13/11/2024
ચાલ પાછી કર શરૂ પેલી નદીની વારતા,
ડૂસકાં સાંભળ અને કર લાગણીની વારતા
લેખક: ડૉ. શરદ ઠાકર
મોહનલાલ નિવૃત્ત શિક્ષક. બંને આંખમાં મોતિયો પાકી ગયો હતો. ચહેરા પરની ઝૂર્રીઓમાં ઘડપણે ધામા નાખી દીધા હતા. લાકડીના સહારે ચાલવામાં પણ દસ-બાર ડગલાં પછી એકાદવાર લથડી પડાતું હતું. પેન્શનની આવકમાં માંડ ઘર ચાલતું હતું. આવામાં સાસરિયે વળાવેલી દીકરી વિભા બીજા જ વરસે પાછી આવી. જમાઇ અલયકુમારે કારણમાં ફક્ત આ એક જ વાક્ય કહ્યું, ‘વિભા સાથે મનમેળ જામતો નથી.’
બે દિવસ પછી એણે વકીલની નોટિસ પણ મોકલી આપી. બિચારા વૃદ્ધ મોહનલાલે લોકો પાસેથી મળેલી માહિતીને સ્વીકારીને વકીલ ઇન્દ્રજીતસિંહ રાણાની ઓફિસમાં પહોંચી ગયા. રાણાસાહેબ યુવાન હતા, પણ બાહોશ હતા. મોહનલાલ પોતાના દીકરાની ઉંમરના વકીલના પગમાં ઝૂકી પડ્યા, ‘સાહેબ, મારી દીકરીનો કેસ તમને સોંપવા આવ્યો છું. એને ન્યાય અપાવો. હું જાણું છું કે તમારી ફી…’ રાણાસાહેબે બે હાથે મોહનલાલને ઝાલીને ઊભા કર્યા, પછી પોતે એમના પગમાં પડ્યા, ‘સાહેબ, તમને ઝાંખું દેખાય છે, પણ હું તો સ્પષ્ટ જોઇ શકું છું.
તમને યાદ કરાવું? હું ઇન્દ્રજીતસિંહ. જેની સાતમા, આઠમા, નવમા અને દસમા ધોરણની ફી તમે ભરી હતી એ હું જ. મારા બાપુ કાળ કરી ગયા’તા એ પછી ઊપરા-છાપરી ચાર દુષ્કાળ પડ્યા એટલે દાદાબાપુએ મને સ્કૂલમાંથી ઉઠાડી લેવાનું નક્કી કર્યું હતું. ત્યારે તમે એમને કીધું’તું કે છોકરો તેજસ્વી છે, એને ભણવા દો, ફી હું ભરીશ. યાદ આવ્યું, સાહેબ?’ મોહનલાલને બધું યાદ આવી ગયું. મોતિયો આંખમાં આવ્યો હતો, કંઇ મગજમાં થોડો આવ્યો હતો? એમની એક આંખમાંથી અષાઢ અને બીજી આંખમાંથી શ્રાવણ વરસી રહ્યો. એમને છાનાં રાખવા માટે વકીલસાહેબે ઓફિસના ખૂણામાં ઊભેલા લખુડાને કહ્યું, ‘જા, નીચે જઇને ત્રણ ચાનું કહી આવ.’ લખુડો પણ એક વિચિત્ર કેરેક્ટર. એના ખાનદાનની માહિતી આજ સુધી વકીલને પણ મળી ન હતી.
