04/03/2020
*જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે બીએપીએસ સંસ્થા દ્વારા ઉજવાનાર આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ બંધ રખાયો છે :
*જાહેર નિવેદન*
વિશ્વના અનેક દેશોમાં સર્જાયેલી કોરોના વાયરસની ગંભીર અને અનિશ્ચિત સમસ્યાને લક્ષમાં લઈને, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તારીખ 10-3-2020ના રોજ ગઢડા ખાતે ઉજવાનાર આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ બંધ રાખવામાં આવ્યો છે, જેમાં એક લાખથી વધુ ભક્તો ઉપસ્થિત રહેવાના હતા. જો કે ગુજરાતમાં અત્યાર સુધી તેવો કોઈ બનાવ નોંધાયો નથી અને સ્થાનિક રીતે પરિસ્થિતિ ભયજનક ન હોવા છતાં, આ મહોત્સવમાં ભારતના અનેક રાજ્યો તેમજ વિદેશના પણ હજારો હરિભક્તો આવવાના હોઈ ગુજરાતના જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે આ મહોત્સવ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સર્વે હરિભક્તોએ તેની નોંધ લેવી.
આ મુખ્ય આંતરરાષ્ટ્રીય મહોત્સવ પૂર્વે પંચ દિવસીય વચનામૃત દ્વિશતાબ્દી પર્વ યોજાયું છે, તેમાં ફક્ત સ્થાનિક ભક્તો જ લાભ લેશે, અન્ય કોઈ સ્થળોના ભક્તો-ભાવિકોએ લાભ લેવા જવું નહીં.
આ ઉપરાંત સૌને ખાસ નિવેદન કરવાનું કે વ્યક્તિગત, પારિવારિક કે આસપાસના વર્તુળમાં કોઈને પણ શરદી, તાવ, ઉધરસ કે તેવા ચિન્હો દેખાય તો સત્વરે યોગ્ય મેડીકલ તપાસ કરાવીએ અને અન્યના સ્વાસ્થ્યની જાળવણી કરવામાં મદદરૂપ થઈએ.
-સાધુ ઈશ્વરચરણદાસ
આંતરરાષ્ટ્રીય સંયોજક, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા