા બહાર આવીને ચા પીતાં-પીતાં અનેક અધિકારીઓ- અધ્યાપકો બન્યા છે. અમારા રબારી સમાજમાં તો ચાનો એટલો મહિમા છે કે 20/22 વરસ જૂનો કજીયો હોય તો પણ એક ચામાં સમાધાન થાય. કોઈ પણ સમાધાન ત્યારે જ સાચું થાય કે જ્યારે બન્ને પક્ષ સાથે ચા પીએ. (માહિતી સૌજન્યઃ રાજુ દેસાઈ)
81. સુરેન્દ્રનગરનાં સમાજસેવિકા તૃપ્તિ આચાર્ય-શુકલ સરસ વાત કરે છેઃ ચા વિશે સહુથી ઉત્તમ બાબત એ છે કે સ્ત્રીઓ માટે ચા અમૂલ્ય ભેટ છે. ઘરે આવનાર મહેમાનનું સ્વાગત ગરીબ અને ધનિક બન્ને મહિલા કોઈ વધારાની ઝંઝટ વગર ચાથી કરી શકે છે. સાદી ચા અને અનેક મસાલાયુક્ત ચા સરખો આનંદ આપે છે. ઘરનું કામ કરી કે થાકેલી વ્યવસાયી સ્ત્રી એકલી બેસી બીજું કાંઈ ન કરે પણ ચા પીએ અને પુનઃ પોતાના કામમાં ગુંથાઈ જાય. એમાં પણ કોઈ વાર કંટાળો આવે ત્યારે મોટા કુટુંબમાં થેપલાં કે મુઠિયાં સાથે ચા આપી બહેનો જે નિરાંતનો હાશકારો અનુભવે એ સાક્ષાત્કાર કરવા સ્ત્રીનો અવતાર લેવો પડે!
82. જૂની રંગભૂમિમાં નાટક મંડળીના વિવિધ ગામોમાં પડાવ પડે. સહુ કલાકાર-કસબીઓ એક જ ઉતારે રહે. સામૂહિક ભોજન વગેરે પ્રબંધ હોય. અહીં ચૂલા ઉપર વહેલી સવારથી ત્રાંબાનો મોટો હાંડો મૂકવામાં આવે અને તેમાં સતત ચા ઉકળતી રહે. જેને જયારે પીવી હોય ત્યારે પી શકે. દિવસ રાત આ હાંડો ઉકળ્યા કરે. તેને "મક્કાનો હાંડો" કહેતા હતા. (માહિતી સૌજન્યઃ ધીરેન અવાસિયા)
83. ધીરેન અવાશિયા ચાની વધુ લિજ્જતવાળી વાતો કરતાં કહે છે કે અમે જૂનાગઢી નાગરોએ ચામાં પુરૂષત્વ ભાળ્યું છે એટલે ચા પીધો કહેવાનું રાખ્યું છે. ભવનાથ તળેટી કે ગીરના જંગલમાં સાધુ બાવાની ધૂણી ઉપર બનેલી પીત્તળની કિટલી ભરેલી ચા ધૂમાડે દૂણી ગઈ હોય પણ ઈ ચામાં બાવાજીની લાગણીનું જ મહત્ત્વ. આ ચા પીત્તળ કે જર્મન સિલ્વરની રકાબીમાં પીવાની. જેને સૌરાષ્ટ્રમાં અડાળી કહે. અમે નાગરો તેને તબકડી કહીએ. દાયકાઓથી વહેલી સવારના હું જાતે જ આદુ-ફોદીનાયુકત ચા બનાવી પીવાનું રાખું છું. મેં ઘણી વિવિધ પધ્ધતિની ચા પીધી છે, પણ ચાની નજીકનો કાશ્મીરી કાહવા - કહેવા ઉત્તમ. નેવુંના દાયકે શ્રીનગર યુનિવર્સિટી જવાનું થાય ત્યારે કહેવાની મોજ લેતો. અમારા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં એક જમાને છગનની ચા વખણાતી હતી. હું તપેલી ભરીને ચા પીવાવાળો. ઈંગ્લેંડ ભણતો ત્યારે એક લીટરની કીટલી રાખી હતી. તેમાં જ સીધી ચા બનાવતો હતો.
84. ચા નો આખો એક ઘડિયો પણ છે.
ચા એકાએક ( ચાની તડપ એકાએક લાગે !)
