03/11/2025
શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર દ્વારા યુરોપના સૌથી મોટા નવરાત્રી ઉત્સવની ઉજવણી
લંડનના નોર્થોલ્ટમાં આવેલ શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર (SKLPC) ખાતે તા. 22 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર દરમિયાન યુરોપના સૌથી મોટા નવરાત્રી ઉત્સવની ઉજવણી કરાઈ હતી. સતત 45માં વર્ષે યોજાઇ રહેલો આ તહેવારમાં યુકે અને વિદેશમાંથી હજારો લોકો ઉમટી પડ્યા હતાં.
આ ઉત્સવ 6 ઓક્ટોબરના રોજ શરદ પૂનમ સાથે સમાપ્ત થયો હતો. નવ દિવસ દરમિયાન સૌ ભક્તોએ આરતી, સામૂહિક પ્રાર્થના અને પ્રસાદનો લાભ લીઘો હતો. દાતાઓએ ઉદારતાથી પ્રસાદ અને ફળ આપ્યા હતા.
ઉત્સવ દરમિયાન દરરોજ લગભગ 2,000 લોકો અને વિકેન્ડમાં 4,000થી વધુ લોકો ઉત્સવમાં જોડાયા હતા અને લોકોનો એટલો ઉત્સાહ હતો કે માર્કી સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ હતી.
આ ઉજવણી દરમિયાન ઇલિંગના મેયર કાઉન્સિલર એન્થોની કેલી; હિલિંગ્ડનના મેયર કાઉન્સિલર ફિલિપ કોર્થોર્ન; અને બ્રેન્ટના મેયર કાઉન્સિલર રાયન હેક, હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલ, વિવિધ મંદિરો, સાંસ્કૃતિક સંગઠનો, પ્રાયોજકો અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ સહિત ઘણા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે SKLPC UK ના પ્રમુખ માવજી ધનજી જાદવા વેકરિયા તથા જનરલ સેક્રેટરી રવિ વરસાણીએ નવરાત્રીના કન્વીનરો – રક્ષા રમણીક જીના, ચંદ્રકાંત વરસાણી, સચિન મેઘાણી, સલાહકારો, ટીમ લીડ્સ, તથા અથાક મહેનત કરનાર ઇન-હાઉસ કિચન ટીમ, ટ્રેઝરી, કાર પાર્ક અને ગેટ કંટ્રોલ સ્વયંસેવકો તથા ઉજવણીને ટકાવી રાખનારા પ્રાયોજકો અને દાતાઓનો ખાસ આભાર માન્યો હતો.