29/08/2020
આજે મારે તમને એક સવાલ પુછવો છે?
મિત્રો, તમે ભલે ભા.જ.પ પાર્ટીને સપોર્ટ કરતા હોય પણ ખાલી એટલો જવાબ આપો કે ગરીબોના હક્કનું અનાજ ચોરી કરનારા અનાજ માફિયાઓને ખુલ્લા પાડવા એ ગુનો ગણાય??
ત્રણેક દિવસ પહેલા મને ઓલપાડમાં અનાજ કૌભાંડ વિશે માહિતી મળેલ હતી. આથી સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશનના પોલીસના ઈન્સ્પેકટરને રૂબરૂ મળીને, પી.આઈના હુકમથી ઉમેશભાઈ નામના પોલીસવાળાને સાથે રાખીને ઓલપાડમાં ચાલતા ગેરકાયદેસર અનાજ ચોરીના કૌભાંડને ખુલ્લું પાડેલ અને આ કૌભાંડમાં 20 લાખ કરતા વધુ કિંમતનું અનાજ પકડાયેલ હતું.
લોકડાઉન દરમ્યાન જુલાઈ અને જૂન મહિનામાં ગરીબો માટે જે અનાજ ફાળવણી થઈ હતી તે અનાજ ગરીબોના પેટ સુધી ન પહોંચ્યું પરંતુ ઓલપાડના અનાજ માફિયાઓના ગોડાઉનમાં પહોંચી ગયું. આ માફિયાઓના ગોડાઉનમાં રહેલ સરકારી અનાજનો પર્દાફાશ કરવા બદલ મારા વિરુદ્ધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
*આ રાશન માફિયાના ગોડાઉનમાંથી 20 લાખ કરતા વધુ કિંમતનું સરકારી અનાજ પકડયું છતાંય તેના વિરુદ્ધમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ એ જ રાશન માફિયાએ મારા વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે એફઆઈઆર નોંધેલ છે, ખુદ ચોર જ ફરિયાદી બની ગયો અને ફરિયાદીને આરોપી બનાવ્યો. શું આ વ્યાજબી છે?*
ભલે કોઈ વ્યક્તિ ભાજપને સપોર્ટ કરતા હોય તો પણ મારો સવાલ છે કે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવો ગુનો છે? ગરીબોના હક્કનું અનાજ ચોરી કરનારા માફિયાઓને ઉઘાડા પાડનારા સામે એફઆઈઆર યોગ્ય છે??
મારા ઉપર અનાજ ચોરી ખુલ્લી પાડવાના ગુના બદલ એફઆઈઆર થઈ છે પણ મારા સવાલોના જવાબ કોણ આપશે?
૧) 20 લાખ કરતા વધુ કિંમતના અનાજ ચોરો વિરુદ્ધમાં હજુ સુધી કોઈ ફરિયાદ નથી થઈ, તો આ ચોરોને કોણ પ્રોત્સાહન આપી રહ્યું છે?
૨) અનાજ ચોરો જે સરકારી ગોડાઉનમાંથી જથ્થાબંધ અનાજ લાવે છે એ ગોડાઉન સંચાલક ઉપર ફરિયાદ કેમ નથી થઈ?
૩) ઓલપાડ મામલતદારે સ્થળ ઉપર આવીને ઓરીજનલ અનાજ માફિયાના નામે પંચનામું કરવાના બદલે અનાજ ચોરના મજૂરના નામે ખોટું પંચનામું કર્યું તેના વિરૂદ્ધમાં કોણ ફરિયાદ કરશે?
૪) રેઈડ પોલીસની હાજરીમાં મોબાઈલ રેકોર્ડિંગ સામે સેટિંગ કરી લેવાની કે પતાવટ કરવાની તેમજ લેતીદેતી કરીને પૂરું કરવાની વાત કરનાર કૌભાંડી વિરૂદ્ધ એફઆઈઆર કરવાના બદલે કૌભાંડીની એફઆઈઆર નોંધનારા પીઆઈ સામે કોણ ફરિયાદ નોંધશે?
૪) સૌથી મહત્વનો સવાલ કે જેણે ૨૦ લાખ રૂપિયાનું અનાજ ગેરકાયદેસ રીતે ચોરી કરી છે એ વ્યક્તિ પોતે ફરિયાદી બની ગઈ, અને ગોપાલ ઈટાલીયાએ આ કૌભાંડ ખુલ્લું પાડ્યું તો ગોપાલ ઈટાલીયા આરોપી બની ગયો. સરકાર દ્વારા કૌભાંડીઓને આટલો સપોર્ટ યોગ્ય છે?
દોસ્તો, હવે કૌભાંડને ઉજાગર કરવું એ પણ ગુનો બની ગયો છે, શું આવનારા દિવસોમાં કોઈ વ્યક્તિ કૌભાંડ ઉજાગર કરવાનું સાહસ કરશે?? શું તમે ઈચ્છો છો કે સરકાર આવી જ રીતે દરેક કૌભાંડીને બચાવી લે અને નિર્દોષ વ્યક્તિને ફસાવી દે?
તમે ભલે કોઈપણ પાર્ટીને સપોર્ટ કરતા હોય, પણ ભ્રષ્ટાચારને, ભ્રષ્ટચારીને અને ભ્રષ્ટચારીને સપોર્ટ કરનારાઓને તો સપોર્ટ નહિ જ કરો એવી આશા છે.
લિ.
ગોપાલ ઈટાલીયા
ઉપાધ્યક્ષ, આમ આદમી પાર્ટી