ચા બે ટાણા ( સવારે અને રોંઢે )
ચા ત્રણ ___ ( ખાંડ , દૂધ અને ભૂકી )
ચા ૪ ચોકે ( બધે જ મળે ) (માહિતીસૌજન્યઃ નિમેશ જોશી)
85. ભાવનગરમાં આખી ચા, અડધી ચા, પોણીયો અને કટકો...એમ ચાર ભાગમાં વહેંચી શકાય એ રીતે ચા મળે છે. (માહિતીસૌજન્યઃ વીરેન્દ્રસિંહ પરમાર)
86. અમદાવાદના યુવાન આકાશ ગજ્જરે એક એવા મશીનની શોધ કરી છે જેના દ્વારા ૧૦૦૦ જાતની ચા બનાવી શકાય છે.
87. ગામડાગામની વહુવારુ ત્રણ પ્રકારની ચા બનાવે...
આપુડી, બાપુડી, જગુડી....
આપુડી: પોતાના માટે, પોતાની રુચિ પ્રમાણે. પાણી થોડું, દૂધ વધારે
°
બાપુડી: પિતા, ભાઈ કે પિયરમાંથી કોઈ આવે તો નકરા દૂધની.
°
જગુડી: વધારે મહેમાન હોય ત્યારે. જગત માટે. ઓછું દૂધ, વધારે પાણી. (માહિતીસૌજન્યઃ અરવિંદ બારોટ)
88. ચાએ ટાળ્યું શિરામણ, બીડીએ ટાળ્યો હૉકો;
સાસુનું કીધું વહુ કરે નહીં, કોનો કરવો ધૉખો ?
૦
કૉફી તો કપટી પીવે, ચતુર પીવે ચા;
દેવલોક તો દૂધ પીવે, મૂરખ પાડે ના.
(માહિતી સૌજન્યઃ અરવિંદ બારોટ)
89. દુનિયાભરમાં લોકો આશરે 3000 પ્રકારની “ચા” પીએ છે.
90. એક જમાનામાં ચા પીત્તળની રકાબીમાં જ પીવાતી. કાચના કપ-રકાબી ધનવાન રહીશોના ત્યાં જ જોવામાં આવતા.
91. ભારતમાં પહેલાં ચા હતી નહીં. લિપ્ટન અને બ્રુક બૉન્ડના સેલ્સમેન ગામડાંઓમાં ફરતા, જુદી જુદી રમત (ગેઈમ) રમાડતા અને જે જીતે તેને ફ્રીમાં ચા મળતી. આ રીતે ગામોમાં ચાને પ્રવેશ થયો છે.
92. ચા કેમેલિયા સિનેન્સીસ છોડનાં પાંદડાંઓ અને કુમળી કુંપળોની કૃષિ પેદાશ છે, જેને જુદી જુદી પદ્ધતિઓથી બનાવવામાં આવે અને તેની માવજત કરવામાં આવે. એ છોડનાં પાંદડાંને ગરમ અથવા ઊકળતાં પાણીમાં નાખીને તૈયાર કરેલું સુગંધીદાર પીણું એટલે 'ચા'. કેમેલિયા સિનેન્સીસ છોડનું પોતાનું જ સામાન્ય નામ છે.
93. અમે હમણાં કર્ણાટક-મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. શ્રી સ્વામી સમર્થના અક્કલકોટમાં ગયાં તો ત્યાં એક ચાની નાનકડી રેસ્ટોરન્ટમાં ચા વિશે ફિલોસોફિકલ અવતરણો-વાતો વાંચી આનંદ થયો. એમાં કપ-રકાબીના સંબંધની પણ સરસ વાત મૂકાઈ હતી.
94. ઘણા લોકો ચા પીવા કરતાં પાવામાં વધુ આનંદ મેળવતા હોય છે.
95. એવું કહેવાય છે કે જે વ્યક્તિ ઉનાળામાં ચાને દગો આપે તે વ્યક્તિ કોઈ પણ દગો આપી શકે. બારેય મહિના ચા પીતી વ્યક્તિ ઉનાળામાં ચા ના પીએ તો તેવી વ્યક્તિનો વિશ્વાસ કરવો નહીં.
96. અમારા ભાવનગરના મિત્ર ડૉ. તેજશ દોશી ચાના ચાહક અને શોખીન છે. ચા વિશે સતત નવું લખતા રહે છે. એવું જ અમારાં અમદાવાદમાં રહેતાં મિત્ર શિલ્પા ભટ્ટ દેસાઈનું છે.