પણ એ હતો ઇમાનદાર. વફાદારી એની જનેતા હતી અને બળુકાપણું એનો બાપ હતું. એ આખો દિવસ ઓફિસમાં પડી રહેતો, રાતે બહાર વેઇટિંગ એરિયામાં સૂઇ જતો. વકીલસાહેબના ઘરેથી ટિફિન આવે એમાં એંશી ટકા જેટલું તો લખુડા માટે હોય. સવા છ ફીટ ઊંચો, મજબૂત દેહ. એના મગદળ જેવા હાથ. બેય બાવડા પર સિત્તેર-સિત્તેર કિલો વજન ધરાવતા બે જણાને લટકાવીને એ હવામાં અદ્ધર ઝુલાવી શકતો હતો. એ દિમાગ ભાગ્યે જ ચલાવતો હતો. જ્યારે ચલાવતો ત્યારે પણ મૂંગો જ રહેતો હતો. વકીલસાહેબે એને કડક સૂચના આપી રાખી હતી, ‘મારી સાથે કામ કરવું હોય તો મોઢું બંધ અને કાન ખુલ્લાં.’ મોહનલાલસાહેબને વિદાય કર્યા પછી રાણાસાહેબે શાંતિથી વિચાર કર્યો. વિભાના વર અલયે છૂટાછેડાની નોટિસ મોકલાવી હતી એમાં એના વકીલનું નામ અને ફોન નંબર વંચાતા હતા. રાણા વકીલ એને સારી રીતે ઓળખતા હતા. તરત ફોન જોડ્યો, ‘મિ. નાણાવટી, તમારી સાથે અગત્યની વાત કરવી છે. અત્યારે આવુંય’ ‘બાપુ, તમારે ધક્કો ખાવાનો હોય? હું જ આવું છું.’ સામેથી જવાબ મળ્યો. સમાજમાં ક્ષત્રિયોનું એક આગવું માન અને સ્થાન છે. નાણાવટી આવ્યા. રાણાસાહેબે ખુલ્લી વાત કરી દીધી, ‘તમારા અસીલે એની પત્નીને વિના વાંકે કાઢી મૂકી છે. જે કારણ બતાવ્યું છે એ ગળે ઊતરે એવું નથી. વિભા મારી બહેન જેવી છે. મારે કેસ લડવાની ફી પણ લેવાની નથી. તમે તમારા અસીલને સમજાવો કે એ આ પારેવડીને પાછી બોલાવી લે.’ ‘મારો અસીલ કોઇ કાળે નહીં માને. એ પોતાનો વકીલ બદલી નાખશે પણ નિર્ણય નહીં બદલે.’ નાણાવટીએ ભેદ ખુલ્લો કર્યો, ‘એનું કારણ એ છે કે વિભાનો વર અલય બીજી સ્ત્રીના પ્રેમપાશમાં બંધાઇ ગયો છે. એ સ્ત્રીનું નામ સ્વીટી. એ પણ પરણેલી છે. એણે પણ પોતાના પતિથી છૂટાછેડા લેવા છે. યોગાનુયોગ એનો કેસ પણ મારે લડવાનો છે. મારા બંને અસીલને હું છૂટાછેડા અપાવું એ પછી એ બંને લગ્ન કરવાનાં છે. બોલો, રાણાસાહેબ, આ ગૂંચવાયેલું કોકડું ઊકેલવું કેવી રીતે?’ રાણાસાહેબ હતાશ થઇ ગયા, ‘જેવી માતાજીની મરજી. આમાં બીજું તો શું થઇ શકે? આપણે એટલું કરીએ કે જલદી-જલદી કેસની તારીખો જજસાહેબ પાસેથી લઇને બને એટલો વહેલો આ કેસનો નીવેડો લાવી દઇએ. બિચારી વિભાની જિંદગી બગડી જશે અને મારા મોહનલાલસાહેબને વહેલું મૃત્યુ આવી જશે. લખુડા, નીચે જા અને ત્રણ કપ ચા…’ ચાય પે ચર્ચા નહીં, પણ ચર્ચા પર ચા પીને બંને વકીલો છૂટા પડ્યા. રાણાસાહેબ એમના બીજા અસીલોની ફાઇલમાં ડૂબી ગયા. લખુડો સાહેબની ગમગીની જોઇને પોતે પણ ગમગીન થઇ ગયો. એને ઘણુંબધું કહેવાની ઇચ્છા થઇ આવી, પણ એ ચૂપ જ રહ્યો. વકીલસાહેબે એને મોઢું ખોલવાની મનાઇ કરી હતી. ઉઘાડી આંખે એણે જે જોયું અને ખુલ્લા કાનથી જે સાંભળ્યું એ ‘ડેટા’ એના દિમાગમાં ઊતરી ગયો અને એ જીવંત કોમ્પ્યૂટરમાં ‘એનલાઇઝ’ થવા માંડ્યો. એણે રાણાસાહેબને વિનંતી કરી, ‘મારે અંગત કામ સબબ એકાદ-બે દિવસની રજા જોઇએ છે. જો કામ એક દિવસમાં પતતું હશે તો હું બે દિવસ નહીં થવા દઉં અને જો અડધા દિવસમાં પતી જશે તો હું એક દિવસ નહીં લઉં.’ લખુડાને જે કંઇ લાગ્યો એ અલય વિશેની માહિતી એકઠી કરવામાં જ લાગ્યો. અલય ક્યાં કામ કરે છે, સ્વીટીને ક્યારે અને કઇ જગ્યાએ મળે છે, એની સાથે જાહેરમાં કે ખાનગીમાં કેટલો સમય વિતાવે છે; આ બધાંની નાની-મોટી વિગત એણે મેળવી લીધી. એની આંખ બપોરના બેથી ચાર વાગ્યાના સમય પર ઠરી ગઇ.’ આ એ સમય છે જ્યારે અલય ઓફિસમાંથી ગાયબ થઇ જાય છે. શહેરની બહાર આવેલી આમ્રકુંજ નામની વાડીમાં એની પ્રેમિકાને બોલાવે છે. દોઢ-બે કલાક આંબાના વૃક્ષની છાંયમાં બેસીને મીઠીમધુરી કેરીનો રસ માણે છે.’ આ માહિતી અલયની ઓફિસના જ એક કર્મચારીએ આપી. લખુડો બરાબર ત્રણ વાગે આમ્રકુંજમાં પહોંચી ગયો. એણે જાણી લીધું હતું કે આ વાડીનો માલિક ધનવાન છે, પણ મોટા ભાગે એ મુંબઇમાં જ હોય છે. અલય દોસ્તીના હકદાવે એની વાડીનો દુરુપયોગ કરે છે. આમ્રવૃક્ષની હેઠે અલય-સ્વીટી પૂરબહારમાં ખીલ્યાં હતાં, બરાબર તે સમયે લખુડાએ ધમાકેદાર ‘એન્ટ્રી’ મારી. અલય માટે લખુડો સાવ અજાણ્યો હતો. એ કંઇ સમજે એ પહેલાં જ લખુનો જમણો હાથ હવામાં વિંઝાયો, ક્ષર્ણાધમાં અલય જમીન પર ચત્તોપાટ પડ્યો હતો. હથોડા જેવા હાથના પ્રહારથી એનું નાક ભાંગી ગયું હતું, ચાર દાંત પડી ગયા હતા અને ચહેરો લોહીથી લથબથ થઇ ગયો હતો. લખુડો એની છાતી પર ચડી બેઠો, ‘હું કોણ છું એ તું જાણે છે? તારી પત્ની વિભાનો ધર્મનો ભાઇ. હું બહારગામ રહું છું એટલે ક્યારેય આપણું મળવાનું બન્યું નથી. ભગવાનને પ્રાર્થના કરજે કે આપણે બીજીવાર મળીએ પણ નહીં. મારી બહેન સાથે છૂટાછેડા લેવાની વાત ભૂલી જજે. હું તને જાનથી મારી નાખીશ. મારા માટે જેલ અને બહાર બધું સરખું જ છે.’ થરથર ધ્રૂજતા અલયને છોડીને લખુડાએ સ્વીટી સામે જોયું, ‘તારે આવા છુંદાયેલા મોઢાવાળા, દાંત વગરના પુરુષની સાથે પરણવું છે? જો લગ્ન પછીના બીજા જ દિવસે વિધવા થવાની તૈયારી હોય તો જ પરણજે.’ પાંચ વાગતા પહેલાં તો લખુડો ઓફિસમાં હાજર હતો. વકીલસાહેબને સમજાયું નહીં કે મોહનલાલસાહેબ બીજીવાર એમની દીકરીનાં કામ માટે દેખાયા કેમ નહીં? મોહનલાલને એ ન સમજાયું કે પાટો બાંધેલા ચહેરા સાથે અલયકુમાર સામે ચાલીને કેમ ઘરે આવ્યા અને વિભાને પ્રેમપૂર્વક લઇ ગયા!
સ્વીટીના વરને પણ એ સમજાયું નહીં કે સ્વીટીએ શા માટે છૂટાછેડાનો વિચાર પડતો મૂક્યો? નાણાવટી વકીલને બબ્બે કેસ હાથમાંથી સરકી ગયા એનું કારણ ન સમજાયું. આ બધાંની સાગમટી મૂંઝવણોનો સાગમટો ખુલાસો એકમાત્ર લખુડા પાસે હતો, પણ એ ચૂપ હતો. રાણાસાહેબે એને બોલવાની મનાઇ કરી હતીને?