14/03/2023
બોર્ડની પરીક્ષામાં અપીયર થનારા કે બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરનારા દરેક વિદ્યાર્થીને મારે એટલું જ કહેવું છે કે ‘પરીક્ષા એટલે ફક્ત તમને મળેલી માહિતીની સાબિતી આપવાની પ્રથા. એથી વિશેષ કશું જ નહીં.’
પરીક્ષા ખંડની બારીમાંથી બહાર જુઓ. પ્રશ્નપત્રના લંબચોરસ કાગળની બહાર એક વિશાળ દુનિયા હાથ ફેલાવીને તમને આવકારી રહી છે જેને તમારા માર્ક્સ કે ટકાવારી સાથે કોઈ જ નિસ્બત નથી. તેને ફક્ત તમારા અભિગમ સાથે નિસબત છે.
વિદ્યાર્થીની આવડતને માપી શકે એવું કોઈ પ્રશ્નપત્ર આજ સુધી બન્યું નથી. દુનિયાની કોઈ પણ લાલ પેન તમારામાં રહેલી આવડતની ફરતે લાલ વર્તુળ કરી શકે એટલી સક્ષમ નથી.
અને અત્યારનો યુગ શક્યતાઓનો યુગ છે. હવે રોજગાર ફક્ત ડીગ્રી-ઓરિએન્ટેડ નથી રહ્યું, એ સ્કીલ-ઓરિએન્ટેડ બની ગયું છે. આ જગતને તમારી ડીગ્રી સાથે નહીં, તમારી આવડત સાથે નિસબત છે. જિંદગીમાં તમારી સફળતાનો આધાર તમારી કોમ્યુનિકેશન સ્કીલ્સ અને વોકેશનલ સ્કીલ્સ પર રહેલો છે, તમારા માર્ક્સ કે ડીગ્રી પર નહીં.
નિશાળના દરવાજાની પેલે પાર રહેલા દરેક રસ્તા તમારા છે. ભવિષ્યમાં જયારે તમે સફળતાના વિશાળ દરવાજામાંથી પસાર થતા હશો, ત્યારે ત્યાં કોઈ ગેટકીપર ઊભો નહિ હોય જે ટીકીટની જેમ તમારા માર્કશીટ ચેક કરે.
આ દુનિયામાં ઘણું બધું બિનશરતી છે. આ દુનિયામાં ઘણું બધું બિનશરતી હોય છે. મમ્મીનું વ્હાલ, પપ્પાનો સાથ, ભાઈ બહેનોનો પ્રેમ, મિત્રો સાથેની ભાઈબંધી, ક્રિકેટનું ખુલ્લું મેદાન, શિક્ષકોની સલાહ અને તેમનું વ્હાલ, સૂરજનું ઊગવું, સાંજનું પડવું, પાનખર પછી વસંત ઋતુનું આગમન, ઉનાળા પછી વરસાદનું આવવું, ભર ચોમાસે મિત્રો સાથે પલળવા નીકળવું, પહેલી વાર પ્રેમમાં પડવું, પ્રેમિકાનો પહેલો સ્પર્શ, પહેલી નોકરી, પહેલો પગાર, પહેલું પ્રમોશન, પહેલું બાળક, એ બાળકનો ચહેરો, એ બાળકનો સ્પર્શ, એ બાળકના મોઢેથી પહેલી વાર નીકળેલું ‘મમ્મી’ કે ‘પપ્પા’ અને આવી કેટલીય આનંદની ક્ષણો જે જિંદગીમાં તમારી રાહ જોઈને બેઠેલી છે. આ બધી ક્ષણો કોઈપણ જાતની શરતોને આધીન નથી. જિંદગીમાં સુખ કે આનંદ ક્યારેય * (ફૂદ્દડી કે ASTERIX) લઈને નથી આવતું. જિંદગી જ્યારે સુખ, આનંદ, હર્ષ ઓફર કરતી હોય છે ત્યારે કોઈજ શરતો લાગુ નથી હોતી.
આનંદની એકપણ ક્ષણ તમારું માર્કશીટ કે તમારો રેન્ક જોઈને આવવાની નથી. ઉપર રહેલી એકપણ ઘટનાને તમારી પરીક્ષા કે પરીક્ષાના પરિણામ સાથે દૂર દૂર સુધી કોઈ નિસ્બત નથી. અને આ બધી ઘટનાઓ જ જીવન બનાવતી હોય છે.
આ ડુંગરા, આ નદીઓ, આ બગીચા, આ ખુલ્લા મેદાનો. આમાંથી કોઈએ પણ દરવાજા મૂકાવ્યા નથી. તેઓ તમને કોઈપણ જાતની પૂર્વશરત વિના બોલાવે છે. તમે જાત અને જીવનને કેટલો પ્રેમ કરો છો ? અન્યને કેટલો આદર આપી શકો છો ? અન્ય પાસેથી કઈ રીતે કામ લઇ શકો છો ? એ વાત પર તમારી સફળતાનો આધાર રહેલો છે.
નિશાળ અને પરીક્ષા બહારની દુનિયા બહુ વિશાળ છે. બહુ બધા ઓપ્શન્સ છે. લોકો ફક્ત યુ-ટ્યુબર બનીને લાખો કમાઈ રહ્યા છે. ફરી એકવાર કહું છું, અત્યારનો યુગ શક્યતાઓનો યુગ છે. તમારી જાતને ફક્ત આ પરીક્ષા કે પરીક્ષાના માર્ક્સ પૂરતી મર્યાદિત ન રાખતા. એક વિદ્યાર્થી અને એક વ્યક્તિ તરીકે તમારું પોટેન્શીયલ અનેકગણું વિશાળ છે. આ જગતમાં સફળ થવાનાં એન્ડલેસ રસ્તાઓ અને રીતો છે. અને તમારામાં અનંત ક્ષમતાઓ રહેલી છે.
તમે પરીક્ષાને ગંભીરતાથી લઇ રહ્યા છો એ સારી વાત છે. પણ પ્લીઝ, ઉજ્જવળ ભવિષ્ય તરફ લઇ જતો એ એકમાત્ર રસ્તો નથી. પરીક્ષા સિવાય પણ શિખર સુધી પહોંચવાના અનેક રસ્તા છે. પરીક્ષા અને પરીક્ષાની બહારની દુનિયામાં પણ તમારી પ્રામાણિકતા, હિંમત અને મહેનત જ તમને પ્રગતિ કરાવશે.
બહારની દુનિયા દરેક દિવસે, દરેક ક્ષણે તમારી પરીક્ષા લેતી હોય છે. અને જિંદગી જયારે પરીક્ષા લે છે, ત્યારે એ બધું જ કોર્સ બહારનું પૂછે છે. તમારી જાતને એની માટે તૈયાર કરજો.
પરીક્ષા ઘણું બધું છે, પણ એ બધું જ નથી. એ દુનિયાનો અંત નથી. એમ માની લો કે બસ, ત્યાંથી તો દુનિયાની શરૂઆત થાય છે.