97. અમે બાળપણમાં કડક-મીઠી ચા બનાવવાનો પ્રયાસ કર્યો હતો તો વધુ ઉકાળવામાં અમારા નસીબમાં- સૉરી કપમાં માત્ર કૂચા આવેલા.
98. અમે હમણાં કર્ણાટક ગયાં તો ત્યાં અનુભવ કર્યો કે ચાને નામે ગરમ શરબત જ મળે છે. મને તો સહેજે ચા પીવાની મજા ના આવી. ફાઈવ સ્ટાર હૉટલની વગર ઉકાળેલી ચા પણ ના ભાવે. હું તો હૉટલમાં ઉતર્યો હોઉં તો વહેલો ઊઠીને રોડ પરની લારી કે હોટલમાં જઈને જ ચા પીવી આવું.
99. બ્લેક ટીની જેન વ્હાઈટ ટી પણ હોય છે. ઓછામાં ઓછી જાણીતી, વપરાતી સફેદ (વ્હાઈટ) ટી ચાના છોડનાં પાંદડાં પૂરા ખુલે તે પહેલાં તેના ‘બડઝ’ની ઉપર સફેદ રંગના તાંતણા હોય છે માટે વ્હાઈટ ટી તરીકે ઓળખાય છે. આ ચામાં કૅફિનનું પ્રમાણ એકદમ ઓછું છે, પણ તેમાં એન્ટીઓક્સીડન્ટ વધારે પ્રમાણમાં છે.
100. જગતના 90 ટકા લોકો કાળી ચા પીએ છે. અને હા, દૂધ વગરની ચા વજન ઘટાડવામાં મદદ કરે છે.
101. ચા પીધો કહેવાય કે ચા પીધી કહેવાય? ચા શબ્દ નર જાતિ છે કે નારી જાતિ છે ? અમારા મિત્ર ડી.જી. ચૌધરી કહે છે કે અમે મિત્રોને એવું ઠસાવવા પ્રયાસ કરતા કે ગોળ નાખીને બનાવો તો ચા નર જાતિ કહેવાય (ચા પીધો) અને ખાંડ નાખી ને બનાવો તો નારી જાતિ કહેવાય (ચા પીધી)
102. દક્ષિણ ગુજરાતમાં ધરમપુર બાજું કેટલાક વૃદ્ધ લોકો ચામાં વિક્સ કે બામ નાખીને પીવે છે. (માહિતીસૌજન્યઃ ઋસિત મશરાણી)
103. સૌરાષ્ટ્રના, (ખાસ તો કાઠિયાવાડના) અંતરિયાળ ગામોમાં જમવા ટાણે આવેલા મહેમાનોને ચા ન પાઈને મિષ્ઠાન જમાડો તો પણ એ તમારી નબળી છાપ લઈને જશે: 'ચાનું પૂછ્યું પણ નહીં! (માહિતીસૌજન્યઃ ગુણવંત વ્યાસ)
104. ચા વિશેના જ કાવ્યો-ગઝલો સમાવતો એક ચા-ના શીર્ષકથી જ ભરતભાઈ નામે એક કવિનો સંગ્રહ છે. શીર્ષકનું અને કવિનું પૂરું નામ ભૂલી ગયો છું. (માહિતીસૌજન્યઃ ગુણવંત વ્યાસ)
105. જગતમાં સર્વને કહેતા ફરો નહીં કે ચા કરજો,
ઘણાંય એવાંય છે જેની ચા સારી નથી હોતી.
- પેરોડી, અધીર અમદાવાદી
106. કહેવત છે: 'તળાની (તળિયાની) ચા, ને નળાનો ઘા'
107. ચાનો નાસ પણ લઈ શકાય. ચિતલ શાહને તેમના દાદાએ ચાનો નાસ લેવાનું કહ્યું હતું જેનાથી તેમને ઘણો ફરક પડ્યો.
108. અમારા વૈદ્યરાજ મિત્ર ભવદીપભાઈ ગણાત્રાએ કૉરોના વખતે અમને ચાની ભુક્કી અને અજમાનો શાહી-નાસ લેવાનું શીખવાડ્યું હતું. તેનાથી શરદી તો જાય જ પણ ફેફસાંમાં જામી ગયેલો કફ પણ છૂટો પડીને ગળફા વાટે બહાર આવે છે.
લો.. ત્યારે અમે ચાને લગતી 108 વાતો આપની સામે મૂકી. એમાં હવે તમે ઉમેરો કરો.
(નોંધઃ આ લેખ ચા પીને લખાયો છે. તમે ચા પીને વાંચજો.)
(પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 982403475)