11/02/2023
*સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારંભ*............
*માન. મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત અને પ્રભારીશ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં 1507 વિદ્યાર્થીઓને પદવી એનાયત*..............
*‘’માત્ર માર્કશીટથી નહી પરંતુ સ્કીલ દ્વારા યુવાઓએ પોતાનું સ્થાન બનાવવાનું છે’’.: મંત્રીશ્રી ઋષિકેશ પટેલ*...............
*‘’આ વર્ષના સાયન્સના પરીણામમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી જિલ્લામાં પ્રથમ’’: મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત*..................
*‘’જે કામ કરો એમાં પોતાનું 100% આપો’’: પ્રભારીશ્રી જગદીશ વિશ્વકર્મા*..........
માહિતી બ્યુરો, પાટણ
આજરોજ સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીનો ત્રીજો પદવીદાન સમારંભ યોજાયો હતો. કુલ 1507 વિદ્યાર્થીઓને આજરોજ પદવી એનાયત કરવામાં આવી હતી. માન. શિક્ષણ અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ, કેબિનેટ મંત્રીશ્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીનાં પ્રમુખ એવા બળવંતસિંહ રાજપૂત, પાટણ જિલ્લા પ્રભારીશ્રી જગદીશ વિશ્વકર્મા અને રાજ્યનાં સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવેની ઉપસ્થિતિમાં આજરોજ કુલ 24 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 24 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યાં હતાં. તદુપરાંત 03 પી.એચ.ડી.નાં વિદ્યાર્થીઓને પણ આજરોજ પદવી એનાયત કરવામાં આવી હતી.
પદવીદાન સમારંભમાં ઉપસ્થિત શિક્ષણમંત્રી અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે, ડીગ્રીને સર્વસ્વ માનીને ન ચાલવું જોઈએ. આ જીવનની આખરી પરીક્ષા નથી, હજુ તો અનેક પરીક્ષાઓ આપ સૌએ પાસ કરવાની છે. માત્ર માર્કશીટથી નહી પરંતુ સ્કીલ દ્વારા યુવાઓએ પોતાનું સ્થાન બનાવવાનું છે. માન. વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે કે દેશનો યુવા પોતાની રીતે આગળ વધે અને પોતાની રીતે રોજગારી મેળવતો થાય. એટલે જ આજે સ્ટાર્ટઅપ ઈન્ડિયા થકી દેશનો યુવાન પોતાના મનગમતા વિષયમાં આગળ વધતો થયો છે. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીએ આજે જે સ્ટાર્ટ અપની શરૂઆત કરી છે તે ખરેખર સરાહનીય છે. આપ સૌ 21મી સદીના યુવાઓ છો એટલે આત્મવિશ્વાસ સાથે સૌ કોઈ પોતાના મનગમતા વિષયમાં આગળ વધે એવી સૌને શુભેચ્છા.
પદવીદાન સમારોહમાં ઉપસ્થિત માન. મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતુ કે, મારી માતાનું સપનું હતુ કે સરસ્વતી નદીનાં કિનારે વસેલાં આ સિદ્ધપુરમાં શિક્ષણનું એક મોટું ધામ બને. વર્ષ 2011માં એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટથી શરૂઆત કરી હતી અને આજે કુલ 15 જેટલી ફેકલ્ટી ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીમાં ચાલી રહી છે. આજે 75 થી વધું વિદ્યાર્થીઓ આજે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે, સાયન્સનું આ વર્ષનું જે પરીણામ આવ્યું એમાં પાટણ જિલ્લામાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ટોપ પર છે. પાટણ જિલ્લાના ટોપ-10માથી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનાં 4 વિદ્યાર્થીઓ સામેલ છે. આજે મેડલ મેળવેલ અને પદવી હાંસલ કરેલ તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન પાઠવું છુ.
પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું હતુ કે, ગુરૂ અને શિષ્યના આદર્શ મુલ્યો આજે દિક્ષાંત સમારોહમાં દેખાય છે. આ પરંપરા તો ઋષિમુનિઓના સમયથી ચાલતી આવી છે. આજે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં જે સ્ટાર્ટ અપની શરૂઆત કરવામાં આવી છે તે બદલ હું યુનિવર્સિટીને અભિનંદન પાઠવું છુ. વિદ્યાર્થીઓને મારે એટલું કહેવું છે કે જે કામ કરો એમાં પોતાનું 100% આપો, તો જ પરીણામ મળશે. આજે અહીં ગોલ્ડ, સિલ્વર મેળવેલ તમામ વિદ્યાર્થીઓ અને પદવી હાંસલ કરેલ તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન પાઠવું છુ.
ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીના દિક્ષાંત સમારોહમાં ઇનોવેશન પોલીસી અંતર્ગત સ્ટુડન્ટ સેલનું ઉદઘાટન પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, આરોગ્ય અને શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ પ્રખ્યાત લોક ગાયિકા કિંજલબેન દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તેમજ કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત હાજર રહ્યા હતા. આ સ્ટુડન્ટ સેલનો મુખ્ય હેતુ યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા કેળવાય અને નવા નવા સ્ટાર્ટઅપ દ્વારા વિદ્યાર્થીઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી શકે તે છે. આજુબાજુના ગામડાના લોકો પણ પોતાનું સ્વતંત્ર સ્ટાર્ટઅપ તેમજ ધંધો રોજગાર આ સ્ટુડન્ટ સેલ મારફતે કરી શકશે. તે માટેની તમામ સુવિધાઓ સ્ટાર્ટઅપ અને ઇન્કયુબેશન સેન્ટર ખાતે આપવામાં આવશે.
આજરોજ આયોજીત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં માન. શિક્ષણ અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ, કેબિનેટ મંત્રીશ્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીનાં પ્રમુખ એવા બળવંતસિંહ રાજપૂત, પાટણ જિલ્લા પ્રભારીશ્રી જગદીશ વિશ્વકર્મા અને રાજ્યનાં સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ, જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ શ્રીમતી ભાનુમતિબેન મકવાણા, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ટ્રસ્ટીશ્રી ભીખીબા રાજપૂત, અર્જુનસિંહ રાજપૂત, તેજલબેન રાજપૂત, પ્રોવોસ્ટ(આઈ.સી) ડૉ.સુનિલ જોષી, પ્રો-વાઈસ ચાન્સેલર ડૉ.અકીલ અલી સૈયદ, ડૉ.કલ્પેશ વાન્ડ્રા, રજીસ્ટ્રાર ડૉ.હિમંતસિંહ રાજપૂત તેમજ યુનિવર્સિટીનો સ્ટફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા....................................